લોકસભા ચૂંટણી 2024: સાંસદો પહેલાં પછી જ પુત્ર: મુખ્યપ્રધાન શિંદે
મહાયુતીની બેઠકમાં એવો આગ્રહ રાખવામાં આવ્યો છે કે ઓછામાં ઓછી 14 બેઠકો મળવી જોઈએ
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: શિવસેનામાં થયેલા ઐતિહાસિક વિભાજન પછી ભલે મુખ્ય પ્રધાન એકનાથ શિંદેના જૂથના સાત સાંસદોને ફરી એકવાર ઉમેદવારી અપાવવામાં મુખ્યમંત્રી સફળ થયા હોય, પરંતુ રાજકીય વર્તુળમાં અત્યારે સૌથી મોટી ચર્ચા આ યાદીમાં તેમના પુત્ર અને કલ્યાણના સાંસદ ડો. શ્રીકાંત શિંદેનું નામ કેમ નથી તેની થઈ રહી છે.
આધારભૂત સાધનો પાસેથી જાણવા મળ્યા મુજબ જ્યાં સુધી બાકીના સંસદસભ્યોનું પાકું ન થાય ત્યાં સુધી શ્રીકાંત શિંદેના નામની જાહેરાત ન કરવી એવું વલણ એકનાથ શિંદેએ અપનાવ્યું છે.
રામટેકના વર્તમાન સાંસદ કૃપાલ તુમાનેનું બલિદાન આપ્યા પછી પણ શિંદે આ બેઠક પોતાની પાસે જાળવી રાખવામાં સફળ રહ્યા છે. કૉંગ્રેસમાંથી આવેલા રાજુ પારવેને આ બેઠક પર ઉમેદવારી આપવામાં આવી છે. જોકે, નાસિક, વાશિમ, પાલઘર, થાણે અને વાયવ્ય મુંબઈના પાંચ સાંસદોના ઉમેદવારીનું ભાવિ હજુ અંધકારમાં છે. શિંદેએ જ્યાં સુધી આ બેઠકો સાથે પ્રતિષ્ઠિત થાણે લોકસભાની બેઠક પર સહમતિ ન સધાય ત્યાં સુધી કલ્યાણ લોકસભા મતવિસ્તારમાંથી ડો. શ્રીકાંત શિંદેની ઉમેદવારીની જાહેરાત નહીં કરે એવું વલણ અપનાવ્યું છે.
આપણ વાંચો: દરેકનું ઘરનું સપનું પૂરું કરાશે- મુખ્યપ્રધાન એકનાથ શિંદે
એકનાથ શિંદેએ બળવો કર્યા બાદ તેમની સાથે રાહુલ શેવાળે (મુંબઈ દક્ષિણ મધ્ય), સંજય માંડલિક (કોલ્હાપુર), સદાશિવ લોખંડે (શિરડી), પ્રતાપરાવ જાધવ (બુલઢાણા), હેમંત પાટિલ (હિંગોલી), શ્રીરંગ બારણે (માવળ), કૃપાલ તુમાને (રામટેક), ધૈર્યશીલ માને (હાથકણંગલે), હેમંત ગોડસે (નાસિક), ભાવના ગવળી (યવતમાલ-વાશિમ), રાજેન્દ્ર ગાવિત (પાલઘર) અને ગજાનન કીર્તિકર (ઉત્તર પશ્ચિમ મુંબઈ) આવ્યા હતા.
મુખ્ય પ્રધાનના સાંસદ પુત્ર ડો. શ્રીકાંત શિંદેએ આ સાંસદોને ખેંચવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. હિંગોલીના સાંસદ હેમંત પાટીલ ડો.શ્રીકાંતના નજીકના ગણાય છે. હેમંત પાટીલ પહેલા દિવસથી જ વિદ્રોહનું કાવતરું ઘડવામાં શિંદેની સાથે હતા. આ સ્થિતિ હતી ત્યારે મહાયુતિની બેઠક ફાળવણીમાં ભાજપે હિંગોલીની બેઠક પર દાવો કર્યો હોવાની ચર્ચા હતી. આ ઉપરાંત ભાજપે કોલ્હાપુર, હાથકણંગલે, રામટેક, શિરડી, નાસિક, પાલઘર, ઉત્તર પશ્ચિમ મુંબઈની મતવિસ્તારમાં ઉમેદવારોને બદલવા અથવા ભાજપને આપવાનો આગ્રહ રાખ્યો હોવાનું કહેવાય છે.
દક્ષિણ મુંબઈ, થાણે, સંભાજીનગરના મતવિસ્તારો પર પણ ભાજપ દાવો કરે છે. બીજેપી દ્વારા લેવામાં આવેલા આક્રમક વલણને કારણે શિંદે જૂથના સાંસદો ભારે અસ્વસ્થ હતા.
આપણ વાંચો: મહારાષ્ટ્રની રાજનીતિ: મુખ્યપ્રધાન પદ માટે ફડણવીસ અને શિંદે તરફી ધારાસભ્યો વચ્ચે વાક્યુદ્ધ
અમે તમારી સાથે ખૂબ વિશ્વાસ સાથે આવ્યા છીએ પરંતુ અમે સમાચાર વાંચીએ છીએ કે અમારી ઉમેદવારી જોખમમાં છે એવા શબ્દોમાં સાંસદોએ શિંદે પિતા-પુત્ર સામે પોતાની ફરિયાદ માંડી હતી અને ભાજપના નેતાઓને રોકવાની સલાહ આપી હતી. આ અસ્વસ્થતા ચરમસીમાએ પહોંચી જતાં પક્ષના કેટલાક પ્રધાનો અને વિધાનસભ્યોએ મુખ્યમંત્રી સમક્ષ નારાજગી વ્યક્ત કરી હોવાનું પણ જાણવા મળ્યું હતું.
વાટાઘાટો અંતિમ તબક્કામાં
મહાયુતીની બેઠકોની ફાળવણીની વાટાઘાટોના પ્રથમ રાઉન્ડમાં મુખ્યમંત્રીએ તેમના ઇચ્છિત મતવિસ્તારો અને ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા છે, પરંતુ નાસિક, યવતમાલ-વાશિમ, વાયવ્ય મુંબઈ, પાલઘર અને થાણે મતદાર વિસ્તાર માટે હજુ પણ રસ્સીખેંચ ચાલુ છે. એવું કહેવાય છે કે ભાજપ યવતમાળમાં વર્તમાન સાંસદ ભાવના ગવળીની જગ્યાએ નવો ઉમેદવાર આપવાનો આગ્રહ કરી રહી છે.
નાસિકમાં પણ હેમંત ગોડસે ઉમેદવાર બનવા માંગતા નથી, અને પાલઘર અને થાણે બંને બેઠકો પર ભાજપ દાવો માંડી રહી છે. એવું પણ જાણવા મળ્યું છે કે બહુજન વિકાસ આઘાડીના નેતા હિતેન્દ્ર ઠાકુરે પ્રસ્તાવ મૂક્યો હતો કે પાલઘરમાં ભાજપનો ઉમેદવાર હશે તો જ અમે મદદ કરીશું. સૂત્રોએ જણાવ્યું હતું કે કલ્યાણના સાંસદ શ્રીકાંત શિંદેએ આગ્રહ કર્યો છે કે જ્યાં સુધી અન્ય સાંસદોના ભાવિ વિશે સ્પષ્ટતા ન થાય ત્યાં સુધી તેમની ઉમેદવારી જાહેર કરવી જોઈએ નહીં. એથી જ અત્યાર સુધી તેમની ઉમેદવારી જાહેર કરવામાં આવી નથી.
જોકે, પાર્ટીના એક વરિષ્ઠ નેતાએ દાવો કર્યો હતો કે તેઓ કલ્યાણમાંથી જ ઉમેદવાર હશે. કોઈ પણ સંજોગોમાં થાણે ભાજપને ન આપવી જોઈએ એવો અભિપ્રાય પક્ષમાં હોવાનું અને મહાયુતિની બેઠકમાં મુખ્ય પ્રધાને આ બાબત સ્પષ્ટ કરી હોવાનું જાણવા મળ્યું છે.
આપણ વાંચો: ‘કંઈ પણ કરો ટિકિટ ફિક્સ કરો’: શિંદેને સાંસદોએ કરી અપીલ
રત્નાગીરી-સિંધુદુર્ગ છોડ્યું, વાયવ્ય મુંબઈ નહીં
બેઠકોની વહેંચણી અંગેની ચર્ચા ચાલી રહી છે ત્યારે મુખ્યપ્રધાનના જૂથે રત્નાગીરી-સિંધુદુર્ગ મતવિસ્તાર ભાજપ માટે છોડવાની તૈયારી દર્શાવી છે. તેથી અહીંથી ભાજપના નેતા નારાયણ રાણેની ઉમેદવારી નક્કી માનવામાં આવે છે અને ઉદ્યોગ પ્રધાન ઉદય સામંત અને તેમના ભાઈ કિરણ બંને આને માટે સહમત થયા છે. વાયવ્ય મુંબઈમાં અમોલ કીર્તિકરની ઉમેદવારીનાં કારણે ગજાનન કીર્તિકરને ઉમેદવારી ન મળે તે સ્વાભાવિક છે. જોકે, વાયવ્ય મુંબઈનો આગ્રહ રાખતા શિંદેસેનાએ અહીંથી અભિનેતા ગોવિંદાને મેદાનમાં ઉતારવાની તૈયારીઓ આદરી હોવાનું કહેવાઈ રહ્યું છે.
એકનાથ શિંદેના અત્યાર સુધી જાહેર થયેલા ઉમેદવાર
અત્યાર સુધીમાં શિંદે સેનાએ આઠ ઉમેદવાર જાહેર કર્યા છે, જેમાં દક્ષિણ-મધ્ય મુંબઈમાંથી રાહુલ શેવાળે, કોલ્હાપુરથી સંજય માંડલિક, શિરડીથી સદાશિવ લોખંડે, બુલઢાણાથી પ્રતાપરાવ જાધવ, હિંગોલીથી હેમંત પાટીલ, માવળથી શ્રીરંગ બારણે, રામટેકથી રાજુ પારવે અને હાથકણંગલેથી ધૈર્યશીલ માનેનો સમાવેશ થાય છે.