આપણું ગુજરાતવિધાનસભા સંગ્રામ ૨૦૨૪

સાબરકાંઠા ભાજપમાં આંતરકલહને શાંત કરવા સીએમ ભૂપેન્દ્ર પટેલે યોજી હાઈ લેવલ બેઠક, જાણો વિગત

લોકસભાની ચૂંટણી નજીક છે ત્યારે રાજ્યની અમુક બેઠકો પર ઉમેદવારને લઈ ભાજપમાં જ આંતરિક જૂથવાદ જોવા મળી રહ્યો છે. સાબરકાંઠાના પૂર્વ ઉમેદવાર ભીખાજી ઠાકોરના સમર્થકો શોભનાબેનનો સખત વિરોધ કરી રહ્યા છે. વર્તમાન ઉમેદવાર શોભના બારૈયા આયાતી ઉમેદવાર છે, તેથી આ વિસ્તારમાં ભારે આક્રોશ છે. લોકસભાના ઉમેદવાર પસંદગીમાં થયેલા કકળાટને શાંત કરવા સીએમ ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ ભાજપ હાઈ કમાન્ડ મેદાનમાં ઉતાર્યા છે.

સાબરકાંઠા લોકસભા બેઠક પર ઉમેદવારી મુદ્દે મુખ્યમંત્રી આવાસ ખાતે ભાજપની હાઈ લેવલની બેઠક મળી હતી. આ બેઠકમાં સીએમ પટેલ અને સીઆર પાટીલે ભાજપની પ્રતિષ્ઠાને હાનિ પહોંચે તેવો વિરોધ પ્રદર્શન બંધ કરાવવા સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના આગેવાનો અને ધારાસભ્યો સાથે ચર્ચા કરી હતી.

સાબરકાંઠા બેઠક પરનું કોકડું ઉકેલવા માટે આજે ગાંધીનગરમાં મુખ્યમંત્રી નિવાસસ્થાને મહત્ત્વની બેઠક યોજાઈ હતી. સવારે 10.30 વાગ્યે શરૂ થયેલી બેઠક બપોર પછી 3.30 વાગ્યે પૂર્ણ થઈ હતી, આથી પાંચ કલાક ચાલેલી બેઠકમાં ભાજપ દ્વારા જાહેર કરાયેલા ઉમેદવાર શોભના બારૈયા પણ હાજર રહ્યા હતા, શોભનાબેન સાથે પ્રદેશ મોવડી મંડળે સીધી ચર્ચા કરી હતી.

આ બેઠકમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ, ભાજપ પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ, પ્રદેશ મહામંત્રી રજની પટેલ, સાંસદ રમીલાબેન બારા અને અપક્ષ ધારાસભ્ય ધવલસિંહ ઝાલા સહિત અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લા પ્રમુખ અને ધારાસભ્યો પણ ઉપસ્થિત રહ્યા હતા. સાબરકાંઠાના સૌ હોદ્દેદારોને એક પછી એક બોલાવીને સ્થાનિક પરિસ્થિતિ અંગે સાંભળ્યા હતા.

આપણ વાંચો: વડોદરાની બોટ દુર્ઘટના મુદ્દે પીએમ મોદી અને સીએમ ભૂપેન્દ્ર પટેલે વ્યક્ત કર્યો શોક

આ બેઠકમાં સાબરકાંઠા લોકસભા ઉમેદવારના વિવાદ અને વિરોધ અંગે માહિતી મેળવવામાં આવી હતી. ડેમેજ કન્ટ્રોલ સાથે સાથે પડદા પાછળ વિરોધ કરનારાની ભૂમિકા ભજવનાર સંગઠનના લોકો અંગે પણ જાણકારી મેળવવામાં આવી હતી. બધા જ હોદ્દેદારોને મીડિયામાં જાહેર રીતે કંઈ ન બોલવા સૂચના અપાઈ હતી. આગામી સમયમાં પક્ષ પોતાનો નિર્ણય જાહેર કરશે.

ઉલ્લેખનિય છે કે સાબરકાંઠા લોકસભા સીટ પર ભાજપના આંતરકલહને શાંત કરવા માટે હિંમતનગરમાં ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ બેઠક કરી હતી. આ બેઠક બંધબારણે 3 કલાક ચાલી હતી. હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં બોલાવાયેલી બેઠકમાં અરવલ્લીના ભીખુસિંહ પરમાર, MLA પી.સી.બરંડા, પૂર્વ જિલ્લા પ્રમુખ રણવીરસિંહ ડાભીને બોલાવાયા હતા. આ બેઠકમાં કોઈ નક્કર પરિણામ ન આવતા આજે મુખ્યમંત્રી નિવાસ્થાને ફરીથી બેઠક મળી છે. સાબરકાંઠા બેઠકના ઉમેદવાર બદલાશે કે નહીં તેની પર સૌની નજર છે.

ભીખાજી ઠાકોર પાસેથી ઉમેદવારી લઈ પાછી લેવાતા તેમના કાર્યકરોમાં ભારે આક્રોશ જોવા મળ્‍યો છે. ભીખાજીની ના છતાં સમર્થકો માનવા તૈયાર નથી. થોડા દિવસ પહેલા અરવલ્લીના મેઘરજમાં મોટો વિરોધ જોવા મળ્‍યો હતો. ભીખાજીના સમર્થનમાં ભવ્‍ય રેલી કાઢવામા આવી હતી, જેમાં 2500થી વધારે લોકો રેલીમાં જોડાયા હતા. 2000થી વધારે કાર્યકરો કમલમમાં રાજીનામા આપ્યા હતા, વેપારીઓએ ધંધા-રોજગાર બંધ રાખીને વિરોધ દર્શાવ્‍યો છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button