KSRTCની બસમાં કંડક્ટરે કાપી આ ‘ખાસ’ પ્રવાસીની ટિકિટ, સોશિયલ મીડિયા પર ફોટો થયો વાઈરલ…
બેંગ્લુરુઃ કર્ણાટકના બેંગ્લુરુથી મૈસુર જઈ રહેલી કર્ણાટક સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન (KSRTC)ની બસમાં એક અજબ જ પ્રકાર જોવા મળ્યો હતો. મળી રહેલી માહિતી પ્રમાણે બસના કંડક્ટરે બસમાં પ્રવાસ કરી રહેલાં પોપટની ટિકિટ કાપી હતી અને એ પણ પૂરા 444 રૂપિયાની… આ આખી ઘટના સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ હતી અને લોકો એના વિશે ચર્ચા પણ કરી રહ્યા છે.
એક અંગ્રેજી વેબ પોર્ટલ પર છપાયેલા અહેવાલ અનુસાર એક મહિલા પોતાની ગ્રાન્ડ ડોટર સાથે પ્રવાસ કરી રહી હતી અને આ નાનકડી દીકરી સાથે ચાર પોપટ પિંજરામાં કેદ હતા. કર્ણાટકની શક્તિ યોજના અનુસાર રાજ્યમાં મહિલાઓને બસમાં પ્રવાસ મફત છે એટલે મહિલા અને બાળકીને તો ટિકિટ ના કઢાવવી પડી પણ કંડક્ટરે તેમની સાથે પ્રવાસ કરી રહેલાં ચાર પોપટની ટિકિટ કાપી હતી.
આપણ વાંચો: હોળીના દિવસે પશ્ચિમ રેલવે પર Motormanની સતર્કતાએ બચાવ્યો પ્રવાસીનો જીવ…
કંડક્ટરે પોપટને પ્રવાસી તરીકે કાઉન્ટ કર્યા અને એક પોપટની ટિકિટ પેટે 111 રૂપિયા એટલે ચાર પોપટ માટે 444 રૂપિયાની ટિકિટ કાપી હતી. સોશિયલ મીડિયા પર આ ટિકિટ, મહિલા અને છોકરીનો ફોટો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાઈરલ થઈ રહ્યો છે. નેટિઝન્સ આ ઘટના પર અલગ અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે.
કેટલાક લોકો આ કંડક્ટરની ટીકા કરી રહ્યા છે તો કેટલાક લોકો આ કંડક્ટરનું સમર્થન કરી રહ્યા છે. આ ફોટો પર કમેન્ટ કરતાં એક યુઝરે લખ્યું હતું કે બસ લોકો માટે છે, પ્રાણી-પંખીઓ માટે નહીં એટલે એમના માટે અડધી નહીં પણ ડબલ ટિકિટ વસૂલવી જોઈએ.
KSRTCના નિયમની વાત કરીએ તો બસમાં પ્રવાસ કરવા માટે અડધી ટિકિટ કાપવામાં આવે છે અને જો પ્રાણીઓની ટિકિટ ના કઢાવવામાં આવે તો પ્રવાસીને એ માટે દંડ ભરવો પડી શકે છે. KSRTCની ઓફિશિયલ વેબસાઈટ પર આપવામાં આવેલી માહિતી અનુસાર પાળેલા પ્રાણી કે પશુને બાસ્કેટમાં કે દોરીથી બાંધીને કે મોઢું ઢાંકેલું હોય એ ફરજિયાય છે. આ સિવાય આ પ્રાણીઓનો કોઈને ત્રાસ ના થવો જોઈએ એની તકેદારી પણ સંબંધિત પ્રવાસીને રાખવી પડશે.