આવતી કાલે યોજાશે ગુજકેટની પરીક્ષા, રાજ્યમાંથી 1,37,799 વિદ્યાર્થી આપશે એક્ઝામ
રાજ્યમાં ગુજકેટની પરીક્ષા આગામી તારીખ 31મી માર્ચે યોજવા જઈ રહી છે, આ પરીક્ષા માટે માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે. રાજ્યમાંથી 1,37,799 વિદ્યાર્થી ગુજકેટની પરીક્ષા આપવા માટે નોંધાયા છે. આ વખતની પરીક્ષામાં 12 જેટલા વિદેશી વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા જઈ રહ્યા છે.ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા 31મી માર્ચના રોજ લેવાનાર ગુજકેટની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. ઉલ્લેખનિય છે કે ધોરણ 12 સાયન્સ પછી ડિગ્રી એન્જિનિયરિંગ અને ફાર્મસીમાં પ્રવેશ માટે ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ (ગુજકેટ) લેવામાં આવે છે.
ગુજકેટના પરીક્ષાર્થીઓની પરીક્ષા માટે રાજ્યનાં કુલ 34 ઝોનના 34 પરીક્ષા કેન્દ્રોની 673 બિલ્ડીંગનાં 6.963 બ્લોકમાં વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. ગુજરાત બોર્ડ સિવાયના અન્ય 31 બોર્ડના 18,305 વિદ્યાર્થીઓ પરીક્ષા માટે નોંધાયા છે, જેમાં CBSE બોર્ડના 15,558 વિદ્યાર્થી નોંધાયા છે. આ પરીક્ષા માટે ગુજરાત બોર્ડ સહિત કુલ 32 બોર્ડના વિદ્યાર્થીઓએ ફોર્મ ભર્યું છે. ગુજરાત બોર્ડનાં 1,19,494 વિદ્યાર્થી નોંધાયા છે. જાતિ મુજબ નોંધાયેલા વિદ્યાર્થીઓની સંખ્યા જોવામાં આવે તો 75,558 વિદ્યાર્થી નોંધાયા છે, જ્યારે 62,241 વિદ્યાર્થિનીઓ નોંધાઈ છે.
ગુજકેટની પરીક્ષા માટે વધુ વિદ્યાર્થીઓ બી ગ્રુપના 86,366 નોંધાયા છે. એ સિવાય એ ગ્રુપના વિદ્યાર્થીઓની સંખ્યા 51,025 જ્યારે એબી ગ્રુપના 408 વિદ્યાર્થી નોંધાયા છે. સૌથી વધુ 18,401 વિદ્યાર્થી અમદાવાદ જિલ્લામાં પરીક્ષા આપશે. અમદાવાદ શહેરમાં કુલ 12,151 વિદ્યાર્થી નોંધાયા છે, જેમના માટે 62 બિલ્ડિંગના 610 બ્લોકમાં પરીક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. અમદાવાદ ગ્રામ્યમાં 6,250 વિદ્યાર્થી નોંધાયા છે, જેમના માટે 30 બિલ્ડિંગના 315 બ્લોકમાં પરીક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.