બેન્ગલૂરુ: આઇપીએલની 17મી સીઝનનો રોમાંચક આરંભ થયા પછી હૈદરાબાદની ટીમે ઘરઆંગણે મુંબઈ સામે વિક્રમજનક 277/3નો સ્કોર નોંધાવતાં ટૂર્નામેન્ટ હવે એકદમ ઓપન થઈ ગઈ છે અને કોઈ પણ મૅચમાં કોઈ પણ પિંચ-હિટરની ફટકાબાજી જોવા મળી શકે એવી સ્થિતિ છે. એમાં હવે શુક્રવારે (સાંજે 7.30 વાગ્યાથી) બેન્ગલૂરુમાં એવી બે ટીમ વચ્ચે મુકાબલો થશે જેમનો ઇતિહાસ જોરદાર રસાકસીવાળો છે જ, બેઉ ટીમના હરીફ ખેલાડીઓ વચ્ચે ગરમાગરમીના બનાવો પણ બની ચૂક્યા છે.
રૉયલ ચૅલેન્જર્સ બૅન્ગલૂરુ (આરસીબી)ની ટીમ બાવીસમી માર્ચે ચેન્નઈ સામે પરાજય જોયા બાદ પચીસમી માર્ચે હોમગ્રાઉન્ડ પર પંજાબને હરાવીને વિનિંગ મોડમાં આવી ગઈ છે.
બીજી બાજુ, કોલકાતા નાઇટ રાઇડર્સ (કેકેઆર) ટીમ પાંચ દિવસના આરામ બાદ ફરી મેદાન પર ઊતરી રહી છે. એણે 23મી માર્ચે હૈદરાબાદને હાઈ-સ્કોરિંગ મુકાબલામાં ચાર રનથી હરાવ્યું હતું.
બેન્ગલૂરુના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં શુક્રવારે મોટી સંખ્યામાં આરસીબી-તરફી પ્રેક્ષકો જોવા મળશે અને એ માહોલમાં કેકેઆરના ખેલાડીઓએ જીતવાનો સંકલ્પ કરવો પડશે. જોકે ઇતિહાસ કેકેઆરની તરફેણમાં છે. એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં બન્ને ટીમ વચ્ચે કુલ 11 મૅચ રમાઈ છે જેમાંથી સાત કેકેઆરે અને ચાર આરસીબીએ જીતી છે.
એકંદરે પણ કેકેઆર આગળ છે. હેડ-ટુ-હેડના આંકડા જોઈએ તો કુલ 32 મુકાબલામાંથી 18 કેકેઆરે અને 14 આરસીબીએ જીત્યા છે.
યાદ છેને, 2008ની 18મી એપ્રિલે બેન્ગલૂરુના આ જ મેદાન પર કેકેઆરે બ્રેન્ડન મૅક્લમ (158 અણનમ, 73 બૉલ, 13 સિક્સર, 10 ફોર)ની અભૂતપૂર્વ આતશબાજી સાથે વિજય સાથે આરંભ કર્યો હતો અને પછી આરસીબીની ટીમ કેકેઆરના અજિત આગરકરની ત્રણ તેમ જ સૌરવ ગાંગુલી અને અશોક ડિન્ડાની બે-બે વિકેટને કારણે 82 રનમાં આઉટ થઈ જતાં કેકેઆરનો 140 રનથી વિજય થયો હતો.
2013માં આ જ સ્થળે પહેલાં કેકેઆરના ગૌતમ ગંભીરની આરસીબીના મોઇઝેઝ હેનરિકેસ સાથે ચકમક થઈ હતી અને પછી ગંભીરની વિરાટ કોહલી સાથે બબાલ થઈ હતી.
2016માં યુસુફ પઠાણ અને રસેલે કેકેઆરને કમબૅક અપાવીને હારેલી બાજી જિતાડી આપી ત્યાર બાદ ગંભીરે ડગઆઉટમાં ખુરસીને લાત મારીને ‘જોઈ લીધું’ એવા સંકેત સાથે આરસીબી પર ગુસ્સો ઉતાર્યો હતો. એ કરતૂત બદલ ગંભીરની 15 ટકા મૅચ ફી કપાઈ ગઈ હતી. 2023માં બેન્ગલૂરુમાં ગંભીર જ્યારે લખનઊનો મેન્ટર હતો ત્યારે આરસીબી સામેની મૅચ વખતે ગંભીરની કોહલી સામેની દુશ્મનાવટ ફરી દેખાઈ આવી હતી. આ વખતે ગંભીર કેકેઆરનો મેન્ટર છે.
આરસીબીના ત્રણ દિગ્ગજો ફૅફ ડુ પ્લેસી, કોહલી અને મૅક્સવેલને ટી-20માં સુનીલ નારાયણની બોલિંગ બહુ નથી ફાવતી. ત્રણેય બૅટર કેકેઆરના નારાયણની બોલિંગમાં મર્યાદિત સંખ્યામાં રન બનાવી શક્યા છે. ડુ પ્લેસી તેની સામે બે વાર, કોહલી ચાર વાર અને મૅક્સવેલ ચાર વખત આઉટ થયો છે. કોહલી તો વરુણ ચક્રવર્તીની બોલિંગમાં પણ મુસીબતમાં મુકાઈ જતો હોય છે. વરુણ તેને છ ઇનિંગ્સમાં એક વાર આઉટ કરી ચૂક્યો છે.
Taboola Feed