ભાજપને ભારે પડ્યુંઃ રૂપાલાના વિરોધમાં હવે કરણી સેનાના પ્રમુખે રાજીનામું ધરી દીધું
અમદાવાદ: ગુજરાતમાં ભાજપના ઉમેદવારોને લોકોના વિરોધનો સામનો કરવો પડી રહયો છે, જેમ કે રાજકોટ બેઠકના લોકસભાના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ વિશે વિવાદાસ્પદ ટિપ્પણી કર્યા બાદ જબરદસ્ત વિરોધ થયો હતો. ત્યાર બાદ રૂપાલાએ પોતાના નિવેદન બદલ બે વખત માફી માંગવા છતાં પણ ક્ષત્રિય સમાજમાં રોષ હજુ પણ યથાવત જોવા મળી રહ્યો છે. આ દરમિયાન ગુજરાત કરણી સેનાના અધ્યક્ષ રાજ શેખાવતે પુરૂસોત્તમ રૂપાલાના વિરોધમાં ભાજપમાંથી રાજીનામું આપી દીધું છે. કરણી સેનાના પ્રમુખે ભાજપનાં પ્રાથમિક સભ્ય પદેથી રાજીનામું આપી દેતાં રાજકારણ ગરમાયું છે.
પુરુષોત્તમ રૂપાલાના વિવાદાસ્પદ નિવેદનના પગલે રાજપૂત સમાજમાં જબરદસ્ત આક્રોશ જોવા મળી રહ્યો છે ત્યારે રાજ શેખાવતે રૂપાલાના વિરોધમાં ભાજપમાંથી રાજીનામું આપી દીધું છે. તેમણે જણાવ્યું હતું કે ‘સમાજ મારા માટે સર્વોપરી છે, આજે હું જે પણ છું એ સમાજના લીધે છું, સમાજ હિત એ જ મારું હિત એટલે આજે હું ડો. રાજ શેખાવત તાત્કાલિક ભારતીય જનતા પાર્ટીની પ્રાથમિક સદસ્યતા પરથી રાજીનામું આપું છું. સમાજના લીધે જ મને ભારતીય જનતા પાર્ટીએ સ્થાન પ્રદાન કર્યું હતું. આજે ભારતીય જનતા પાર્ટી દ્વારા સંપૂર્ણ ભારત વર્ષમાં જે રીતે ક્ષત્રિય સમાજની લોકસભાની ટિકિટના ભાગલાને લઈ અવગણના કરવામાં આવી છે એ જોતાં મારે ભાજપમાંથી રાજીનામું આપી જ દેવું જોઈએ.’
ઉલ્લેખનિય છે કે પુરુષોત્તમ રૂપાલા સામેના ક્ષત્રીયોના આક્રોશને શાંત કરવા માટે ગઈકાલે ગોંડલમાં પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાની આગેવાનીમાં ક્ષત્રિય સમાજની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં ઉપસ્થિત રહેલા રૂપાલાએ વિવાદને થાળે પાડવા રૂપાલાએ બે હાથ જોડી માફી માગી હતી જો કે હજુ પણ રાજ્યના વિવિધ ભાગોમાં રૂપાલાના પુતળાનું દહન કરવામાં આવ્યું હતું. ઉઝાંમાં તો રૂપાલા સામે ફરિયાદ પણ નોંધાઈ છે. ચૂંટણી પંચે પણ આ મુદ્દાને ગંભીરતાથી લીધો છે.
ભાજપના નેતા પુરુષોત્તમ રૂપાલાએ વાલ્મીકિ સમાજની જાહેરસભામાં ક્ષત્રિય સમાજ વિશે ટીકા ટિપ્પણી કરી હતી. એમાં તેમણે કહ્યું હતું કે ક્ષત્રિય સમાજે અંગ્રેજો સાથે રોટી-બેટીનો વ્યવહાર કર્યો છે, જે વીડિયો વાઇરલ થતાં ક્ષત્રિય સમાજની લાગણી દુભાઈ હતી અને ગુજરાતમાં ઠેર-ઠેર ક્ષત્રિય સમાજમાં રોષ ફેલાયો હતો, જેને લઈને ક્ષત્રિય સમાજમાં આગેવાનોએ લેખિતમાં જાણવા જોગ ફરિયાદ પણ દાખલ કરી હતી. જોકે રૂપાલાએ માફી તો માગી લીધી છે તેમ છતાં આ રોષ હવે ક્યાં જઈને ઠરશે એ જોવું રહ્યું.