મેટિની

સંકેલાયેલા મોરચા

ટૂંકી વાર્તા -રજનીકુમાર પંડ્યા

‘અમે અમદાવાદથી આવીએ છીએ’ -માટીના ભીંતડામાંથી પોપડું ખરે તેમ ગોકળના હોઠ વચ્ચેથી આ વાક્ય ખર્યુ. તરત જ મને એમ થયું કે વાતની શરૂઆત તો હું જ વધારે સારી રીતે કરી શક્યો હોત. ગોકળના વાક્યને રદ કરતો હોઉં એવી રીતે હું બોલ્યો કે અમે કાંતિલાલના મિત્રો છીએ અને અમદાવાદથી આવીએ છીએ.

અત્યાર સુધી સામાન્ય દેખાતી કાનજીભાઇની આંખોમાં એક ચમક ઝબકી ને પછી ત્યાં જ સ્થિર થઇ ગઇ; આવો એમણે કહ્યું અને તરત જ એમની અને અમારી વચ્ચે સામસામા બે મોરચા મંડાઇ ચૂક્યાનું મને ભાન થયું. વાતચીતની શરૂઆત થયા પહેલાંની એખલાસ ભરેલી પરિસ્થિતિ ખોઇ બેઠાનો રંજ મેં અનુભવ્યો. ગમે તેમ પણ હવે આવ્યા જ છીએ તો અંદર જવું જોઇએ એમ વિચારીને ઉબરાની અંદર પ્રવેશ્યો. બારણાંની સામે જ ઘરના અંદરના ભાગમાં જાળીવાળી નાનકડી બારીમાં એક ઝાંખી સ્ત્રી-આકૃતિ ઊભી હતી. તે જાણે કે અમારા આવવાનો ધક્કો લાગ્યો હોય તેમ અંદર સરી ગઇ. મેં ગોકળ સામે જોયું, પણ એ ભીંત પરના મોટા કેલેન્ડરની સુંદરીને જોતો હતો.

અમે ઢાળેલી એક ખાટલી પર બેઠા.

ઘણું કરીને કાંતિનો સાળો જ હશે- એવો એક છોકરો આવીને અમને છલોછલ પાણીના ગ્લાસ આપી ગયો. એના હોઠની માર્મિક મુદ્રા પરથી એ અંદર દરેક પરિસ્થિતિનો જાણકાર હોવો જોઇએ એમ મારા મનમાં એ જ પળે ઇર્ષ્યાપૂર્વક ઠસી ગયું. ગોકળ એના હાથમાંથી ગ્લાસ લઇને મોં ઊંચું કરીને ગળાનો નઢિયો ઉપર નીચે થાય એમ પાણી પીવા લાગ્યો. ના પાડીને મેં અતિ નમ્રતાપૂર્વક સ્મિત કર્યું. ગોકળ પછેડીથી મોં લૂછતાં લૂંછતાં ફરીથી ફાટી આંખે કેલેન્ડરમાંની સુંદર તરફ જોવા માંડ્યો.

‘ટપાલ તો મળી હશે’ મેં કહ્યું.

હા.
આમ તો અમારે સવારના મેલમાં જ નીકળવું હતું. પણ અમારે આ ગોકળભાઇનાં ભાભીને ગાયે પછાડ્યાં એમાં…

વાતમાં કંઇક પોતાને સ્પર્શતો તંતુ વણાયો એથી મારા ચાલુ વાક્ય દરમિયાન ગોકળે મારી વાતને સમર્થતી હા ભણી. ને પછી કાનજીભાઇ પછડાયેલી ભાભી વિશે કંઇક સમભાવપૂર્વકની પૂછપરછ કરશે એ અપેક્ષાએ એમના સામે જોયું. પણ કાનજીભાઇએ એકદમ મારા પર નજર ભોંકીને કહ્યું: ઠીક ઠીક, જે હોય તે, પણ હવે તમારો શું વિચાર છે?

‘કેમ છો, કેમ નહીં’ની મતલબના કેટલાક શબ્દો જે ગોકળે રસ્તામાં વિચારી રાખ્યા હતા તે આમ પત્તાંના ઘરની માફક ઢગલો થઇ જતાં જોઇને ગોકળ ક્ષુબ્ધ થઇ ગયો હતો. જોકે સ્ટેશનની ટિકિટ બારી આગળ જ મેં કાનજીભાઇ કાળઝાળ માણસ છે (અને કાંતિની ભૂલ તો થઇ જ છે) એ વાતની યાદી આપી હતી. પણ ગોકળનું કહેવાનું એમ હતું કે ઘડ દઇને અસલ વાત પર ન આવી જવું. મેં કહ્યું હતું કે જોઇશું હવે એ તો ત્યાં પહોંચ્યા પછી.

માટીના ભીંતડાવાળી બારીમાં ફરીથી ઝાંખી સ્ત્રી-આકૃતિ આવીને ગોઠવાઇ ગયેલી મને દેખાઇ. એની હાજરીનું મારી હાજરી સાથે જાણે કે સંધાન થયું હોય એમ હું જરા નરમ પડી ગયો. ડઘાઇ જઇને કાનજીભાઇ સામે જોઇ રહેલા ગોકળનું ધ્યાન હું એ તરફ દોરવા માગતો હતો, પણ કાનજીભાઇ મારી સામે તાકી રહ્યા હતા. એમણે ફરીથી કહ્યું, બોલો બોલો, મનમાં જે હોય એ બોલી નાખો એટલે નિકાલ આવે.

‘નિકાલ’ બોલીને કાનજીભાઇએ જાણે કે હવામાં એક ધ્રાસકો અમને સ્પર્શવા માટે તરતો મૂક્યો. મેં ઉધરસનું એક ઠસકું ખાધું. ગોકળની નજીક થોડો સર્યો અને કહ્યું, ‘જુઓ મુરબ્બી, અમે અહીં કંઇ ઝઘડો કરવા નથી આવ્યા’- બોલ્યા પછી મને થયું કે હું અણધાર્યુ જ સરસ વાક્ય બોલ્યો હતો.

ના ના; તો તમારું કહેેવું એમ જ છે ને કે ઝઘડો તો અમે જ શરૂ કર્યો છે! -કાનજીભાઇ અવાજને ઘેરો બનાવીને બોલ્યા. ગોકળની આસપાસ એ અવાજે ભરડો લઇ લીધો હોય એમ એણે અભરાઇને મારી સામે જોયું. હું કંઇ એટલો બધો ગભરાયો નહોતો એથી એને જરા શાંતિ થઇ. મેં કહ્યું, એવું કંઇ અમે ક્યાં કહીએ છીએ? અમે તો તમારો વિચાર જાણવા માટે જ આવ્યા છીએ.

અમારો વિચાર તો એટલો જ કે… એમના ચહેરા પર એકદમ તપારો છવાઇ ગયો. અમે બન્ને એમની સામે જોઇ રહ્યા. એ પોતાનો વિચાર બોલવા માંડ્યા, એમના મોંમાંથી નીકળતા શબ્દો સીધેસીધા ઝીલી લેવા માટે અમે જાણે કે બેઠા હોઇએ એમ અમે કાન કરવા કર્યા. રખેને એમના કહેવામાંથી કોઇ અગત્યનો શબ્દ સાંભળવો ચૂકી જવાય! કાનજીભાઇએ કેટલીક વાર સુધી સતત કશુંક બોલ્યે રાખ્યું. ભૂતકાળની કેટલીક સિદ્ધિઓને એમણે પોતાની શક્તિઓ સાથે સંબંધિત બતાવી. એમણે એમ પણ કહ્યું કે અમુક કિસ્સાઓમાં પોતે વચ્ચે ન પડ્યા હોત તો ગામના માણસો સામેવાળાઓનાં હાડકાં ભાંગી નાખત, માથું રંગી નાખત અથવા દુનિયાના પટ પરથી ભૂંસી નાખત માથું રંગી નાખત અથવા દુનિયાના પટ પરથી ભૂંસી નાખત એવો એમનો છાકો હતો. હું (અને કદાચ ગોકળ પણ) ન ઓળખતો હોઉ એવા કોઇક ગિરધરભાઇ, કડવાભાઇ, ડાહ્યાભાઇ, ભનકી વગેરેના મામલાઓમાં એમના એક ઇશારે આવું બધું થઇ પણ ચૂક્યું હતું આવું બધું બોલાઇ ગયા બાદ એમની સમર્થતાનો સ્વીકાર કરતી હોય એવી દષ્ટિથી મેં એમની સામે જોયું. ત્યારે એમણે વાત સ્વીકારીને કહ્યું કે, બોલો, હવે શું કહેવું છે તમારે?

જાળિયામાં હવે બે સ્ત્રી-આકૃતિઓ ફ્રેમમાંના ચિત્રની માફક ગોઠવાઇ ગઇ હતી. ગોકળનું ધ્યાન પણ હવે એ તરફ ગયું હતું. એ બન્ને સ્ત્રીઓ હવે અમારા- મારા બોલવાની ઉપહાસ-ભૂખી રાહ જોઇ રહી એવું મેં મનમાં ધાર્યું.

હું જરા મૂંઝાયો અને પછી અત્યાર સુધી માત્ર ખાટલીમાં બરાબર ન બેસી શકવાને કારણે જ હું સામે હરફ ન ઉચ્ચારી શક્યો હોઉ એમ હું ખાટલીમાં બરાબર ભીંતને અઢેલી બેઠો… ને ઉધરસું કસકું ખાઇને બોલવાની શરૂઆત કરવા ગયો પણ ઘડી પહેલાં કાનજીભાઇએ ઉચ્ચારેલાં વાક્યો હજુ હવામાંથી વિલીન ન થઇ ગયાં હોય અને એ વાક્યોની બનેલી એક આભા કાનજીભાઇના લાલ થઇ ગયેલા ચહેરાની આસપાસ રચાઇ ગઇ હોય એવું મેં અનુભવ્યું. બોલ્યા તેનાથી પણ વધુ અસરકારક એવું કશુંક બોલવાનું હજુ બાકી હોય એવું એમનું મોં થઇ ગયું હતું. ગોકળ કંઇક બોલવા ગયો ત્યાં વળી કાનજીભાઇ બોલ્યા, ચા તો પિયો છો ને બેય?

અમારા ગામમાં અમે પણ કોઇક ચિમનભાઇ, મગનભાઇ કે દીપચંદભાઇના બનાવોમાં કેવો તટસ્થતાપૂર્વક ભાગ લીધો હતો અને મારામારીઓ અટકાવી હતી તે વિશે નમ્રતાપૂર્વક કેટલાંક વાક્યો બોલવાની મને અધીરાઇ ઊપડી આવી હતી, ત્યાં જ કાનજીભાઇનો ચા વિશેનો માત્ર હા અથવા ના માં જવાબ દેવો પડે તેવો સવાલ આવી પડવાથી હું જરા ગોટવાયો. મેં ગોકળની સામે જોયું. ત્યાં એણે બારણાંની દિશામાં જોઇને કોઇ સામે આવકારસૂચક હાથ ઊંચો કર્યો. મેં એ તરફ જોયું તો એક ડોશી અને પલળીને લબદો થઇ ગૄ હોય તેવી દેખાતી મૂછોવાળો એક માણસ અંદર પ્રવેશ્યો. કાનજીભાઇ આવો ‘માસી’ અને આવો ‘કાકા’ બોલ્યા પછી જાળી તરફ નજર લંબાવીને જરા જોરથી બોલ્યા કે સાંભળ્યું? બે-ત્રણ કપ ચા વધારે મૂકજો.

બાકીનીઽ ફ્રેમમાં ગોઠવાયેલી આકૃતિઓ ખળભળીને પાણીમાં ખોવાઇ જતા પ્રતિબિંબની માફક અદશ્ય થઇ ગઇ.

આવનારાં બંને અમારા આગમન વિશે ક્યાંકથી અગાઉથી વિગતવાર સાંભળીને આવ્યાં હોય તેમ અમારા તરફ જીવતી દષ્ટિથી જોઇ રહ્યાં. ધીરે ધીરે ડોશી કપાળે હાથનું નેજવું કરતાં નજીક આવ્યાં. ક્ષણેક ગોકળની તરફ ટીકીને જોયા પછી બોલ્યાં કે ‘તું તો હંસરાજ ભાઇનો છોકરો ને?’

હા, હો, ગોકળ જરા હરખાયો, તમે ઓરખો માડી?

નો ઓરખું તયેં? ડોશી બોલ્યાં. તારો બાપો અને હંસરાજભાઇ…

એટલે તો… કાનજીભાઇનો અવાજ ફરી ઓરડા વચ્ચે ફંગોળાયો, એટલે તે આટલી માથાઝીંક કરી એમની હારે… નકર આવાં છોકરાંવ તો…

એકાએક જાણે કે ગોકળના મૃતપિતા અમારી વચ્ચે આવીને બેસી ગયા હોય એમ મને લાગ્યું. (કાનજીભાઇ જેવા સામે તો એ જ ઝીંક ઝીલી શકે.) હું જરા સંરક્ષાયો હોઉં એમ બોલ્યો, એમાં માથાઝીંકનો સવાલ જ નથી. કાનજીભાઇ, તમે અમારી વાત તો પૂરી સાંભળો.

સમજીને જ બેઠા છીએ આયાં તો. તમે શું કહેવા માગો છો ઇ કોની! -વચ્ચે જ લબદા મૂછોવાળો માણસ ઘોઘરા અવાજે બોલ્યો. બીડી સળગાવી ને પછી એ કાનજીભાઇ સામે કદરભૂખી નજરે જોઇ રહ્યો.

ચા આવી. પીવાતી હતી તે દરમિયાન કાનજીભાઇના હજુ પણ ન બોલાયા હોય એવા શબ્દો મારા પર ઝળૂંબી રહ્યા હોય એમ અનુભવ્યા કર્યું. ચા પી લીધા પછી ક્ષણિક આલંબન માટે મેં ગોકળ ભણી જોયું. પણ હજુ એના ચહેરા પરથી ઘડી પહેલાં સજીવન થયેલી ઓળખાણનો રાજીપો સુકાયો નહોતો. આખરે હવે મારા બોલવાની જ રાહ જોવાતી હોય એમ મને લાગ્યું. ધીરેધીરે, ડરતાંડરતાં, મેં કાનજીભાઇની સામે જોઇને કહ્યું. અમે તો એટલા માટે જ આવ્યા છીએ કે…

બોલો બોલો એમણે બીડી સળગાવતાં કહ્યું, કાંતિલાલે તમને શું પઢાવીને મોકલ્યા છે?’

‘કંઇ નહીં’ મેં કહ્યું: અમે તો તેડવા…

તેડવા? ક્યારે?

મારાથી અચાનક બોલાઇ જવાયું: તમે કહો ત્યારે.

કાનજીભાઇ ચમકયા. હોઠ તરફ બીડીને લઇ જતાં અટકીને એ બોલ્યા, હું તો કહું છું કે અબઘડી જ તેડી જાવ. બોલો છો તૈયાર?

હું મૂંઝાયો. ગોકળ તરફ જોયું તો એ મારા તરફ જોતો કે કાનજીભાઇવાળો સવાલ એ પોતે જ મને ફરીથી પૂછતો હોય…! ત્યાં ફરીથી કાનજીભાઇના શબ્દો મારા કાને અથડાયા તમ તમારે તેડી જાવ અત્યારે જ. પછી જોઉં છું કે તમે બધાય એને કેવીક દુ:ખી કરો છો! આયાં કોઇ કાચી માટીના નથી એટલું યાદ રાખજો.

‘હં’ મૂછોવાળા માણસે બીડી ઓલવતાં કહ્યું, ઇ યાદ રાખજો.

‘કાં તમારા મનમાં જે પાપ હોય ઇ કઇ દિયો’ ડોશી સમજાવટ ભરેલા સ્વરે બોલ્યાં.

પાપ-બાપ કંઇ નથી. મેં કહ્યું, અમે તો તેડવા જ આવ્યા છીએ.

પણ ના કોણ પાડે છે? કાનજીભાઇ ઊછળીને બોલ્યા, અત્યારે જ તેડી જાવ, કહું છું. બોલાવું? …પછી બારણાં તરફ જોઇને મોટે અવાજે બૂમ પાડી, સુમી… એ… સુમી… આંહીં આવ તો…

તરત જ બારણામાં સુમિત્રા પ્રગટ થઇ. અમે બન્ને ફાટી આંખે એની સામે જોઇ રહ્યા. એણે અછડતી અમારા તરફ જોઇને તરત જ કાનજીભાઇ તરફ આંખ માંડી. કાનજીભાઇ બોલ્યા. તારા સાસરેથી તને આ બેય તેડવા આવ્યા છે. જલદી તૈયાર થઇ જા. – પછી ઉમેર્યું. જોઉં છું હવે એ બધાંજ તને કેવીક દુ:ખી કરી શકે છે.

જાઇશને માડી? ડોશી એની નજીક ગયાં અને પૂછ્યું. શું કામે નો જાઉં? સુમિત્રા ધીરેથી બોલી.
તયેં હાઉ. બાકી મૂંઝાવું નહીં, તારો બાપ બાર વરહનો બેઠો છે.

થોડી પળો મૌન છવાઇ રહ્યું.

કાનજીભાઇ ધગધગતી નજરે અમારા તરફ તાકી રહ્યા. એમનો ઉકળાટ આખા ઓરડામાં વ્યાપી રહ્યો હોય એમ મને લાગ્યું. આથી આગળ જાણે કે કશું જ બાકી ન હોય એમ મને લાગ્યું. આથી આગળ જાણે કે કશું જ બાકી ન હોય એમ ગોકળ ખાટલી ખોડાઇ રહ્યો.

થોડીય ક્ષણો જવા દીધા પછી મેં ધીમેથી કહ્યું, અમે એટલા માટે તેડવા આવ્યા હતા કે… કે… કાંતિને લોહીનું કેન્સર થયું છે.

-ને – અણધારી રીતે ગોકળે અધીરાઇથી કહ્યું, એને બે-ત્રણ દી’માં મુંબઇ લઇ જવો પડે એમ છે. દાક્તર કહેતા હતા કે છૂટકો નથી.
એટલે?
‘સાચું કહું છું’ હું બોલ્યો, અને એમની આંખમાં જોયું. હવે આ ગઇગુજરી ભૂલી જવાનો ટાઇમ છે.

ફરી વાર શાંતિ છવાઇ ગઇ. ડોશી ખુલ્લા હોઠ કરીને અમારા અને કાનજીભાઇ તરફ જોવા માંડ્યા.

‘સુમે’ થોડીવારે કાનજીભાઇ જરા ઢીલા અવાજે બોલ્યા, તું અંદર જા.

સુમિત્રાએ અમારી સામે બોલતી નજરે જોયું… ને પછી બંગડીનો થોડો ખખડાટ કરતી અંદર ચાલી ગઇ. કાનજીભાઇએ અમારી તરફ જોયું. કશુંક કહેવા માગતા હોય એમ મોં કર્યું પણ કહ્યું નહીં. એમની ખાલી ઉધરસનો અવાજ ઓરડામાં પછડાઇ રહ્યો. પછી એ ધીમેથી બોલ્યા, – બોલતાંબોલતાં એ જાણે કે સાવ ખાલી થઇ ગયા હોય, છેલ્લું જ વાક્ય બોલતા હોય એમ બોલ્યા, કાંતિલાલની તબિયતની ખબર લખજો’- ને પછી નિ:સહાયની જેમ અમારી સામે તાકી રહ્યા.

મેં જોયું તો લબદા મૂછોવાળો દાંત ખોતરી રહ્યો હતો, અને ડોશી મડદાની જેમ નિષ્યલક ભોંય સામે જોઇ રહ્યાં હતાં.

એ એક લથડાતી દષ્ટિ મેં બારી તરફ ફેંકી. તરત સુમિત્રા છળી ગઇ હોય એમ બારી તરફ પીઠ કરીને ઊભી રહી ગઇ.

એકાએક મને લાગ્યું કે મોરચા સમેટાઇ ગયા હતા. અમે ખાટલીમાંથી ઊઠયા. ઉંબરા બહાર પગ દીધો પછી ડાઘુની માફક રસ્તા પર મૂંગા મૂંગા ચાલવા લાગ્યા.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button