વીક એન્ડ

નહીં હૈ દોસ્ત અપના, યાર અપના, મેહરબાં અપનાં, સુનાઉં કિસ કો ગમ અપના, અલમ અપનાં, બયાં અપના.

ઝાકળની પ્યાલી -ડૉ. એસ. એસ. રાહી

પ્રેમ કરવો શું ખરાબ છે? ગુનો છે? એવો સવાલ કરનારા, દિલનો દાઝેલો કોઈ આશિક – પ્રેમી હજુ પણ રાખની નીચે સળગી રહ્યો છે એવું માનનારા, મિલન વખતે વિયોગ અને વિયોગ વખતે ફરી ક્યારે મળાશે તેની ચિંતા કરનારા શાયર ‘તાબાં’ની શાયરી સરળ ભાષા અને કોમળ ભાવવિશ્ર્વને લીધે હંમેશાં યાદ રહે તેવું સ્તર ધરાવે છે. ઉર્દૂ શાયરીના ઈતિહાસમાં ‘તાબાં’ ઉપનામ ધરાવતા એક શાયર અઢારમી સદીમાં અને બીજા શાયર ઓગણીસમી સદીમાં થઈ ગયા. ‘તાબાં’ એટલે પ્રકાશમાન, દીપ્ત, જ્વલંત , ચમકદાર આજે જેમની વાત કરવાની છે તે શાયરનું મૂળ નામ મીર અબ્દુલ હઈ હતું. દિલ્હીમાં જન્મેલા આ કવિની જન્મ અને મરણની ચોક્કસ તારીખો મળતી નથી. ‘ગુલશને હિન્દ’ અને ‘ગુલઝારે હિન્દ’ ગ્રંથોના લેખકના જણાવ્યા પ્રમાણે તેમણે ‘તાબાં’ને ઈ. સ. ૧૭૮૬-૮૭માં લખનઊમાં જોયા હતા. તો ઈસ્ટ ઈન્ડિયા કંપનીના એક અંગ્રેજ કર્મચારી અને હિન્દુસ્તાનીના ૪ શબ્દકોશ તેમ જ કવિઓનો પરિચયાત્મક ગ્રંથ તૈયાર કરનાર શ્રી ફૈલનસાહેબના મત પ્રમાણે ‘તાબાં’ ઈ. સ. ૧૭૯૭ સુધી જીવતા હતા.

દિલ્હીમાં ‘તાબાં’નાં રૂપની ઘણી પ્રશંસા અને ચર્ચા થતી હતી. લોકો તેમને બીજા યુસુફ કહેતા હતા. (મિસરના યુસુફ અને ઝુલેખાંની પ્રેમકથા જાણીતી છે.) તેના રૂપાળા શરીર પર કાળા રંગનો પોશાક એવો સુંદર – આકર્ષક લાગતો હતો કે તેને જોનારા આશ્ર્ચર્યમાં ડૂબી જતા હતા. દિલ્હીના બાદશાહને જ્યારે ‘તાબાં’નાં સૌન્દર્યની જાણ થઈ ત્યારે તેને જોવા માટે બાદશાહ ‘તાબાં’નાં ઘર સુધી સરઘસ લઈને ગયા, ‘તાબાં’ પાસેથી પીવા માટે પાણી માંગ્યું, પીધું અને બાદશાહ ‘તાબાં’ને જોતાં જ રહી ગયા હતા.

એક પુરુષની આટલી બધી સુંદરતા જોઈને લોકો એવું માનતા કે ઉપરવાળાની કાંઈક ભૂલ થઈ હોય તેમ લાગે છે. સ્ત્રી બનાવતા બનાવતા ખુદાએ પુરુષનું જાણે ઘડતર કરી નાખ્યું હતું. ‘તાબાં’નાં રૂપ-સૌન્દર્ય પર આખું નગર ફીદા હતું તો ‘તાબાં’ પોતે સુલેમાન નામના એક કિશોર પર પોતાનો પ્રાણ ન્યોછાવર કરવા તૈયાર હતા. સુલેમાનના વિરહમાં આ શાયર આખી રાત રડ્યા કરતા હતા તેની યાદોનો ભૂલવા ‘તાબાં’ શરાબના ગુલામ બની ગયા હતા. શરાબના અતિ સેવનને લીધે જ આ શાયરનું યુવાન વયે અવસાન થયું હતું. તેમના મૃત્યુ પર દિલ્હીમાં કેટલાય દિવસો સુધી જાહેર શોક પાળવામાં આવ્યો હતો. તો મીર તકી મીર જેવા મૂર્ધન્ય શાયરે ‘તાબાં’ને અંજલિ અપતી ગઝલ લખી હતી.

‘તાબાં’ને ચાહનારાઓમાં મિરઝા જાનેજાનાં ‘મઝહર’ (ઈ. સ. ૧૬૯૯-૧૭૮૧) તેમ જ શેખ ઝહીરૂદ્દીન શાહ ‘હાતિમ’ (ઈ. સ. ૧૬૯૯-૧૭૯૧)નો સમાવેશ થાય છે.

‘તાબાં’ની શાયરીને ખ્યાતનામ શાયર મુહમ્મદ રફી ‘સૌદા’ (ઈ. સ. ૧૭૧૪-૧૭૮૧) સુધારી – મઠારી આપતા હતા. ‘તાબાં’ના બીજા ઉસ્તાદો (ગુરુઓ)માં મીર મુહમ્મદઅલી ‘હશ્મત’, મિરઝા જાનેજાનાં ‘મઝહર’ તેમ જ શેખ ઝહીરુદ્દીન શાહ ‘હાતિમ’ નાં નામો પણ લેવામાં આવે છે. આમ, ‘તાબાં’ના ખરેખર ગુરુ કોણ હતા તે નક્કી કરવું મુશ્કેલ છે.

‘તાબાં’ની શાયરી વિશે તેમના સમકાલીન અને શાયરીના ખુદા મનાતા મીર તકી મીરે લખ્યું છે કે તેમની કવિતાનો વિષય ભલે સીમિત હતો પરંતુ તેમની રજૂઆત ખૂબ જ રંગીન હતી. ‘તાબાં’ની શાયરી ફૂલની પાંખડી કરતાં પણ વધુ પવિત્ર અને કોમળ છે.

‘તાબાં’ના કેટલાક પ્રતિનિધિ શેર’નો હવે રસાસ્વાદ કરીએ.

તેરી મખ્મૂર નિગાહોં કે તકાઝે ‘તાબાં’,
ફિર છલકતી હુવી બરસાત, ખુદા ખૈર કરે.

‘તાબાં’! તારી નશીલી આંખોને તકાજો (માંગણી)ને તેમાં વળી પાછો આ ધોધમાર વરસાદ! હવે તો આ બંનેથી મને ખુદા જ બચાવી શકે તેમ છે.

દેખ લો મેરે પ્યાર કી સૂરત,
હૈ સરાપા બહાર કી સૂરત
મારા પ્રેમની હાલત જરા જોઈ લ્યો. માથાથી પગ સુધી વસંતના જ વધામણાં (કેવળ) છે.

ના સેવ! અબસ નસીહતે – બેહૂદા તૂ ન કર,
મુમકિન નહીં કે છૂટ સકે દિલ લગા હુવા
ઓ ઉપદેશક! તું અમને નકામી વ્યર્થ શિખામણો આપ નહીં
તેમનામાં દિલ હવે ત્યાંથી છૂટી શકે એમ લાગતું નથી.

બેતાબિયોં કા ઈશ્ક મેં કરતાં હૈં ક્યો ગિલા?
‘તાબાં’ અગર યહ દિલ હૈ તો આરામ હો ચૂકા.

પ્રેમમાં તું વ્યાકુળતાની શા માટે ફરિયાદ કરે છે. એ ‘તાબાં’ જો તારું દિલ આવું જ હોય તો પછી હવે તારા માટે આરામના દિવસો ગયા એમ સમજી લે.
મૈં દિલ ખોલ ‘તાબાં’! કહાં જા કે રોઉં?
કે દોનોં જહા મેં ફરાગત નહીં હૈ.

ન તો આકાશ કે ન તો ધરતી – બંને દુનિયામાંથી ક્યારેય આઝાદી તો મળતી જ નથી. તો ‘તાબાં’! હું દિલ ખોલીને હવે ક્યાં જઈને રડું? (મને કોઈ રસ્તો તો બતાવો.)
ગમ વસ્લ મેં હૈ હિજ્ર કા, હિજરાં મેં વસ્લ કા,
હરગિઝ કિસી તરહ મુઝે આરામ હી નહીં:
મિલન વખતે જુદાઈની ચિંતા અને જ્યારે છુટ્ટા પડીએ ત્યારે ફરીથી ક્યારે મુલાકાત થશે તેની ચિંતા મને કોરી ખાય છે. આ ચિંતામાં ને ચિંતામાં તો મને ક્યારેય આરામ જ મળતો નથી.

તૂ ભલી બાત સે ભી મેરી ખફા હોતા હૈ,
આહ! યે ચાહના ઐસા ભી બુરા હોતા હૈ?
મારી સીધી-સરળ વાતથી તો તું નારાજ થઈ જાય છે. શું પ્રેમ કરવો એ કોઈ ખરાબ બાબત છે?’
જફા સે અપની પશેમાં ન હો, હુવાં સો હુવાં,
તેરી, બલા સે મેરે જી પે જો, હુવા સો હુવા.

તારી બેવફાઈથી હવે તું દુ:ખી ન થા. જે થવાનું હતું તે થઈ ગયું. તારી આપત્તિને લીધે મારા પર જે અત્યાચાર થવાનો હતો તે થઈ ગયો. (એમાં તારે શું?)
નહીં હૈ દોસ્ત અપના, યાર અપના, મેહરબાં અપનાં;
સુનાઉં કિસ કો ગમ અપના, અલમ અપના, બયાં અપનાં.

મારો કોઈ મિત્ર નથી, યાર (સનમ) નથી કે વળી કોઈ કૃપા કરનારું પણ નથી. (આવી સ્થિતિમાં) મારું દુ:ખ, મારી પીડા અને મારી વાત હું કોને જઈને કહું?
બયાં ક્યા કહું નાતવાની મેં અપની
મુઝે બાત કરને કી તાકત કહાં હૈ?

હું મારી નિર્બળતાની કેવી રીતે વાત કરું? હવે તો મારામાં કોઈ વાત કરવાની યે શક્તિ ક્યાં રહી છે?
ન ખાઈ ખાક ભી ‘તાબાં’ કી હમને ફિર ઝાલિમ,
વોહ એક દમ હીં તેરે રૂ-બ-રૂ હુવા સો હુવા.

ઓ જુલ્મી: તે એક ક્ષણ તારી પાસે આવ્યો તે આવ્યો. એ પછી તો ‘તાબાં’ની રાખ પણ અમને મળી નથી.
અખગર કો છિપા રાખ મેં, મૈં દેખ યે સમઝા,
‘તાબાં’ તું તહે-ખાક ભી જલતા હી રહેગા.

આગના તણખાને રાખમાં છુપાવેલો જોઈને મને એ વાત સમજાઈ ગઈ કે ‘તાબાં’ તું પણ રાખની નીચે સળગતો રહેવાનો છે.
કહતે હૈ અસર હોગા રોને મેં, યે હૈ બાતેં,
એક દિન ભી ન યાર આયા, રોતે હી કટી રાતે’.

રડવાથી (સામી વ્યક્તિ પર) કોઈ અસર થતી હોય છે તે બધી તો માત્ર કહેવા પૂરતી વાત છે. અરે! રડવામાં તો મેં કેટલીય રાતો પસાર કરી નાખી. પણ પ્રીતમ (દોસ્ત, સનમ) તો કોઈ દિવસ પછી દેખાયો જ નહીં.

ગુલ ઝમીં સે જો નિકલતે હૈં બરંગે – શોલા,
કૌન જા’સોખ્તા જલતા હૈ તહે-ખાક હનૂઝ
આજકાલ ધરતીમાંથી અગ્નિની જેમ જો ફૂલ પાંગરે છે તો એમ લાગે છે કે નક્કી કોઈ દિલનો બળ્યો શખસ હજુ રાખની નીચે બળી રહ્યો છ.ે
આશ્ના હો ચુકા હૂં મૈં સબ કા,
જિસ કો દેખો સો અપને મતલબ કા.

હું બધાથી પરિચિત થઈ ગયો છું. પરંતુ જે કોઈ મળે છે તે સૌ પોતપોતાના સ્વાર્થ માટે મળે છે (તેવો અનુભવ હવે મને થઈ ગયો છે.)
રખતા થા એક જી સે તેરે ગમ મેં જા ચુકા,
આખિર તૂ મુઝકો ખાક મેં ઝાલિમ મિલા ચુકા.

મારી પાસે તો માંડ એક જ જીવ હતો. તેનો પણ તારા દુ:ખમાં ઉપયોગ થઈ ગયો. ઓ જાલિમ (સનમ)! તે તો મને આખરે ધૂળ ભેગો કરી જ દીધો!
સબબ જો મેરી શહાદત કા યાર સે પૂછા,
કહા કે ‘અબ તો ઉસે ગાડ દો, હુવા સો હુવા.’
(મેં) પ્રેમીને મારા બલિદાનનું કારણ પૂછ્યું તો તેણે (સહજતાથી) કહી દીધું કે હવે એને દફનાવી દો. જે થવાનું હતું તે તો થઈ ગયું. (હવે એનો અફસોસ શા માટે કરવો?)
હમ તો ‘તાબાં’ હુવે હૈ લામઝહબ,
મઝહબા દેખ સબ કે મઝહબ કા.

હું ધર્મથી વિમુખ થઈ ગયો છું. તેનું કારણ એ છે કે મેં બધાના ધર્મોની અજ્ઞાનતા જોઈ લીધી છે. માટે તો હું હજુ પ્રકાશમાન છું.
મુકર્રર નહીં કોઈ ‘તાબાં’ કા મઝહબ,
કહી હૈં મુસલમાં, કહીં બરહમન હૈ
‘તાબાં’ના ધર્મનું કશું નિશ્ર્ચિત નથી. ક્યાંક તે મુસ્લિમ છેે તો ક્યાંક વળી બ્રાહ્મણ છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button