લખનઊ: લખનઊ સુપર જાયન્ટ્સ (એેલએસજી)એ હોમ-ગ્રાઉન્ડ પર પંજાબ કિંગ્સ સામે ટૉસ જીતીને બૅટિંગ લીધી, પરંતુ શરૂઆત સંતોષજનક ન હોવાથી એવું લાગતું હતું કે આ ટીમ માંડ દોઢસો રન સુધી પહોંચી શકશે. જોકે ઓપનર ક્વિન્ટન ડિકૉક (54 રન, 38 બૉલ, બે સિક્સર, પાંચ ફોર), કાર્યવાહક કૅપ્ટન નિકોલસ પૂરન (42 રન, 21 બૉલ, ત્રણ સિક્સર, ત્રણ ફોર) અને છેલ્લે છેલ્લે કૃણાલ પંડ્યા (43 અણનમ, બાવીસ બૉલ, બે સિક્સર, ચાર ફોર)ની ત્રિપુટીએ એવી ફટકાબાજી કરી કે છેવટે ટીમનો સ્કોર 200 રનની લગોલગ પહોંચી ગયો હતો. એલએસજીએ 20 ઓવરમાં 199 રન બનાવીને પંજાબને 200 રનનો લક્ષ્યાંક આપ્યો હતો.
માર્કસ સ્ટોઇનિસ (19 રન, 12 બૉલ, બે સિક્સર)નું પણ પંજાબ પર મનોવૈજ્ઞાનિક દબાણ લાવી શકે એવા 199 રનના ટોટલમાં સાધારણ યોગદાન હતું.
પંજાબના બોલર્સમાં હર્ષલ પટેલ (4-0-45-0) સૌથી મોંઘો સાબિત થયો હતો. બીજી તરફ, સૅમ કરૅન (4-0-28-3) સૌથી સફળ હતો. અર્શદીપ સિંહને 30 રનમાં બે તેમ જ કૅગિસો રબાડાને 38 રનમાં એક અને રાહુલ ચાહરને 42 રનમાં એક વિકેટ મળી હતી. હરપ્રીત બ્રારને બે જ ઓવર મળી હતી જેમાં તેની બોલિંગ (2-0-14-0) ઇકોનોમિકલ હતી.
કૃણાલ પંડ્યાએ આતશબાજીવાળી પોતાની ઇનિંગ્સ વિશે કહ્યું, ‘મને કોઈ પણ ક્રમે બૅટિંગમાં મોકલવામાં આવે, હું બને એટલા રન કરીને ટીમને યોગદાન આપવાનો અભિગમ રાખું છું. જેમ એક્ઝામમાં આપણે સારું વાંચ્યું હોય તો પૅપર સારું જાય એવું જ ક્રિકેટમાં પણ છે.’
Taboola Feed