જુનાગઢ લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર રાજેશ ચુડાસમા સામે લોહાણા સમાજ મેદાને, PMને લખ્યો પત્ર
જુનાગઢ: ગુજરાતમાં લોકસભા સીટો પર ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધો મુકાબલો છે, આમ આદમી પાર્ટીએ માત્ર બે સીટ ભરૂચ અને ભાવનગર પર ઝંપલાવ્યું છે. જો કે આ સ્થિતીમાં ભાજપના ઉમેદવારો સામે વિરોધનો વંટોળ ઉઠ્યો છે, જેમ કે રાજકોટ સીટ પરથી ભાજપના ઉમેદવાર પુરૂષોત્તમ રૂપાલા સામે ક્ષત્રીય સમાજ અને જુનાગઢ સીટથી રાજેશ ચુડાસમા સામે લોહાણા સમાજે બાયો ચઢાવી છે. લોહાણા સમાજે તો રાજેશ ચુડાસમાને બદલવા માટે પીએમ મોદીને પત્ર પણ લખ્યો છે.
જુનાગઢ લોકસભા બેઠક પર રાજેશ ચુડાસમાનો વિરોધ થઈ રહ્યો છે. જુનાગઢમાં લોહાણા મહાજનોની માતૃસંસ્થા લોહાણા મહા પરિષદના સતિષ વિઠ્ઠલાણીએ તેમના સમાજ વતી વડાપ્રધાનને એક પત્ર લખ્યો છે. આ પત્રમાં તેમણે લખ્યું છે કે, “અમારો રઘુવંશી સમાજ હંમેશા ભારતીય જનતા પાર્ટી અને આપની સાથે ખભેખભા મિલાવીને ઉભો છે. અત્યારના સમયમાં એક બાબત પ્રત્યે આપનું ધ્યાન દોરીને સમસ્ત રઘુવંશી લોહાણા સમાજ ની દુભાયેલી લાગણી વ્યક્ત કરવાની મારી ફરજ સમજીને આપને આ પત્ર લખી રહ્યો છું.”
આ ઉપરાંત તેમણે ઉમેદવાર હટાવવાની માંગ સાથે જણાવ્યું કે, “ફેબ્રુઆરી ૨૦૨૩માં રઘુવંશી લોહાણા સમાજના સેવાભાવી વેરાવળના ડૉ.અતુલ ચગનું અપમૃત્યુ થયું હતું, તેમની સુસાઇડ નોટમાં રાજેશ ચુડાસમા પર આરોપ લગાવવામાં આવ્યો છે અને કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે છતાં તેમને જૂનાગઢથી લોકસભાની ટીકીટ ભારતીય જનતા પાર્ટી દ્વારા આપવામાં આવેલી છે. આ વ્યક્તિની ઉમેદવારીના કારણે બધાજ સમાજના અને ખાસ કરીને રઘુવંશી લોહાણા સમાજનાં લોકોને ખૂબ ઊંડો આઘાત લાગ્યો છે.”
ઉલ્લેખનિય છે કે ગીર સોમનાથના સેવાભાવી તબીબ ડો.અતુલ ચગે 12 મી ફેબ્રુઆરી 2023ના રોજ આત્મહત્યા કરી હતી. તેમનીઆત્મહત્યા કરી ત્યારબાદ એક સ્યુસાઇડ નોટ મળી આવી હતી. જેમાં તેમના મોત માટે રાજેશ ચુડાસમા અને તેમના પિતા નારણભાઈ જવાબદાર હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ બંને વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવા પામી ન હતી.
ડો.અતુલ ચગની આત્મહત્યાને 30 દિવસ જેટલો સમય વિતવા છતાં પણ આરોપી તરીકે રાજેશ ચુડાસમા અને નારણભાઈ સામે એફ.આઇ.આર નહીં નોંધાતા અંતે ચગ પરિવારે રાજ્યની ગુજરાત હાઈકોર્ટમાં બંને પિતા પુત્રને આરોપી દર્શાવવા દાદ માંગી હતી. હાઇકોર્ટે સમગ્ર મામલો સુપ્રીમ કોર્ટના દિશા નિર્દોષોને અનુરૂપ હોય મામલામાં સુપ્રીમ કોર્ટનું માર્ગદર્શન મેળવવામાં આવે તેવી ટકોર કરી હતી. અચાનક વેરાવળ પોલીસે સાંસદ રાજેશ ચુડાસમા અને તેના પિતા નારણભાઈ વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરતા ફરી એક વખત મામલો રાજકીય રીતે ચર્ચાસ્પદ બન્યો હતો.