વીક એન્ડ

મહોરું

ટૂંકી વાર્તા -ડૉ. હિતા મહેતા

તેણે ચીસ પાડી.
પરંતુ અડધી ચીસ ગળામાં અટવાઇ ગઇ.

એક તાકતવર પંજો મો પર દબાયો. દબાણ અસહ્ય હતું અને તેને ગૂંગળામણ થવા લાગી હતી. આંખોના ડોળા ફાટી રહ્યા હતા. તે છટપટતી હતી.

“આરોહી… તુ ભાગ… આરોહી આદેશે ચીસ પાડી ત્યાં તેના પેટમાં મુકકો વાગ્યો, તે વેદનાથી બેવડ વળી ગયો.

રાતના એક વાગ્યાનો સમય હતો અને આસપાસ નિર્જન વાતાવરણમાં કોઇની મદદ મળે તેમ પણ નહોતી.

આરોહીનો ચહેરો ભયથી પોળો પડી ગયો હતો અને ઝપાઝપીને કારણે ચહેરા, હાથ, ખભા પર ઉઝરડા પડી ગયા હતા, ક્યાક ક્યાંકથી સલવાર પણ ફાટી ગઇ હતી.

હુમલાખોરો ત્રણ હતા તેમાંથી બે આદેશને મારતા હતા અને એને આરોહીને પકડી રાખી હતી. આરોહી છૂટવા ધમપછાડા કરતી હતી પણ પેલા માણસની પક્કડ મજબૂત થતી જતી હતી. બીજો હાથ તેણે આરોહીનાં ગળા ફરતે વીંટાડયો હતો. ખૂબ કોશીશ કરતી હતી. આરોહી છૂટવા માટે, પરંતુ વ્યર્થ… “પ્લીઝ તેને છોડી દો… તેને જવા દો દૂરથી આદેશનો કરગરતો અવાજ સંભળાતો હતો.
હવે આરોહી હાંફતી હતી, તેનું યુવાન શરીર ધમપછાડા કરી થાકી ગયું હતું અને તેનો શ્ર્વાસ ભરાઇ ગયો હતો. આદેશની હાલત જોઇ તેની આંખો ભરાઇ આવી. પોતાની તકલીફ છતાં તે આરોહીની કેટલી ચિંતા કરતો હતો?

અચાનક તેણે સમતુલા ગુમાવી અને ધીમે ધીમે શરીર ઢીલું પડવા લાગ્યું. હુમલાખોરની પક્કડ ઢીલી પડી અને પડતી આરોહીને પકડતા તે માણસે બૂમ પાડી…
“હે ઇ… આ તો બેભાન થઇ ગઇ!

એક ક્ષણ માટે સ્તબ્ધતા છવાઇ ગઇ. બીજી જ ક્ષણે ત્રણે જણ દોડ્યા, નજીક પહોંચીને જોયું તો આરોહી ખરેખર બેભાન થઇ ગઇ હતી.

“આરોહી… આદેશે જોરથી તેનું મોઠું પકડીને હલાવ્યું. તેનાં કપાળે સળ પડી.

“તે એને ચોપ મારી? આદેશ પેલા માણસ સામે જોઇ પૂછ્યું. “ના, ના, તમે કહ્યું તો હતું કે પાછળ ચોપ મારી બેભાન કરવાની છે, પરંતુ હું ચોપ મારું તે પહેલા તો તે પોતાની મેળે જ બેભાન થઇ ગઇ.

એક ક્ષણ વિચારીને આદેશે ઝડપથી નિર્ણય લીધો.

“ચાલો તમે બન્ને મને મદદ કરો તેને કારની બેકસીટ પર સુવડાવી દઇએ. સુમેર તું મારી જોડે કારમાં બેસી જા.

આરોહીને ઝડપથી બધાએ મળી કારની બેક્સીટ પર સુવડાવી. “હવે તમે બન્ને અહીંથી નીકળો. પૈસાનો હિસાબ પછી કરી લઇશું, અને સુમેર, કાર હૉસ્પિટલ તરફ લઇ લે.

સુમેરે કારણ ભગાવી હૉસ્ટિપલ તરફ. હજુ શહેર ખાસ્સું દૂર હતું.

આદેશ બેક્સીટ પર માથું ટેકવી. આંખ મીંચી વિચારતો હતો. આરોહી એમ એકાએક કેમ બેહોશ થઇ ગઇ તે તેને સમજાતું નહોતું. બાકી બધું પ્લાન મુજબ જ ચાલતું હતું.

હજુ કલાક પહેલા દયાનંદ હોલમાં આરોહીનો સુગમ સંગીતનો કાર્યક્રમ પૂરે થયો અને તાલીઓના ગડગડાટથી હોલ ગાજી ઊઠયો હતો. આરોહીના કંઠના કારણે શ્રોતાજનોને મંત્રમુગ્ધ કરી દીધા હતા. આરોહી પણ શ્રોતાઓની મુક્ત પ્રશંસાથી ખુશ હતી. ઘણા ચાહકો બેકસ્ટેજ પર આવી આરોહીને અભિનંદન આપતા હતા. હજુ આરોહીની શરૂઆત હતી ત્યાં જ આટલો સારો પ્રતિસાદ એક સારી નિશાની હતી. આરોહી બધાના અભિવાદન ઝીલી રહી હતી ત્યાં તેનો મોબાઇલ રણક્યો. અભય હતો.

“હા, અભય… બસ હમણાં જ પ્રોગ્રામ પૂરો થયો, ખૂબ સરસ રહ્યો. યાર તારે અત્યારે જ દિલ્હી જવાનું થયું… ના… ના ચિંતા ન કરીશ. આદેશ મારી સાથે છે.
“આદેશ, હું તો તમારા બન્ને જેવ ફ્રેન્ડઝ મેળવીને ઘણી ખુશ છું.

થોડું અટકીને ભાવુક થઇ તે બોલી.

“દોસ્ત, તમે બન્ને મારા સારા મિત્ર ન હોત અને મારી આટલી કેર ન કરતા હોત તો આવા મોડી રાતના પ્રોગ્રામ હું કરી પણ ન શક્ત. થેંક્સ અ લોટ.
“અરે યાર ફ્રેન્ડશિપમાં નો સોરી, નો થેંક્યુ. ઓ.કે.? તેણે ફિલ્મી ડાયલોગ માર્યો.

બન્ને ખડખડાટ હસી પડ્યા.

ઝડપથી પહોંચવા માટે આદેશે શોર્ટકટ પસંદ કર્યો અને કેડી તરફ કારને મારી મૂકી, રસ્તો તદન નિર્જન હતો.

ત્યાં જ ઝાડીમાંથી ત્રણ ઓળા ઊતરી આવ્યા અને ગાડીની આડા ઊભા રહી ગયા. એકે હથિયારથી ગાડીના કાચ મોડી નાખ્યા. આરોહીને ચીસ પાડી અને તે કંઇ સમજે તે પહેલા એક માણસે ગાડીનો દરવાજો ખોલી આરોહીને નીચે ઢસડી. બધા વચ્ચે ઝપાઝપી થવા લાગી.

આરોહી ‘બચાવો – બચાવો’ની બૂમ પાડતી હતી, પરંતુ તેની બૂમો સુમસામ કેડી પરથી પાછી વળતી હતી.

કારની બ્રેક સાથે આદેશ વર્તમાનમાં આવી ગયો. શહેર હવે નજીક હતું. તેણે પાછળ નજર કરી. આરોહી હજુ એમ જ સૂતી હતી.

“જો સુમરા, ‘સુવિધા’ હૉસ્પિટલે લઇ લે. ડૉકટર સાથે વાત થઇ ગઇ છે. તે રાહ જ જોતા હશે. તું મારી સાથે જ રહેજે.
“જી હુકમ માનનાર સુમરાએ એકાક્ષરી જવાબ આપ્યો.

સુવિધા હૉસ્પિટલના ડૉક્ટર તેના ફેમિલી ડૉકટર હતા અને સુમરો આદેશના ડેડીની ફેકટરીના સિક્યોરિટી ગાર્ડ હતો. આદેશનાં ઘણા નાણાકીય ઉપકાર તેના પર હતા તેથી તે મોઢું ખોલે તેમ નહોતો.
“અને તમારા ત્રણેની ઠરાવેલ રકમ કાલ ફેકટરીએથી લઇ જજે. અને જો ડેડીને આ વાતની ખબર ન પડે નહીં તો તારી ખેર નથી.
“વિશ્ર્વાસ રાખો, સાહેબ. ભાવવિહીન અવાજે સુમરો બોલ્યો.

હૉસ્પિટલ આવી ગઇ અને એક વૉર્ડબૉયની મદદથી આરોહીને ઝડપથી સ્ટ્રેચરમાં નાખી અંદર લઇ જવાઇ. ડૉ. વર્મા પણ ઝટપથી બહાર આવ્યા.

“ડૉકટર એક ગરબડ થઇ ગઇ. છોકરીને ચોપ મારી બેભાન કરવાની હતી તે પહેલા જ શ્ર્વાસ રૂંઘાવાથી કે ખબર નહીં કેમ પણ બેભાન થઇ ગઇ. પ્લીઝ ડૉક્ટર મને જલદી કહેજો કે કઇ ચિંતાજનક તો નથી ને? નહીં તો ઓડનું ચોડ થઇ જશે.
આદેશના અવાજમાં ચિંતા હતી/ આરોહીની કે ફસાઇ જવાની- ખબર નહીં પણ તે અકળાયેલો હતો.

સુમરો આદેશ પાસે જ ઊભો હતો.

પોતે કંઇ ખોટું નથી કર્યું ને? આદેશ વિચારતો હતો.

“આવું બધું જિંદગીમાં ક્યારેય કર્યું નથી. પણ આરોહી માટે… પ્રેમ અને યુદ્ધમાં બધું માફ છે…
“મિ. આદેશ
તેની તંદ્રા તૂટી.
“યસ ડૉક્ટર
“કંઇ ચિંતા કરવા જેવું નથી. હવે તે ભાનમાં છે. આઘાતને કારણે તે બેહોશ થઇ ગઇ હશે. હજુ તે સ્વસ્થ થઇ નથી. ટેઇક કેર. નર્સ ઘાવ ઉપર ડ્રેસિંગ કરે છે અને ઉતાવળ નહીં કરતો, સાવ સ્વસ્થ થાય પછી તું એને લઇ જઇ શકે છે.

“થેંકસ ડૉકટર.

તે ઝડપથી આરોહી પાસે સ્પેશ્યલ રૂમમાં ગયો.

આરોહીની આંખો બંધ હતી, પરંતુ તે જાગતી હતી. બે નર્સિસ તેને ડ્રેસિંગ કરતી હતી.

આદેશે ધીમેથી આરોહીના માથે હાથ મૂક્યો.

“આરોહીએ આંખ ખોલી, આદેશ સામે જોયું. તેની આંખોની શૂન્યતા આદેશને હલાવી ગઇ.

આદેશને હતું આરોહી ભાનમાં આવતા જ કંઇ બોલશે, તેને વળગીને ધ્રૂસકે ધ્રૂસકે રડી પડશે, પરંતુ આવું કંઇ ન થયું. હજુ આઘાતની કળ વળી નહોતી આરોહીને…
ડ્રેસિંગ થઇ ગયું, નર્સિસ ગઇ.

“કેમ લાગે છે તને?લાગણીભર્યા અવાજે તેણે આરોહીને પૂછ્યું. આરોહી આંખો મીંચી ગઇ.

ભલે થોડો આરામ કરી લે આરોહી. તેને સ્વસ્થ થતા હજુ વાર લાગશે તેમ આદેશને લાગ્યું.

કેવી નિર્દોષ લાગતી હતી આરોહી. બંધ આંખે સૂતેલી આરોહીનાં ચહેરા સામે તે જોઇ રહ્યો. આમ પણ તે નખશિખ સુંદર જ હતી ને. ગૌર નમણો ચહેરો અને ભાવવાહી આંખો… અને ખાસ તો તેના ચહેરા પર નીતરતી નિર્દોષતા. તે અનેરી ને અભય ત્રણેય કોલેજથી સાથે. આમ તેમનું મોટું મિત્રવર્તુળ પરંતુ આ ત્રણેને વધુ ફાવતું હતું. જ્યાં દેખાય ત્યાં ત્રણે સાથે જ દેખાય.

ગ્રેજ્યુએશન પૂરું અભયે એમ.બી.એ. કરતા કરતા જોબ જોઇન્ટ કરી લીધી. આદેશને તો ડેડીની ફેકટરી હતી જ અને આરોહી પણ વધુ અભ્યાસ માટે ત્યાં જ રોકાઇ હતી નહીં તો તેનું ઘર એક નાના શહેરમાં હતું. તે કોલેજકાળથી જ હોસ્ટેલમાં રહી અભ્યાસ કરતી હતી. આરોહીનો સ્વર કેળવાયેલ હતો અને સુગમ સંગીતનું તેને ઊંડું જ્ઞાન હતું. કોલેજકાળમાંથી જ તેના સૂરના આરોહ-અવરોહ વખણાતા અને હવે તે ક્યારેક સ્ટેજ પ્રોગ્રામ આપવા પણ જતી. જોકે તેની સાથે અભય કે આદેશ કોઇક તો રહેતું જ.

પરંતુ ન જાણે છેલ્લા છ મહિનાથી કેમ આદેશને એમ લાગતું હતું કે આરોહી અભય તરફ ઢલી રહી છે. દેખીતું કોઇ કારણ નહોતું અને આરોહી બન્ને મિત્રો વચ્ચે સમતુલા જાળવતી, પરંતુ છતાં તેને આરોહી અભય પ્રત્યે વધુ લાગણી બતાવતી હોય તેવું લાગતું હતું.

જ્યારથી આરોહીને જોઇ હતી ત્યારથી આદેશ તેને મનોમન ચાહવા લાગ્યો હતો. પરંતુ તે આરોહીને કહી શક્યો નહોતો.

અભય દેખાવમાં સરેરાશ અને આર્થિક પરિસ્થિતિ મધ્યમ, જ્યારે આદેશ સંપન્ન પરિવારનો એકદનો એક પુત્ર, તેને એમ હતું કે આ બધું જોતા આરોહી મારા પલ્લામાં જ આવશે, અને જે જોઇતું મેળવી લેવાની જીદવાળા આદેશને આરોહી અભયની થાય તે કલ્પનામાત્ર અસહ્ય હતી. હદયના ખૂણામાં પડેલો આ ડર તેને અસ્વસ્થ કરી મૂક્યો હતો એનું કારણ કદાચ એમ પણ હોય કે અભય સ્કોલર સ્ટુડન્ટ હતો અને ઘણી વાર અજાણપણે આરોહીને અભયની પ્રશંસા કરી હતી.

અસલામતીની ભાવનાથી પીડાતો આદેશ હવે જીવ પર આવી ગયો હતો અને તીના પર કંઇક ઉપકાર કરી તેને કાયમ માટે પોતાની બનાવી લેવા માગતો હતો.

બસ- આ વિચાર અને આખો પ્લાન.

મોબાઇલ રણક્યો.

આદેશ ઝબકી ગયો. ઓહ અભયનો ફોન. આ બધી બબાલમાં અભયને ફોન કરવાનો તો રહી જ ગયો.

“હલ્લો આદેશ, આરોહીનો મોબાઇલ કેમ સ્વીચ-ઑફ આવે છે? અભયના અવાજમાં ઉચાટ હતો.

ઓહ, આ ધમાલમાં આરોહીનો મોબાઇલ કયાં પડી ગયો હશે તેનો કોઇ અંદાજ આદેશને નહોતો.

“અરે હા અભય, અમે પ્રોગ્રામમાંથી પાછા વળતા હતા ત્યારે સુમસામ રસ્તામાં ત્રણ વ્યક્તિએ ગાડી આંતરી આરોહી પર હુમલો કરવાની કોશિશ કરી, તું ચિંતા ન કરતો, હું હતો ને… તેને કંઇ થવા નથી દીધું. ફક્ત થોડા ઉઝરડા પડ્યા છે, હું પાટાપિંડી કરાવવા હૉસ્પિટલે લઇ…

“તું આરોહી સાથે વાત કરાવને વચ્ચેથી વાત કાપી નાંખતા અથરા અવાજે અભય બોલ્યો.

“અભય, તે સૂતી છે તેથી પછી વાત કરાવું?

“ઓ. કે. પણ ઊઠે એટલે વાત જરૂર કરાવજે અને થેંક્સ આદેશ તે આરોહીનું આટલું ધ્યાન રાખ્યું નહીતર…

“અરે યાર, દોસ્તીમાં નો સોરી, નો થેંક્યું વાતાવરણ હળવું કરવા તે બોલ્યો. “તું જરાય ચિંતા ન કરીશ. ખાસ કંઇ મોટી દુર્ઘટના નથી ઓ.કે. ચાલ પછી ફોન કરું છું.
કંઇક અવાજ થતા આદશે જોયું, દરવાજે સુમરો હતો. તેણે ઇશારો કર્યો અને સુમરો અંદર આવ્યો.

આરોહીએ ધીરેથી આંખ ખોલી.

આદેશનાં ઇશારે સુમરો બોલ્યો “સાહેબ, બેનને કેમ છે?
“સારું છે, જો આરોહી, આ ભાઇએ આપણને મદદ કરી અને હજુ તે અહીં જ છે.
“અરે ભાઇ, હું તો છેલ્લે આવ્યો પણ બેન, આ ભાઇએ જીવ પર આવી તમને બચાવી લીધા હો, નહીં તો ખબર નહીં તમારું શું થાત? તો ભાઇ મારું કંઇ કામ છે?
“ના ભાઇ તમે નીકળો, તમારો ખૂબ ખૂબ આભાર હો?
નાટક બરાબર ભજવાઇ ગયું. સુમરો ગયો. આદેશે આરોહી સામે જોયું. ખુલ્લી આંખો તદન ભાવ શૂન્ય…

હવે આદેશને ડર લાગ્યો, આરોહી કંઇ બોલતી નથી સામે જુએ છે તો જાણે ઓળખતી નથી… આને શું થયું હશે? આને કંઇ થઇ જશે તો હું બધાને શું આપીશ?
આદેશ મૂંઝાયો.

શું આરોહીની માનસિક હાલત સરખી નહીં થાય? તેણે પિક્ચરમાં આવું ઘણી વાર જોયું હતું. જો આ પરિસ્થિતિ લાંબી ચાલે તો આરોહીની મા-બાપને પણ જાણ કરવી પડે અને અભય પણ ચોળીને ચીકણું કરે… ઘણું બધું થઇ શકે… આખા નાટકમાં આવો ટવીસ્ટ તેની કલ્પના બહારનો હતો. ઘણા કલાકો નીકળી ગયા હવે તો તેણે સ્વસ્થ થવું જોઇએ.
તેણે જીવ પર આવી આરોહીને સમજાવવા કોશિશ કરી.

“જો આરોહી તને કંઇ નથી થયું. હું તારી સાથે હતોને? કોઇની તાકાત છે કે મારી હાજરીમાં તને કઇ કરી શકે? તારા બધા ઘા હું મારી માથે ઝીલી લઇશ. આજ નહીં પણ જિંદગીભર
તેનો અવાજ ભારે થઇ ગયો. કારણકે તે આરોહીને દિલથી ચાહતો હતો અને અત્યારની તેની હાલત તેનાથી જોઇ નહોતી જતી.

“આરોહી તું કંઇ બોલ, તું જલદી સાજી થઇ જા, હું તારી સાથે જ છું કારણ કે… કારણ કે હું તને ચાહું છું આરોહી, બીજા કોઇ કરતા પણ વધારે આદેશ અભયનું નામ ન બોલી શક્યો.
આરોહીએ આદેશ સામે જોયું. છળી ગયો આદેશ… આરોહીની આંખોમાં જે હતું તે આદેશને સમજાતું નહીં, પરંતુ તે ખળભળી ગયો. તે એકીટશે આદેશ સામે જોઇ રહી હતી.

“આરોહી, હું આદેશ, તું મને નથી ઓળખતી આરોહી? આજીજીભર્યા સ્વરે આદેશ બોલ્યો. તેણે આરોહીનો હાથ પોતાના હાથમાં લીધો. આરોહીની પાપણે મટકું માર્યું અને હોઠ હલ્યા. એક ક્ષણ અને હોઠમાંથી ધીમા અસ્ફુટ શબ્દ સરી પડયા.

“ના, હું આ આદેશને નથી ઓળખતી… આજે હું મારી જિંદગીનો મોટો નિર્ણય લેવાની હતી પરંતુ… માનવી કેટલા મહોરાં પહેરતો હોય છે નહીં આદેશ? આરોહીના અવાજમાં વેદના હતી.
“એટલે આદેશ મૂંઝાયો.

“હા આદેશ, ઝપાઝપીમાં ડરને કારણે મને ક્ષણિક ચક્કર આવી ગયા હતા એટલું જ, બાકી હું બેભાન થઇ જ નહોતી, સંપૂર્ણ ભાવમાં હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button