Kanhaiya Kumar: કન્હૈયા કુમારને બેગુસરાય બેઠકથી દુર રખાયા, શું લાલુએ કન્હૈયાનું પત્તું કાપ્યું?
પટના: લાંબી ચર્ચા વિચારણા બાદ આખરે શુક્રવારે INDIA મહાગઠબંધનની પાર્ટીઓ વચ્ચે બિહારમાં લોકસભા સીટોની વહેંચણી અંગે સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી. ગઠબંધન હેઠળ કોંગ્રેસને બિહારમાં માત્ર 9 લોકસભા બેઠકો જ મળી છે. લાલુ પ્રસાદ યાદવની રાષ્ટ્રીય જનતા દળને 26 બેઠકો, જ્યારે ડાબેરી પક્ષોને 5 બેઠકો મળી છે.
INDIA મહાગઠબંધન હેઠળ સીટની વહેંચણીની જાહેરાત બાદ પપ્પુ યાદવ અને CPI છોડીને કોંગ્રેસમાં સામેલ થયેલા કન્હૈયા કુમારની સૌથી વધુ ચર્ચા થઈ રહી છે. સીટ વહેંચણીમાં કોંગ્રેસે કન્હૈયા કુમાર માટે બેગુસરાય સીટની માંગણી કરી હતી, જ્યારે પપ્પુ યાદવે છેલ્લા રાઉન્ડ સુધી પૂર્ણિયા લોકસભા સીટ પર દાવો કર્યો હતો. RJDએ બેગુસરાઈ બેઠક કોંગ્રેસને બદલે ડાબેરીઓને આપી દીધી છે, જ્યારે પૂર્ણિયા બેઠક પર પોતાની જ પાર્ટીના બીમા ભારતીને ઉમેદવાર બનાવ્યા છે.
આ વર્ષે જ્યારે લોકસભાની ચૂંટણીનો ધમધમાટ શરૂ થયો ત્યારે ચર્ચાએ જોર પકડ્યું હતું કે કન્હૈયા કુમાર બેગુસરાયથી કોંગ્રેસના ઉમેદવાર બની શકે છે. કન્હૈયાના ચાહકોને એવી આશા હતી કે આ વખતે ડાબેરીઓ પણ મહાગઠબંધનમાં સામેલ છે અને RJD પણ તેનો એક ભાગ છે, તેથી મહાગઠબંધનના ઉમેદવાર તરીકે કન્હૈયા બેગુસરાયમાં ગિરિરાજ સિંહને ટક્કર આપશે.
શુક્રવારે થયેલી સત્તાવાર જાહેરાત મુજબ બેગુસરાય બેઠક સીપીઆઈને મળી છે. જોકે, સીપીઆઈએ એક સપ્તાહ પહેલા જ અવધેશ રાયને આ બેઠક પરથી ઉમેદવાર જાહેર કર્યા હતા. હવે કન્હૈયા કુમાર માટે બેગુસરાય બેઠકના દરવાજા બંધ થઇ ગયા છે.
અહેવાલો મુજબ લાલુ પ્રસાદ યાદવે કન્હૈયાનું પત્તું કાપવામાં મહત્વની ભૂમિકા નિભાવી છે. બિહારમાં તેજસ્વી સામે કોઈ મજબૂત વિકલ્પ ન બની શકે છે, એ માટે બીજા તેઓ કોઈને આળગ આવવા દેવા માંગતા નથી. હવે જોવાનું એ રહેશે કે શું કોંગ્રેસ કન્હૈયાને બીજી કોઈ મહત્વની બેઠક આપી આગળ કરશે કે પછી કન્હૈયાના ભવિષ્ય પર ગ્રહણ લાગશે!
2019ની ચૂંટણીમાં બિહારની 40 લોકસભા સીટોમાંથી બેગુસરાય સૌથી હાઈપ્રોફાઈલ સીટ હતી. કન્હૈયાએ 2019ની લોકસભાની ચૂંટણી બેગુસરાયથી સીપીઆઈ તરફથી લડી હતી, તેની સ્પર્ધા ભાજપના દિગ્ગજ નેતા ગિરિરાજ સિંહ સામે હતી. જો કે એ ચૂંટણીમાં કન્હૈયા કુમારની હાર થઇ હતી. જેએનયુમાંથી રાજનીતિમાં સક્રિય બનેલા કન્હૈયા એક પ્રખર યુવા ડાબેરી નેતા તરીકે જાણીતા હતા.
જેએનયુ બાદ દેશભરના વિપક્ષી નેતાઓએ કન્હૈયા કુમારનું સ્વાગત કર્યું હતું. જ્યારે કન્હૈયા બેગુસરાયથી ઉમેદવારી જાહેર કરી ત્યારે એવી અપેક્ષા હતી કે RJD કદાચ આ સીટ પર કન્હૈયા સામે કોઈ ઉમેદવાર ઉભા નહીં કરે. પરંતુ તે સમયે પણ લાલુ યાદવે પોતાની પાર્ટીના તનવીર હસનને મેદાનમાં ઉતાર્યા હતા. ગિરિરાજ સિંહે 2019માં કન્હૈયા કુમારને મોટા અંતરથી હરાવ્યા હતા. ગિરિરાજને 6 લાખ 92 હજાર વોટ મળ્યા હતા, જ્યારે કન્હૈયા કુમાર માત્ર 2 લાખ 69 હજાર વોટ જ મેળવી શક્યા હતા.
2019ની લોકસભા ચૂંટણીમાં હાર બાદ કન્હૈયાએ ન માત્ર બેગુસરાય છોડ્યું પરંતુ બિહારથી પણ દૂર થઈ ગયા હતા. બાદમાં કન્હૈયા સીપીઆઈ છોડીને કોંગ્રેસમાં જોડાયા હતા. આ પછી કન્હૈયા બાબતે ચર્ચા ચાલી રહી હતી કે કોંગ્રેસ નેતૃત્વ તેને રાજ્યસભા મોકલી શકે છે અથવા કોઈ મોટી જવાબદારી આપી શકે છે.
2004 અને 2009ની લોકસભા ચૂંટણીમાં જનતા દળ યુનાઈટેડ બેગુસરાય બેઠક જીતી હતી અને 2014 પછી ભાજપ અહીં સતત જીતી રહ્યું છે. 2014માં ભાજપના ઉમેદવાર ભોલા સિંહ બેગુસરાયથી ચૂંટણી જીત્યા હતા. 2019માં ગિરિરાજ સિંહ જીત્યા અને ફરી એકવાર ગિરિરાજ સિંહ ચૂંટણી મેદાનમાં છે. બેગુસરાયમાં કુલ 7 વિધાનસભા સીટો છે.