ગર્લફ્રેન્ડની નોકરી બચાવવા ‘ખાખી વરદી’ પહેરી બૉયફ્રેન્ડે હોટેલ મૅનેજરને ધમકાવ્યો
થાણે: નોકરી પરથી કાઢી મૂકવામાં આવેલી ગર્લફ્રેન્ડને ફરી નોકરી પર લગાવવા પુણેમાં રહેતો બૉયફ્રેન્ડ ‘ખાખી વરદી’ પહેરીને નવી મુંબઈની હોટેલમાં પહોંચી ગયો હતો. પોલીસના સ્વાંગમાં હોટેલ મૅનેજરને કથિત રીતે ધમકાવનારા બૉયફ્રેન્ડની પોલીસે ધરપકડ કરી હતી.
પનવેલ શહેર પોલીસે પકડી પાડેલા આરોપીની ઓળખ સલમાન તાજમુદ્દીન મુલાની (31) તરીકે થઈ હતી. મુલાનીને કોલ્હે પરિસરમાં આવેલી હોટેલમાંથી 27 માર્ચની રાતે તાબામાં લેવાયો હતો.
પ્રાથમિક પૂછપરછમાં પોલીસને જાણવા મળ્યું હતું કે મુલાનીની ગર્લફ્રેન્ડ કોલ્હે સ્થિત હોટેલમાં નોકરી કરતી હતી. તાજેતરમાં તેને નોકરી પરથી પાણીચું આપવામાં આવ્યું હતું. આ વાતથી રોષે ભરાયેલો મુલાની પોલીસની વરદી પહેરી હોટેલમાં ગયો હતો. ગર્લફ્રેન્ડને અન્યાયી રીતે કાઢવામાં આવી હોવાથી તેને નોકરી પર ફરી રાખવા તે હોટેલના મૅનેજરને સમજાવવા ગયો હતો.
જોકે સતર્ક મૅનેજરને મુલાની પર શંકા ગઈ હતી. તેણે તાત્કાલિક આ અંગે પોલીસને જાણ કરી હતી. પકડાયેલો આરોપી પુણેના ચાકણ પરિસરમાં રહે છે અને ચિકનની દુકાન ચલાવે છે.
મુલાનીએ પોલીસના સ્વાંગમાં અગાઉ પણ કોઈને ધમકાવી છેતરપિંડી કરી છે કે કેમ તેની તપાસ કરવામાં આવી રહી છે, એમ પનવેલ શહેર પોલીસ સ્ટેશનના સિનિયર ઈન્સ્પેક્ટર નીતિન ઠાકરેએ જણાવ્યું હતું. (પીટીઆઈ)