એકસ્ટ્રા અફેર

મુખ્તાર અંસારીનું મોત, એક મહાપાપ ઓછું થયું

એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ

ઉત્તર પ્રદેશની બાંદા જેલમાં બંધ ગેંગસ્ટર કમ રાજકારણી મુખ્તાર અંસારીનું ગુરુવારે રાત્રે કાર્ડિયાક એરેસ્ટથી મોત થયું એ સાથે પૃથ્વી પરથી વધુ એક પાપ ઓછું થયું. મુખ્તાર અંસારીની તબિયત લાંબા સમયથી નરમગરમ રહ્યા કરતી હતી. મંગળવારે મુખ્તારની તબિયત બગડી ત્યારે તેને ૧૪ કલાક હૉસ્પિટલમાં દાખલ રખાયા પછી રજા આપવામાં આવી હતી. ગુરુવારે રાત્રે પાછી અચાનક ઉલટીઓ શરૂ થઈ ને દાખલ કરાય એ પહેલાં તો મુખ્તાર પોતાની બેરેકમાં બેભાન થઈ ગયો. મુખ્તારને તાત્કાલિક જેલમાંથી રાત્રે ૮.૨૫ કલાકે રાણી દુર્ગાવતી મેડિકલ કોલેજમાં બેભાન અવસ્થામાં લઈ જવામાં આવ્યો હતો. નવ ડૉક્ટરોએ તેની સારવાર કરી પણ તેને બચાવી શકાયો નહીં.

અંસારીના મોત સાથે ભારતના રાજકારણનું એક કલંકિત પ્રકરણ પૂરું થયું પણ બીજુ પ્રકરણ શરૂ કરવાના ઉધામા શરૂ થઈ ગયા છે. મુખ્તારનો ભાઈ અફઝલ અંસારી સાંસદ છે. અફઝલે દાવો કર્યો હતો કે, મુખ્તારને સ્લો પોઈઝન આપીને મારી નાખવાની કોશિશ કરવામાં આવી રહી છે. મુખ્તારને અબ્બાસ અને ઉમર એમ બે પુત્રો છે. અબ્બાસ અંસારી ધારાસભ્ય છે ને જેલમાં બંધ છે જ્યારે મુખ્તારનો નાનો પુત્ર ઉમરે જેલની બહાર છે. ઉમરે પણ દાવો કર્યો છે કે મુખ્તારને સ્લો પોઈઝન આપીને મારી નંખાયો છે. મુખ્તારને ૧૯ માર્ચે ડિનરમાં ઝેર આપવામાં આવ્યું હતું એવો પણ ઉમરનો દાવો છે. અલબત્ત મુખ્તારના પોસ્ટ મોર્ટમમાં એવું કશું બહાર આવ્યું નથી તેથી ઉમરે હાઈ કોર્ટમાં અરજી કરીને તપાસની માગ કરવાનું એલાન કર્યું છે.

ભારતમાં રાજકારણીઓ તો આ બધી વાતોમાં ટાંપીને જ બેઠા હોય છે કે જેથી મતબૅન્કનો ફાયદો લઈ શકાય. અત્યારે તો લોકસભાની ચૂંટણી છે તેથી નેતાલોગ આવી તક છોડે? મુસ્લિમોના મસિહા બનતા અસદુદ્દીન ઓવૈસી અને લોકસભાની ચૂંટણીમાં જીતવા માટે મુસ્લિમોના પગમાં નવેસરથી આળોટવા માંડેલાં માયાવતીએ આ તક ઝડપીને મુખ્તારના મોતની ઉચ્ચ સ્તરીય તપાસની વિનંતી કરી છે. અંસારી માયાવતીની નજીક હતા અને ત્રણ વાર બસપાની ટિકિટ પર ધારાસભ્ય બનેલા તેથી પણ માયાવતીને અંસારીના મોતનું લાગી આવ્યું છે. અંસારીએ પૂર્વાંચલની મુસ્લિમ મતબૅન્કને બસપા તરફ વાળવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી છે.

આ બંનેમાં ઓવૈસીની ટ્વીટ રસપ્રદ છે. ઓવૈસીએ મુખ્તારના મોતની તપાસ માગી છે પણ સાથે સાથે લખ્યું છે કે, અલ્લાહ અંસારીને માફ કરી દે એવી દુઆ છે. અલ્લાહ અંસારીને શાના માટે માફ કરે? અંસારીએ તેની ૬૧ વર્ષની જીંદગીમાં કરેલા અપરાધો માટે અને આ અપરાધો એટલા ગંભીર છે કે, અંસારીના મોતનો જરાય અફસોસ કરવા જેવો નથી. બલ્કે લેખની શરૂઆતમાં લખ્યું એમ અંસારીના મોતથી પૃથ્વી પરથી એક મહાપાપ ઓછું થયું, ધરતી પરનો બોજ હટ્યો. આ વાત કોઈને મોતનો મલાજો જાળવવા જેવી નહીં લાગે પણ જે માણસે તેની જીંદગીમાં બીજાં લોકોની જીંદગી જ લીધી, તેમને મોત આપ્યું તેના મોત બદલ શાનો મલાજો જાળવવાનો હોય?

મુખ્તાર અંસારી ૨૦૦૫થી જેલમાં બંધ હતો ને છેલ્લા બે વર્ષમાં આઠ કેસમાં સજા થઈ હતી. તેમાંથી ભાજપના ધારાસભ્ય કૃષ્ણાનંદ રાયની હત્યા સહિતના બે કેસમાં તો આજીવન કેદની સજા થઈ હતી. ભાજપે અંસારીને પછાડવા ઊભા કરેલા કૃષ્ણાનંદ રાયની અંસારીએ ૨૦૦૬માં છ સાથીઓ સાથે જાહેરમાં હત્યા કરી નાંખી હતી. અંસારી સામે બીજા ૬૦ કેસ બાકી છે ને તેમાંથી મોટા ભાગના ખૂન, ખૂનનો પ્રયાસ, ધાડ, અપહરણ સહિતના ગંભીર ગુનાના કેસ હતા.

મુખ્તાર અંસારી ઉત્તર પ્રદેશમાં સૌથી મોટા ગેગસ્ટરમાંથી એક હતો. વારાણસી, જૌનપુર, મઉ અને ગાઝીપુર જિલ્લામાં ફેલાયેલા પૂર્વાંચલમાં અંસારીનો એવો દબદબો હતો કે, તેની મરજી વિના પત્તું પણ ના હાલી શકે. પૂર્વાંચલમાં ૧૯૭૦ના દાયકાથી સરકારી કોન્ટ્રાક્ટ્સ માટે ગેંગવોર શરૂ થઈ. કોલસાની ખાણો, રેલવે ક્ધસ્ટ્રક્શન, સ્ક્રેપ ડિસ્પોઝલ, પબ્લિક વર્ક્સ, લિકર શોપ્સ વગેરેના કરોડોના કોન્ટ્રાક્ટ માટે નેતાઓએ બનાવેલી ગેંગ્સ વચ્ચે લોહિયાળ જંગ શરૂ થયો.

બીજા નેતા ગુંડાઓને આગળ કરીને કોન્ટ્રાક્ટ્સ મેળવવા મથતા ત્યારે અંસારીએ પોતે સીધો મેદાનમાં આવી ગયો. અંસારીએ રાજકીય તાકાતનો ઉપયોગ કોન્ટ્રાક્ટ્સ મેળવવા કર્યો ને મસલ પાવરનો ઉપયોગ વિરોધીઓને સાફ કરવા કર્યો તેથી તેમની સામે પૂર્વાંચલમાં કોઈ ટક્યું નહીં. છેલ્લા ત્રણ દાયકાથી અંસારી પૂર્વાંચલમાં બેતાજ બાદાશાહ હતો. લગભગ બે દાયકાથી એ જેલમાં બંધ હતો છતાં તેના સામ્રાજ્યના કાંગરા નહોતા ખર્યા.

અંસારી મઉમાંથી સળંગ પાંચ વાર ધારાસભ્યપદે ચૂંટાયો તેમાં પણ ત્રણ વાર તો એ જેલમાં હતો. એ વખતે એક પણ દિવસ પ્રચાર કરવા નહોતો ગયો છતાં ચૂંટાયો તેના પરથી તેનો ખૌફ કેવો હશે તેનો અંદાજ આવી જાય. અંસારી ૧૯૯૬થી ૧૯૨૨ સુધી સળંગ ધારાસભ્ય રહ્યો છે તેમાં બે વાર તો અપક્ષ તરીકે જીત્યો છે ને ત્રણ વાર અલગ અલગ પાર્ટીમાંથી જીત્યો છે. અત્યારે પણ તેનો દીકરો અબ્બાસ અંસારી મઉનો ધારાસભ્ય છે.

અંસારીને પછાડવા બસપા સિવાયના રાજકીય પક્ષોએ બહુ ધમપછાડા કર્યા. ભાજપે અંસારીને પછાડવા હિંદુ ડોન કૃષ્ણાનંદ રાયને ઊભા કરેલા. રાયે ૨૦૦૨માં મુખ્તારના ભાઈ અફઝલ અંસારીને હરાવીને સનસનાટી મચાવેલી પણ અંસારીએ રાયની હત્યા કરીને પાછો ખૌફ પેદા કરી દીધેલો. કૃષ્ણાનંદ રાયની હત્યા પછી ભાજપે અજય રાયને ઊભા કર્યા. અજય રાયે અંસારીના સામ્રાજ્યને ખતમ કરવા બહુ પ્રયત્ન કર્યા પણ ફાવ્યા નથી. અજય રાય અત્યારે કૉંગ્રેસના ઉત્તર પ્રદેશ પ્રદેશ પ્રમુખ છે અને વારાણસી લોકસભા બેઠક પર વડા પ્રધાન નરેન્દ્ર મોદી સામે લડવાના છે. રાય પહેલાં ભાજપના ધારાસભ્ય હતા ને પછી કૉંગ્રેસમાં આવ્યા છે.

યોગી આદિત્યનાથ મુખ્ય પ્રધાન બન્યા પછી ઉત્તર પ્રદેશના ગેંગસ્ટર્સના ખરાબ દિવસો આવી ગયા. તેમાં પણ મુસ્લિમ ગેંગસ્ટર્સની તો હાલત ખરાબ થઈ ગઈ. અતિક અહમદ અને મુખ્તાર અંસારી એ બે યુપીમાં સૌથી મોટા મુસ્લિમ ગેંગસ્ટર હતા. યોગીની સરકારે બંને સામેના કેસ ફટાફટ ચલાવડાવ્યા તેથી અંસારીને જેલમાં પણ રાખી શકાયો, બાકી અંસારી સામેના તો કેસ જ ચાલતા નહોતા ને એ જામીન પર છૂટીને જલસા કરતો હતો.
હવે જેલ પણ ના રહી ને જલસા પણ ના રહ્યા.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button