આ ત્રણ બેઠક માટે ફડણવીસ-શિંદેએ અડધી રાત સુધી ચર્ચા કરી પણ…
મુંબઈઃ લોકસભાની ચૂંટણી જાહેર થઈ અને મતદાન નજીક આવી રહ્યું છે, પરંતુ મહારાષ્ટ્રના તમામ પક્ષો હજુ ઉમેદવારોના નામ જાહેર કરી શક્યા નથી. આનું કારણ અલગ અલગ પક્ષોએ ગઠબંધન કર્યા છે, પરંતુ હવે તેમની વચ્ચે બેઠક વહેંચણી મામલે કોઈ તાલમેલ જામતો નથી. બેઠકો પર ઉમેદવારો જાહેર થાય કે ન થાય પક્ષો વચ્ચે ખેંચતાણ ચરમસીમાએ છે અને પક્ષના મુખિયાઓની ઊંઘ હરામ થઈ ગઈ છે.
સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર ત્રણ બેઠકો મામલે એકનાથ શિંદેની શિવસેના અને ભાજપ વચ્ચે એકમત થઈ રહ્યો નથી. આને કારણે ગઈકાલે રાત્રે ત્રણેક વાગ્યા સુધી ભાદપના નેતા દેવેન્દ્ર ફડણવીસ મુખ્ય પ્રધાનના નિવાસસ્થાન વર્ષા બંગલા ખાતે ચર્ચા કરી રહ્યા હતા. આ બેઠક ચારેક કલાક ચાલી હોવાનો અને ફડણવીસ અડધી રાત્રે ત્રણેક વાગ્યે બંગલામાંથી બહાર નીકળ્યા હોવાની માહિતી મળી છે.
આ બેઠકોમાં એક તો પાલઘર, રત્નાગિરી-સિંધુદુર્ગ, છત્રપતિ સંભાજીનગરનો સમાવેશ થાય છે. પાલઘરમાં રાજેન્દ્ર ગાવિત ભાજપના ચિહ્ન પર લડવા માટે ઉત્સુક છે, પણ શિંદે સેનાને પણ અહીં ઉમેદવારી જોઈએ છે. રત્નાગિરી-સિંધુદુર્ગમાં પહેલેથી શિવસેનાનો દબદબો હોવા છતાં ભાજપ અહીંથી ઉમેદવારી માગી રહ્યું છે જ્યારે શિંદેસેનાના ઉદય સાવંતે એવો દાવો કર્યો છે કેઅહીંથી તેના ભાઈને ટિકિટ આપવામાં આવે તો મોટા માર્જિનથી જીતી શકાય તેમ છે. આ રીતે જ છત્રપતિ સંભાજીનગરની બેઠક પર પણ બન્ને પક્ષો દાવો કરી રહ્યા છે અને કોઈ છોડવાની તૈયારીમાં નથી.
આગલી હરોળના નેતાઓ જો સમાધાન કરી પણ લે તો સ્થાનિક નેતાઓ વિફરે અને વાત બગડતા વાર લાગે તેમ નથી, આથી ખૂબ જ સાવચેતી સાથે કામ લેવું પડે તેમ છે, પરંતુ આમ કરવામાં સમય પસાર થઈ રહ્યો છે અને ટિકિટ ઈચ્છુકો અને તેમના સમર્થકો કઈ દિશામાં કોની માટે કામ કરવું તે સમજી શકતા નથી, તેમ સૂત્રો જણાવે છે. જોકે આ માત્ર બે નહીં લગભગ મોટા ભાગના પક્ષોની સ્થિતિ છે.