નેશનલ

રાજકારણમાં બાહુબલી નેતાઓની બોલબાલા, દેશમાં કેટલા છે કલંકિત સાંસદો અને ધારાસભ્યો?

દેશના રાજકારણમાં મની અને મશલ્સ પાવરની બોલબાલા છે, રાજનિતીનું અપરાધીકરણ એક નગ્ન સત્ય બની ગયું છે. બાહુબલી નેતાઓ લોકોને તેમની ધોંસ બતાવી ચૂંટણી જીતી રહ્યા છે, ગઈ કાલે માફિયા ડોન અને પૂર્વ સાંસદ મુખ્તાર અંસારીનું ઉત્તર પ્રદેશની બાંદા જેલમાં હાર્ટ એટેકથી મોત થયા બાદ રાજકારણમાં ગુંડા તત્વોની એન્દ્રી ફરી એક વખત ચર્ચાનો વિષય બન્યો છે.

ADRનો રિપોર્ટ દર્શાવે છે કે દેશભરની તમામ વિધાનસભાઓમાં 44 ટકા ધારાસભ્યો એવા છે કે જેમની સામે ફોજદારી કેસ નોંધાયેલા છે. ચોંકાવનારી બાબત એ છે કે આ ડેટા ખુદ ધારાસભ્યો દ્વારા ચૂંટણી દરમિયાન જાહેર કરવામાં આવ્યા છે, એટલે કે ગાઈ વગાડીને અપરાધિક મામલાઓની માહિતી આપવામાં આવી છે, પરંતુ તેમ છતાં કોઈ પક્ષ તેને આગળ મૂકવામાં ખચકાયો નથી. ADR રિપોર્ટ દર્શાવે છે કે કુલ 4001 ધારાસભ્યોમાંથી 1,136 ધારાસભ્યો એવા છે કે જેમની સામે ગંભીર ગુનાહિત કેસ નોંધાયેલા છે. ગંભીર ગુનાઓમાં હત્યા, હત્યાનો પ્રયાસ કે અપહરણ જેવા તમામ કેસોનો સમાવેશ થાય છે.

ADRના આ જ રિપોર્ટમાં દરેક રાજ્યનો ડેટા પણ બહાર પાડવામાં આવ્યો છે. હાલમાં, કેરળમાં 135માંથી 95 ધારાસભ્યો વિરુદ્ધ ફોજદારી કેસ નોંધાયેલા છે, જેનો અર્થ છે કે 70 ટકા ધારાસભ્યો કલંકિત છે. બિહાર બીજા ક્રમે છે જ્યાં 242 માંથી 161 ધારાસભ્યો વિરુદ્ધ ફોજદારી કેસ નોંધાયેલા છે, દિલ્હીમાં 70 માંથી 44 ધારાસભ્યો વિરુદ્ધ ફોજદારી કેસ નોંધાયેલા છે. એ જ રીતે મહારાષ્ટ્રમાં 175, તેલંગાણામાં 118 અને તમિલનાડુમાં 224 ધારાસભ્યો સામે આરોપો પેન્ડિંગ છે. ઉત્તર પ્રદેશમાં 403માંથી 155 ધારાસભ્યોને કલંકિત જાહેર કરવામાં આવ્યા છે.

હવે જો સાંસદોની વાત કરીએ તો સાંસદોનો ટ્રેક રેકોર્ડ પણ કોઈ ઉત્સાહજનક નથી. આંકડાઓ પરથી જાણવા મળે છે કે વર્ષ 2004માં 24 ટકા સાંસદો સામે ફોજદારી કેસ નોંધાયા હતા, 2019માં આ આંકડો વધીને 43 ટકા થયો હતો. 2019ની લોકસભામાં એવા 159 સાંસદો છે જેમની સામે હત્યા કે અપહરણ સંબંધિત ગંભીર કેસ નોંધાયેલા છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button