શિવસેના (યુબીટી)ના લોકસભા ઉમેદવારની મુસીબત વધી: ત્રણ દિવસમાં બીજા સમન્સ
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: શિવસેના (યુબીટી) ના વાયવ્ય મુંબઈ મતદારસંઘના ઉમેદવાર અમોલ કીર્તિકરની સમસ્યાઓમાં વધારો થઈ રહ્યો છે. વાયવ્ય મુંબઈમાંથી તેમની ઉમેદવારી જાહેર થઈ તે જ દિવસે એટલે કે બુધવારે તેમને ખીચડી કૌભાંડમાં સમન્સ મોકલવામાં આવ્યા હતા અને આ સમન્સને પ્રતિસાદ ન આપ્યો એટલામાં તેમને શુક્રવારે બીજા સમન્સ પાઠવી દેવામાં આવ્યા હતા. ઈડી દ્વારા મુંબઈ મનપાના ખીચડી કૌભાંડમાં પુછપરછ માટે બોલાવ્યા છે.
કોરોનાકાળ દરમિયાન જરૂરિયાતમંદોને મુંબઈ મનપા દ્વારા ખીચડીનું વિતરણ કરવામાં આવ્યું હતું અને તેમાં થયેલી કથિત ગેરરીતિઓ સંદર્ભે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી) તપાસ કરી રહી છે. આ તપાસ સંબંધે પુછપરછ કરવા માટે કીર્તિકરને આઠમી એપ્રિલે હાજર રહેવા માટે સમન્સમાં જણાવવામાં આવ્યું છે.
આ પણ વાંચો : લોકસભા ચૂંટણીઃ એકનાથ શિંદેની શિવસેનાએ જાહેર કરી પહેલી યાદી, જાણો કોને મળી ટિકિટ?
બુધવારે કીર્તિકરને સમન્સ મોકલવામાં આવ્યા ત્યારે તેમના વકીલ ઈડીની કચેરીમાં હાજર થયા હતા અને તેમણે હાજર થવા માટે વધુ સમય માગ્યો હતો અને તેને પગલે ઈડીએ નવા સમન્સમાં 10 દિવસનો સમય આપ્યો છે.
અહીં ઉલ્લેખનીય છે કે આ પહેલાં સપ્ટેમ્બર, 2023માં મુંબઈ પોલીસની આર્થિક ગુના શાખા દ્વરાા શિવસેના (યુબીટી)ના નેતા સંજય રાઉતના નજીકના મનાતા સુજિત પાટકર અને અન્ય કેટલાક લોકો સામે કથિત રીતે રૂ. 6.37 કરોડના કૌભાંડ સંદર્ભે ગુનો નોંધ્યો હતો. આ કેસના અન્ય આરોપીઓમાં સુનિલ ઉર્ફે બાળા કદમ, સહ્યાદ્રી રિફ્રેશમેન્ટના રાજીવ સાળુંખે, ફોર્સ વન મલ્ટિ સર્વિસીસના ભાગીદારો અને કર્મચારીઓ, સ્નેહા કેટરર્સના ભાગીદારો, ત્યારના આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર (પ્લાનિંગ) અને અજ્ઞાત પાલિકાના અધિકારીઓનો સમાવેશ થાય છે.
આ પણ વાંચો : ચૂંટણી પંચની આ ઓફિશિયલ સાઇટ અને App જણાવશે તમારા ઉમેદવાર વિશે, અહી જાણો સમગ્ર વિગત
તપાસ દરમિયાન અમોલ કીર્તિકરનું નામ સામે આવ્યું હતું. તેમની પુછપરછ સપ્ટેમ્બર મહિનામાં આર્થિક ગુના શાખા દ્વારા પૂરા છ કલાક કરવ ામાં આઆવી હતી. તેને પગલે ઈડીએ ઓક્ટોબર 2023ના રોજ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (પીએમએલએ) હેઠળ મની લોન્ડરિંગનો ગુનો નોંધ્યો હતો અને શિવસેના (યુબીટી)ના નેતા આદિત્ય ઠાકરેના નજદીકી મનાતા સુરજ ચવ્હાણની ધરપકડ કરી હતી.