વિદેશમાં નોકરીને બહાને લોકો સાથે છેતરપિંડી: ત્રિપુટી વિરુદ્ધ ગુનો દાખલ
થાણે: વિદેશમાં નોકરી મેળવી આપવાને બહાને લોકો સાથે છેતરપિંડી આચરવા પ્રકરણે રિક્રૂટમેન્ટ એજન્સી સાથે સંકળાયેલી ત્રિપુટી વિરુદ્ધ થાણે પોલીસે ગુનો દાખલ કર્યો હતો.
દહિસરના રહેવાસીએ નોંધાવેલી ફરિયાદને આધારે મુથ્થુ રાજુ નાડર (ડિરેક્ટર), શરણ્ય મુરલીધરન (ભાગીદાર) અને અજુમુદ્દીન મુલ્લા (બ્રાન્ચ મેનેજર) વિરુદ્ધ ગુનો દાખલ કરાયો હતો, એમ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું.
ફરિયાદીએ જણાવ્યું હતું કે ફેસબૂક પર જાહેરાત જોયા બાદ તેણે એજન્સીનો સંપર્ક સાધ્યો હતો અને વિદેશમાં નોકરી માટે તેણે આરોપીને રૂ. બે લાખ ચૂકવ્યા હતા.
આપણ વાંચો: શેર બજારમાં રોકાણ કરવાનું કહી એનડીએના કર્મચારી સાથે રૂ. 55 લાખની છેતરપિંડી
જોકે ફરિયાદીને વિદેશ મોકલવામાં એજન્સી નિષ્ફળ ગઇ હતી અને આરોપીઓએ ચેક દ્વારા પૈસા પરત કરવાનું કહ્યું હતું, પણ ચેક બાઉન્સ થયા હતા.
ફરિયાદીએ પોતાના પૈસા પાછા માગતાં તેને પોલીસમાં ફરિયાદ કરવાની ધમકી આપવામાં આવી હતી, એમ પોલીસે જણાવ્યું હતું.
જાન્યુઆરી, 2024માં ફરિયાદી વાગલે એસ્ટેટ વિસ્તારમાં એજન્સીની ઓફિસમાં ગયો ત્યારે તે બંધ હોવાનું જાણવા મળ્યું હતું.
તેણે બાદમાં સ્થાનિક પોલીસનો સંપર્ક સાધ્યો હતો અને ફરિયાદ નોંધાવી હતી. પોલીસને શંકા છે કે આરોપીઓએ વિદેશમાં નોકરીને બહાને 250 લોકો સાથે આ પ્રમાણે છેતરપિંડી આચરી છે, એમ શ્રીનગર પોલીસ સ્ટેશનના અધિકારીએ કહ્યું હતું. (પીટીઆઇ)