કાંદિવલીના યુવકની અપહરણ બાદ હત્યા: મુખ્ય આરોપી ઉત્તર પ્રદેશથી ઝડપાયો
પાલઘર: કાંદિવલીના યુવકનું અપહરણ કર્યા બાદ તેની હત્યાના કેસમાં પાલઘર પોલીસે ફરાર મુખ્ય આરોપીને ઉત્તર પ્રદેશથી ઝડપી પાડ્યો હતો.
કાંદિવલી વિસ્તારમાં રહેતા સુધીર કુંજબિહારી સિંહ (27)ની 12 જાન્યુઆરી, 2024ના રોજ હત્યા કરવામાં આવી હતી. ગુનો આચર્યા બાદ મુખ્ય આરોપી રાહુલ પાલ ઉર્ફે મર્દા (24) ફરાર થઇ ગયો હતો. તેણે મોબાઇલ વાપરવાનું પણ બંધ કરી દીધું હતું.
જોકે બાદમાં રાહુલે તેની પત્નીને કૉલ કરતાં પોલીસે નંબર ટ્રેસ કર્યો હતો અને તેનું લોકેશન ઉત્તર પ્રદેશ બતાવ્યું હતું. આથી પોલીસની ટીમ રાહુલને પકડવા ઉત્તર પ્રદેશ રવાના થઇ હતી. બુધવારે ઉત્તર પ્રદેશના ભદોહી ખાતે ચૌરી બાઝારથી રાહુલની ધરપકડ કરવામાં આવી હતી. પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે સુધીર સિંહ અને રાહુલ વચ્ચે દુશ્મનાવટ હતી.
રોહન સિંહ ઉર્ફે મર્દા તથા અન્ય સાત જણે સુધીર સિંહનું રિક્ષામાં અપહરણ કર્યું હતું. સુધીર સિંહને નાલાસોપારા લઇ જવામાં આવ્યો હતો, જ્યાં તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી તેની હત્યા કરાઇ હતી. સુધીર સિંહ પર 40 ઘા ઝીંકાયા હતા, એમ પેલ્હાર પોલીસ સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર જિતેન્દ્ર વનકોટીએ કહ્યું હતું.
આ પ્રકરણે અપહરણ અને હત્યાનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો અને પોલીસે બીજે દિવસે સૂરજ લખ્ખન ચવાણ, સાહિલ ટીક્કુ વિશ્ર્વકર્મા અને અખિલેશ સુનીલ સિંહ ઉર્ફે અક્કીની પુણેમાં સિંહગડ રોડ વિસ્તારમાંથી ધરપકડ કરવામાં આવી હતી. (પીટીઆઇ)