…અને એ એક ઓર્ડરથી હજારો જાપાનીઝ અમેરિક્ધસ ‘દેશદ્રોહી’ સાબિત થઇ ગયા !
ભાત ભાત કે લોગ -જ્વલંત નાયક
એક વાત તો બહુ સ્પષ્ટ છે કે રાષ્ટ્ર અને નાગરિકોનું લાંબા ગાળાનું હિત સાચવવું હોય, તો મતબેન્કનું
રાજકારણ બાજુએ રાખીને આકરા નિર્ણયો લેવા જ પડે. . એમાં પછી ડાહી ડાહી વાતોથી કામ ચાલતું નથી.
જેની લોકશાહીના વખાણ કરતા આપણા બૌદ્ધિકો થાકતા નથી એવા અમેરિકાએ બીજા વિશ્ર્વયુદ્ધ વખતે લાદેલા ‘એક્ઝિકયુટિવ ઓર્ડર ૯૦૬૬’ વિષે જાણવા જેવું છે. આપણો CAA ( સિટિઝન એમેન્ડમેન્ટ એકટ) નો કાયદો નાગરિકતા આપવા વિશે બાબતે છે, પણ એના કરતાં સાવ
સામા છેડાનો – પોતાના જ નાગરિકોને પારકા ગણી લેતો ‘એક્ઝિકયુટિવ ઓર્ડર ૯૦૬૬’ અમેરિકાની સરકારે પાસ કરેલો.
૧૯૪૧ના એ દિવસોમાં યુરોપના મોટા ભાગના દેશો યુદ્ધમાં લપેટાયેલા, પણ અમેરિકા હજી સીધું યુદ્ધમાં ઉતર્યું નહોતું. દરમિયાન, ૭ ડિસેમ્બર ૧૯૪૧ના રોજ જાપાને હવાઈઅન સમુદ્રમાં આવેલ અમેરિકી મથક પર્લ હાર્બર પર હુમલો કરીને અનેક અમેરિકન એરક્રાફ્ટ્સ ડૂબાડ્યા. અમેરિકી નૌકાદળે ભારે નુકસાન વેઠ્યું. ઉપરાંત ૨,૪૦૩ અમેરિક્ધસ મરાયા અને ૧,૧૭૮ ઘાયલ થયા!
આવા સીધા હુમલાને પરિણામે અમેરિકાને બીજા વિશ્ર્વયુદ્ધમાં સક્રિયપણે ઉતરવાની ફરજ પડી. આટલા વિનાશ પછી અમેરિકન પ્રજાનો રોષ ફાટી પડે એ ય સ્વાભાવિક હતું.
જો કે, વાત આટલી સાદી નહોતી. આપણે જાણીએ છીએ કે ‘અમેરિકન પ્રજા’ એટલે વિશ્વભરથી આવીને અમેરિકામાં વસી ગયેલી મિશ્ર પ્રજા. (બાકી મૂળ અમેરિક્ધસ – એટલે કે રેડ ઇન્ડિયન્સને તો બિચારાઓને પોતાની જ ભૂમિ પર નિકંદનને આરે કયારના પહોંચાડી દેવામાં આવ્યા હતા!) એમાં મુખ્ય પ્રજા યુરોપિયન, પણ એશિયન મૂળની વસતિ સાવ નગણ્ય તો નહિ જ ! એમાં બે-ત્રણ પેઢીઓથી અમેરિકામાં જ વસી ગયેલા જાપાનીઝ પણ ખરા.
અમેરિકન પ્રજા આ જાપાનીઝ મૂળના લોકોને શંકા અને તિરસ્કારની નજરે જોવા માંડી . ખાસ કરીને પેસિફિકના તટીય વિસ્તારોમાં વસતા અમેરિકન જાપાનીઝની હાલત કફોડી થઇ ગઈ, કેમકે ભૌગોલિક રીતે એ બધા જાપાનની સૌથી નજીક વસતા હતા!
અમેરિક્ધસનો મોટો વર્ગ દ્રઢપણે માનતો હતો કે પેસિફિકના કિનારાઓ પર વસતા જાપાનીઝ મૂળના લોકો અમેરિકા પ્રત્યે વફાદાર નથી… આ પ્રજા અહીંની ગુપ્ત માહિતી જાપાનને પહોંચાડી રહી છે .એવામાં વળી જાપાની લશ્કરે ગુઆમ, મલાયા અને ફિલિપિન્સ મોરચે વિજય મેળવ્યો. એટલે અમેરિકન રોષ ભભૂકીને ચરમસીમાએ પહોંચ્યો. હમણાં સુધી અમેરિકન ભૂમિ પર વસતા જાપાનીઝે કોઈ પણ પ્રકારની ભાંગફોડિયા પ્રવૃત્તિ કે વિરોધ પ્રદર્શનો કર્યા નહોતા , છતાં એ સમયના લોકપ્રિય કટાર લેખક-પત્રકાર વોલ્ટર લિપમેન સહિતના અનેક ગણમાન્ય લોકો દ્રઢપણે માનતા હતા કે અમેરિકન જાપાનીઝ પ્રજા યોગ્ય મોકાની રાહ જોઈને બેઠી છે… જેવો સમય પાકશે, કે તરત આ લોકો અમેરિકાને બરબાદ કરવા હથિયારો લઈને શેરીઓમાં ઉતરી પડશે ને મોટા પાયે અરાજકતા ફેલાવશે. અમેરિકન પ્રજાની આવી વિચારધારા ઘડાવા પાછળ કદાચ જાપાનીઝ પ્રજાનું ઝનૂન પણ કારણભૂત હતું. આ બધું તમને ક્યાંક ને ક્યાંક ભારતીય ઉપખંડની મોજૂદા પરિસ્થિતિ સાથે જોડાયું હો્ય એવું લાગી શકે છે. એમાં તમારો વાંક નથી, યુદ્ધ સમયે આમ જ બને છે. પરિસ્થિતિ એટલી તનાવપૂર્ણ હતી કે બીજા એશિયન પણ ફફડવા માંડ્યા. એક ઉદાહરણ બહુ જાણીતું છે.
પર્લ હાર્બર હુમલાના બીજા અઠવાડિયે ૧૫ ડિસેમ્બર, ૧૯૪૧ના રોજ રૂથ લી નામની ચાઈનીઝ મૂળની અમેરિકન યુવતી રજા માણવા માટે દરિયા કિનારે ફરવા ગઈ. રુથ પોતાની સાથે ચીનનો ધ્વજ પણ સાથે લેતી ગઈ. એને ડર હતો કે ક્યાંક દરિયા કિનારે ભેગી થયેલી ધોળી પ્રજા એને જાપાનીઝ સમજીને હુમલો ન કરી બેસે! રૂથ સનબાથ લેવા જ્યાં બેઠી, ત્યાં બાજુમાં ચીનનો ધ્વજ પણ ખોડી રાખ્યો. કોઈકે આ દ્રશ્યને કેમેરામાં કંડારી લીધું. પછી તો એ તસ્વીર જાપાનીઝ અમેરિક્ધસ વિરુદ્ધ બાકીના અમેરિક્ધસના રોષનું પ્રતીક બની ગઈ! (બાય ધી વે, રુથ લી એ દિવસે જે ચીની ધ્વજ લઈને ગયેલી, એ હાલમાં ચીનનો નહીં, પણ તાઈવાનનો રાષ્ટ્રધ્વજ છે.)
ટૂંકમાં, અમેરિકન પ્રજા અને રાજકારણીઓમાં જાપાનીઓ પ્રત્યેનો ધિક્કાર એવી ચરમસીમાએ હતો કે જાપાનીઝ મૂળના અમેરિકન નાગરિકો પણ ઘરની બહાર નીકળવામાં ડરતા.
આમ જુવો તો બધા અમેરિકન જાપાનીઝ કંઈ ગદ્દાર કે ભાંગફોડિયા નહોતા. સામે પક્ષે પર્લ હાર્બરની ખુવારી વેઠી ચૂકેલા અમેરિક્ધસ વિશ્ર્વયુદ્ધના વાતાવરણમાં દુશ્મન દેશમાં મૂળિયા ધરાવતી ‘પારકી પ્રજા’નો ભરોસો કઈ રીતે કરે?! આમ જ વાતાવરણ તણાવપૂર્ણ થતું ચાલ્યું.
યુદ્ધનીતિ કહે છે કે વિદેશી મૂળની પ્રજા અથવા દુશ્મન દેશ સાથે હમદર્દી ધરાવતી પ્રજા યુદ્ધ સમયે ભારે ખાનાખરાબી સર્જી શકે છે. આથી યુદ્ધ સમયે લાગણીશીલ થઈને લીધેલા ‘માનવતાવાદી નિર્ણયો’ ઘાતક સાબિત થવાની શક્યતા પૂરેપૂરી છે…..બીજી તરફ, જ્યાં જાપાનીઝ મૂળની પ્રજા ૧,૨૦,૦૦૦ જેવડી મોટી સંખ્યામાં વસવાટ કરતી હતી એવા
પેસિફિક કોસ્ટના પ્રદેશોમાં શું કરવું, એ સરકારને સમજાતું નહોતું. કારણકે આ વિસ્તાર અને જાપાનની વચ્ચે માત્ર પેસિફિક મહાસાગર હતો. પેસિફિક કોસ્ટમાં વસતા જાપાનીઝ ‘સ્લીપર સેલ’ તરીકે એક્ટિવ થઈને કોઈ સમસ્યા ઊભી કરે ત્યાં સુધી રાહ જોઈને બેસી રહેવાનું પાલવે એમ નહોતું.
આખરે યુદ્ધની પરિસ્થિતિ અને લોકોમાં ફેલાયેલી દહેશતના દબાણ હેઠળ તત્કાલીન રુઝવેલ્ટ સરકારે ‘એક્ઝિક્યૂટિવ ઓર્ડર ૯૦૬૬’ પાસ કરી દીધો!
શું હતો ‘એક્ઝિક્યૂટિવ ઓર્ડર ૯૦૬૬’?
આ ઓર્ડર મુજબ પેસિફિક કોસ્ટમાં વસતા આશરે સવા લાખ જેટલા જાપાનીઝ અમેરિક્ધસને પોતાનો વિસ્તાર ખાલી કરી દેવાનો હુકમ કરવામાં આવ્યો. જાપાનીઝ મૂળના લોકોએ કોઈ વાંક ગુના વગર પોતાના ઘરબાર છોડીને નીકળી જવાનું હતું. ‘અમેરિકન નેવલ ઇન્ટેલિજન્સ અને ફેડરલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટીગેશન’ તો ઠેઠ ૧૯૩૦થી આ જાપાનીઝ પર નજર રાખતા હતા. હવે એમાંG2 ‘ઇન્ટેલિજન્સ યુનિટ’ નામનું વિશેષ લશ્કરી દળ પણ જોડાયું. આ ત્રણેય એજન્સીએ સંયુક્તપણે કામ કરીને પેસિફિક કોસ્ટમાં વસતા જાપાનીઝ મૂળના લોકોને વીણી વીણીને શોધી કાઢ્યા, પણ આટલા બધા લોકો-પરિવારો જાય ક્યાં? અમેરિકાનું કોઈ રાજ્ય એમને સ્વીકારવા તૈયાર નહોતું.
આખરે ઝૂંપડપટ્ટીને સારી કહેવડાવે એવા કેમ્પ્સમાં આ પરિવારોને ઠાંસોઠાંસ ભરીને રાખવામાં આવ્યા. અમુક સ્થળે તો ઘોડાના તબેલાઓમાં પારાવાર ગંદકી અને પ્રાઈવસીના સંપૂર્ણ અભાવ વચ્ચે અનેક જાપાનીઝ પરિવારો બદતર સ્થિતિમાં જીવવા મજબૂર બન્યા. હિટલરના કોન્સન્ટ્રેશન કેમ્પ વિષે ગાઈ-વગાડીને રોદણા રળનારી પશ્ર્ચિમી પ્રજાતિએ આ છાવણીઓ પર કોઈ ફિલ્મ બનાવી હોવાનું જાણમાં નથી. ખેર, જંગ મેં સબ જાયઝ હોતા હૈ…
જોવાની વાત એ હતી કે પોતાના જ ઘરોમાંથી હાંકી કઢાયેલા આ સવા લાખ જાપાનીઝ પૈકીના બે તૃતીયાંશ તો અમેરિકામાં જ જન્મેલા અને બે પેઢીથી અમેરિકન નાગરિકત્વ ધરાવનારા હતા. એમણે તો જાપાની ભૂમિ જોઈ સુદ્ધાં નહોતી! છતાં રાષ્ટ્રીય સુરક્ષાને મહત્ત્વ આપીને અમેરિકાએ પોતાના જ આ નાગરિકોને દેશદ્રોહી’ની કક્ષામાં મૂકી દીધા હતા. એટલું ઓછું હોય એમ છાવણીઓમાં વસતા જાપાનીઝ યુવાનોનો સર્વે કરીને એમને બે પ્રશ્ર્ન પૂછવામાં આવ્યા :
(૧) શું તમે જાપાનીઝ સમ્રાટને ભજવાનું બંધ કરશો?
(૨) શું જરૂર પડે તો તમે અમેરિકન આર્મીમાં ભરતી થઈને જાપાન વિરુદ્ધ યુદ્ધમાં ઉતરશો?
હવે થયું એવું કે પર્લ હાર્બર પછીના અમેરિકન રોષ અને સરકારના ભેદભાવપૂર્ણ વ્યવહારને કારણે જાપાનીઝ યુવાનોમાં પણ અમેરિકી સિસ્ટમ પ્રત્યે રોષ પેદા થઈ ગયો હતો. આથી મોટા ભાગના યુવાનોએ બંને પ્રશ્ર્નના ઉત્તર નકારમાં
આપ્યા! આવા સાડા આઠ હજાર યુવાનોને એમના પરિવારોથી વિખૂટા પાડીને દૂરની છાવણીઓમાં વિશેષ દેખરેખ હેઠળ મોકલી દેવામાં આવ્યા…!
જ્યાં સુધી બીજું વિશ્ર્વયુદ્ધ ચાલ્યું, ત્યાં સુધી સવા લાખ અમેરિકન જાપાનીઝ ઘરબાર-રોજગારથી દૂર છાવણીઓમાં સડતા રહ્યા. આખરે ૧૯૪૪ના ડિસેમ્બરમાં અમેરિકન જાપાનીઝને પેસિફિક કોસ્ટ ખાતેના પોતાના રહેઠાણોમાં પાછા ફરવાની રજા આપવામાં આવી.
અને ખબર છે કે માર્ચ મહિનાની મધ્યમાં અમેરિકાએ ભારતમાં લાગુ પાડવામાં આવેલા CAA (સિટિજન એમેન્ડમેન્ટ એકટ ) ઉપર પોતે નજર રાખી રહ્યા હોવાનું જણાવીને અમેરિકન સ્પોક્સ પર્સન મેથ્યુ મિલરે ઉમેર્યું અમને લોકોની ધાર્મિક સ્વતંત્રતા વિશે ચિંતા થાય છે…! આની પ્રતિક્રિયારૂપે ભારતીય અધિકારી જયસ્વાલે રોકડો જવાબ પરખાવ્યો કે જેમને ભારતના વિભાજનના ઇતિહાસ વિષે જાણકારી નથી, એ લોકો ખોટી ચિંતાઓ વ્યક્ત કરવાની તસ્દી ન લે તો સારું!