નેશનલવિધાનસભા સંગ્રામ ૨૦૨૪

લોકસભા ચૂંટણી 2024: ભાજપની મેનિફેસ્ટો સમિતિમાં એકે એન્ટનીના પુત્રને સ્થાન

રાજનાથ સિંહની અધ્યક્ષતા હેઠળની સમિતિના ક્ધવીનર તરીકે નિર્મલા સીતારામન, મહારાષ્ટ્રનું પ્રતિનિધિત્વ કરશે પિયુષ ગોયલ

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ:
લોકસભામાં વિજયની હેટ્રિક મારવાના લક્ષ્ય સાથે મેદાનમાં ઉતરેલી ભાજપે શનિવારે આગામી લોકસભાની ચૂંટણી માટે મેનિફેસ્ટો તૈયાર કરવા માટેની સમિતિની જાહેરાત કરી હતી. આ સમિતિમાં સૌથી વધુ ચોંકાવનારું નામ પીઢ કૉંગ્રેસી નેતા એ. કે. એન્ટનીના પુત્ર અનિલ એન્ટનીનું છે. બંને પિતા-પુત્ર કૉંગ્રેસ છોડીને ભાજપમાં આવ્યા છે.

અપેક્ષા મુજબ જ મેનિફેસ્ટો સમિતિના અધ્યક્ષ રાજનાથ સિંહને બનાવવામાં આવ્યા છે, જ્યારે કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારામનને સમિતિના ક્ધવીનર બનાવવામાં આવ્યા છે અને સહ-સંયોજક તરીકે કેન્દ્રીય પ્રધાન પિયુષ ગોયલને સ્થાન આપવામાં આવ્યું છે.

આપણ વાંચો: ભાજપની મેનિફેસ્ટો કમિટી જાહેર, રાજનાથ સિંહની અધ્યક્ષતામાં 27 સભ્યો તૈયાર કરશે સંકલ્પ પત્ર

કેન્દ્રીય પ્રધાનો ધર્મેન્દ્ર પ્રધાન, અશ્ર્વિની વૈષ્ણવ, સ્મૃતી ઈરાની, રાજીવ ચંદ્રશેખર, કિરણ રીજીજુ અને અર્જુન મુંડાનો આ સમિતિમાં સમાવેશ કરવામાં આવ્યો છે. આ સમિતિમાં કુલ 27 સભ્યો રાખવામાં આવ્યા છે. જેમાં અર્જુન રામ મેઘવાળ, ભૂપેન્દર યાદવ, વિષ્ણુદેવ સાઈ, ગુજરાત, આસામ અને મધ્ય પ્રદેશના પ્રતિનિધિ તરીકે અનુક્રમે મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ, મુખ્ય પ્રધાન હેમંત બિસ્વા શર્મા, મુખ્ય પ્રધાન મોહન યાદવને સ્થાન આપવામાં આવ્યું છે. આ ઉપરાંત ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન શિવરાજ સિંહ ચૌહાણ, ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન વસુંધરા રાજે અને રવિશંકર પ્રસાદને પણ મેનિફેસ્ટો સમિતિમાં સ્થાન આપવામાં આવ્યું છે.

બિહારના નેતાઓ સુશીલકુમાર મોદી અને ઉત્તર પ્રદેશના નાયબ મુખ્ય પ્રધાન કેશવ પ્રસાદ મૌર્ય, ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન જુઆલ ઓરમ, પાર્ટીના સંગઠન નેતા વિનોદ તાવડે, રાધા મોહન દાસ અગરવાલ, મનજિન્દર સિંહ સિરસા, તારીક મન્સૂર અને અનિલ એન્ટનીને પણ સ્થાન આપવામાં આવ્યું છે.

તારીક મન્સૂર અને અનિલ એન્ટનીને પાર્ટીના મુસ્લિમ અને ખ્રિસ્તી ચહેરા તરીકે સમિતિમાં સ્થાન મળ્યું હોવાનું કહેવાઈ રહ્યું છે.

ભાજપની બીજી ટર્મમાં કલમ 370ની નાબુદી, રામ મંદિરની સ્થાપના જેવા મહત્ત્વના નિર્ણયો લેવાઈ ગયા હોવાથી હવે ત્રીજી ટર્મ માટેના મેનિફેસ્ટોમાં સમાન નાગરી ધારાનો સમાવેશ થાય એવું માનવામાં આવી રહ્યું છે. પાર્ટીના અધ્યક્ષ જેપી નડ્ડાએ ગયા અઠવાડિયે વિકસિત ભારત, મોદી કી ગેરેન્ટીનું સૂત્ર આપ્યું હતું એટલે તેને પણ મેનિફેસ્ટોમાં સ્થાન મળશે એવું માનવામાં આવી રહ્યું છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button