ટોપ ન્યૂઝનેશનલ

બ્રેંકિંગ: મુખ્તાર અંસારીનું 60 વર્ષની વયે નિધન, જેલમાં આવ્યો હાર્ટ એટેક

ઉત્તર પ્રદેશની બાંદા જેલમાં બંધ બાહુબલી અને પૂર્વ સાંસદ મુખ્તાર અંસારીનું બાંદાની એક હોસ્પિટલમાં 60 વર્ષની વયે નિધન થયું છે. મુખ્તાર અંસારીને જેલમાં હાર્ટ એટેક આવ્યા બાદ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ પહેલા ગુરુવારે સાંજે બાંદા જેલમાં બંધ પૂર્વ સાંસદ અને બાહુબલી નેતા મુખ્તાર અંસારીની તબિયત હાર્ટ એટેકના કારણે બગડી તેના પગલે બાંદાના ડીએમ અને એસપી તાત્કાલિક જેલ પહોંચ્યા હતા. તેમની સૂચના પર, મુખ્તારને બાંદા મેડિકલ કોલેજ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.

જેલના એક અધિકારીના જણાવ્યા અનુસાર, મુખ્તાર અંસારીને કડક સુરક્ષા હેઠળ મેડિકલ કોલેજ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. સૂત્રોનું માનીએ તો પૂર્વ સાંસદને બે દિવસ પહેલા પેટમાં ગેસ અને યુરિન ઈન્ફેક્શનની ફરિયાદને કારણે મેડિકલ કોલેજ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. સૂત્રોના જણાવ્યા મુજબ મુખ્તારના ઘરની બહાર લોકોની ભીડ ઉમટી રહી છે. બાંદા, ગાઝીપુર સહિત અનેક જિલ્લાઓમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે.

ઉલ્લેખનિય છે કે મુખ્તાર અંસારીની જેલમાં ત્રણ ડોક્ટરોની પેનલ દ્વારા દેખરેખ રાખવામાં આવી રહી હતી. છેલ્લા કેટલાક દિવસોથી માફિયા ડોનની હાલત નાજુક હતી. બુધવારે મોડી રાત્રે અંસારીની તબિયત અચાનક બગડતાં તેને મેડિકલ કોલેજમાં દાખલ કરવા પડ્યા હતા. અંસારીની હાલત નાજુક હોવાનું બહાર આવ્યું હતું અને તેમને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યો હતો. આજે ફરીથી હાર્ટ એટેકના કારણે તેમની તબિયત લથડી હતી, ડોક્ટરો દ્વારા તેમની સારવાર કરવામાં આવી રહી હતી જો કે તેમ છતાં આજે મોડી રાત્રે તેમણે દુનિયાને અલવિદા કર્યું હતું.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button