પુરુષોત્તમ રૂપાલા સામે દલિત સમાજ લાલઘુમ, એટ્રોસિટી એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવવા પોલીસમાં અરજી
જુનાગઢ: કેન્દ્રીય મંત્રી અને લોકસભા સીટ પરથી ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાની હાલત કફોડી બની છે, ક્ષત્રિય સમાજ અંગે કરેલી અભદ્ર ટિપ્પણી બાદ સમાજમાં ભારોભાર રોષ પ્રવર્તી રહ્યો છે. રૂપાલાએ બે વખત માફી માંગી હોવા છતાં ક્ષત્રીયો માંફી આપવાના મૂડમાં નથી, ત્યારે આજે વધુ એક સમાજે રૂપાલા સામે બાયો ચઢાવી છે. હવે દલિત સમાજ રૂપાલાથી નારાજ થયો છે અને પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
પુરુષોત્તમ રુપાલા સામે અનુસૂચિત જાતિ સમાજના અપમાનનો આરોપ લાગ્યો છે. ગોંડલમાં યોજાયેલા કાર્યક્રમમાં એક નિવેદન આપ્યું જેના કારણે અનુસૂચિત જાતિના સમાજની લાગણી દુભાઈ હોવાના અહેવાલ છે. જૂનાગઢના વંથલી પોલીસ સ્ટેશનમાં સામાજિક કાર્યકર અજયકુમાર નાનજીભાઈ વાણવીએ પુરુષોત્તમ રૂપાલા વિરુદ્ધ એટ્રોસિટી એક્ટ મુજબ ફરિયાદ દાખલ કરવાની અરજી આપી છે. ગોંડલના ક્ષત્રિય સમાજના કાર્યક્રમમાં રૂપાલાએ દલિત સમાજના કાર્યક્રમ વિશે ટિપ્પણી કરી હતી.
આ અરજીમાં લખવામાં આવ્યું છે કે, પરશોત્તમ રુપાલા દ્વારા તેમના વક્તવ્ય દરમિયાન જે તે કાર્યક્રમ તેમના કોઈ કામનો નહોતો અમે તો એમ જ પહોંચી ગયા હતા, તેવું નિવેદન આપવામાં આવ્યું છે જેના કારણે અનુસૂચિત જાતિ સમાજની લાગણી દુભાઈ છે.
ગોંડલના ક્ષત્રિય સમાજના કાર્યક્રમમાં રૂપાલાએ દલિત સમાજના કાર્યક્રમ વિશે ટિપ્પણી કરી હતી. જેમાં તેમણે કહ્યું હતું કે, એક ચૂંટણીની અને તે પણ અનઆયોજિત એવો કોઈ કાર્યક્રમ પણ નહોતો. અમે તો કાર્યક્રમ બંધ કરીને કરસનદાસ સાગઠિયાના ભજન હતા તેના માટે ત્યાં ગયા હતા. એવો કાર્યક્રમ પણ કંઈ કામનો નહોતો. જેની સામે દલિત સમાજમાં રોષ હોવાનો અરજીમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
પુરુષોત્તમ રુપાલા વિરૂધ્ધ અરજી આપનાર સામાજિક કાર્યકર અજયકુમાર નાનજીભાઈ વાણવીએ કહ્યું કે, “પુરુષોત્તમ રૂપાલાનો માફીનો કાર્યક્રમ યોજાયો હતો. આ માફીના કાર્યક્રમમાં ક્ષત્રિય સમાજને વ્હાલા થવા માટે દલિત સમાજને ઉતારી પાડવા માટેનો જે હાવ-ભાવ અને વાણી વિલાસ હતો તેનાથી સમગ્ર ગુજરાત અને ભારતના દલિત સમાજની લાગણીને ઠેસ પહોંચી છે. જેના પગલે મેં ફરિયાદ દાખલ કરવા અરજી કરી છે. આ સાથે જો ફરિયાદ નહીં નોંધાય તો કોર્ટમાં અરજી કરવાની પણ તૈયારી સામાજિક કાર્યકરે દર્શાવી છે.”