રિયલ લાઈફના રહસ્યનો સિનેમા ફિક્શન થકી ઉકેલ મળે ખરો?
સિનેમામાં વાસ્તવિકતા અને કલ્પનાના મિશ્રણનો એક નવો પ્રકાર
શો-શરાબા -દિવ્યકાંત પંડ્યા
સત્ય ઘટના પર આધારિત’ કે પછી બેઝડ ઓન રિયલ લાઈફ ઈવેન્ટ્સ’ એવું આપણે ઘણી મૂવીઝ માટે જોતા કે સાંભળતા હોઈએ છીએ, પણ આજે આપણે વાત કરવી છે એવી બે વાસ્તવિક ઘટનાની કે જેનો પ્રયોગ સિનેમામાં ખૂબ જ અલગ રીતે કરવામાં આવ્યો છે. એ વાસ્તવિક ઘટનાઓ અને સિનેમામાં એટલી રોચકતા છે કે સિનેમામાં વાસ્તવિકતા અને કલ્પનાના મિશ્રણનો એક નવો જ પ્રકાર જોવા મળ્યો છે.
ડીબી કૂપરનું નામ સાંભળ્યું છે? ડીબી કૂપર એટલે એક એવો ક્રિમિનલ માસ્ટરમાઈન્ડ કે જેને પકડી જ નથી શકાયો. તમે કહેશો કે અરે, એવા તો ઘણા ક્રિમિનલ્સ હશે કે જેમને પકડી નથી શકાયા ..
ડીબી કૂપરના ગુનાની સાલ છે ૧૯૭૧. જેમને ડીબી કૂપર અને એના ગુના વિશે ખબર હશે એ જાણતા હશે કે એના કિસ્સાનું રહસ્ય શું છે.
બન્યું હતું એવું કે ૨૪ નવેમ્બર ૧૯૭૧ની સાંજે ડીબી કૂપર નામના એક માણસે પોર્ટલેન્ડથી સિએટલ જતા બોઇંગ ૭૨૭ એરક્રાફ્ટને હોસ્ટેજ બનાવી લીધું હતું. જો કે સામાન્ય સંજોગોમાં જેમ હાઇજેક થાય છે એમ નહીં. પ્લેનન અન્ય પેસેન્જર્સને ખબર પણ નહોતી પડી કે એમને હોસ્ટેજ રાખવામાં આવ્યા છે. કારણ એ કે ડીબી કૂપરે માત્ર ફ્લાઇટ અટેન્ડન્ટ ફ્લોરેન્સ શાફનર સાથે જ ચિઠ્ઠીથી વાત કરી હતી કે એની પાસે બોમ્બ છે અને એની ડિમાન્ડ છે બે લાખ ડોલર્સ કેશ અને ચાર પેરાશૂટ્સ. પ્લેન સિએટલ ઊતર્યું ને એની ડિમાન્ડ પૂરી થઈ. પેસેન્જર્સ ઊતર્યા પછી વધારાનું ફ્યુઅલ ભરાવીને એણે પ્લેનને ફરી ફ્લાઈ કરવા કહ્યું. પ્લેન ઊડ્યું એ પછી કેબિન ક્રૂને કોકપીટમાં લોક કરીને એ વખતના પ્લેન્સમાં આવતા પાછળના ભાગના નીચેની સીડીવાળા દરવાજાથી રાતના અંધારામાં, ખરાબ હવામાનમાં અને એ પણ બરાબર જંગલ વિસ્તારની ઉપર જ એ કૂદીને ગાયબ થઈ ગયો હતો…!
જો કે, ઇન્વેસ્ટિગેશન ટીમનું દ્રઢપણે માનવું હતું કે આટલી ઊંચાઈથી પેરાશૂટ સાથે પણ તે જંગલ કે પાણીમાં પડીને જીવિત રહી શકે જ નહીં. એ પછી દાયકાઓ સુધી એની શોધખોળ ચાલી અને અનેક કહાનીઓ અને સમાચારો બનતા રહ્યા કે એનું શું થયું, પૈસાનું શું થયું, એ જીવિત રહ્યો કે મરી ગયો ….. હા, એને આપવામાં આવેલી ખંડણીની રકમમાંથી થોડીક કરન્સી મળી આવી હતી ખરી, પણ એ ખુદ કયારેય મળ્યો નહીં.
આજ દિન સુધી એ ઘટનાની પહેલાં કે પછી ડીબી કૂપર નામના એ માણસનું શું થયું એ વિશે એક પ્રશ્નાર્થ જ રહ્યો છે….
આવી રહસ્યમય ઘટનાને માર્વેલ સ્ટુડિયોઝે’ વણી લીધી છે પોતાના શો લોકી’માં. થોડા સમય અગાઉ ’માર્વેલ સિનેમેટિક યુનિવર્સ’ના સુપરહીરો પાત્ર લોકીના વેબ -શોની બીજી સિરીઝન રિલીઝ થઈ છે. અને આ ડીબી કૂપરની ઘટના આવે છે તેની પહેલી સિઝનમાં. એના રહસ્યનો કઈ રીતે પરફેક્ટ પ્રયોગ આ શોમાં કરવામાં આવ્યો છે એ જાણવું રસપ્રદ છે.
લોકી’ એટલે ગોડ ઓફ મિસચીફ’ . એ લોકોને ભ્રમિત કરી શકવાનો સુપરપાવર ધરાવે છે. ૨૦૧૯માં રિલીઝ થયેલી એવેન્જર્સ: એન્ડગેમ’માં ૨૦૧૨ના લોકીને ટાઈમ ટ્રાવેલના એક દ્રશ્યમાં બતાવવામાં આવે છે , જ્યાંથી લોકી ભાગી છૂટવામાં સફળ થાય છે, પણ એને પકડી લે છે ટાઈમ વેરિઅન્સ ઓથોરિટી’ (ટીવીએ૦. અને ટીવીએ અપરાધી લોકીની ઊલટતપાસમાં એના જીવનની અનેક ઘટનામાંથી ઓફિસર મોબિયસને જાણવા મળે છે કે લોકી એટલે જ ડીબી કૂપર….! કર્યું છે ને કમાલનું કનેક્શન?
એક કાલ્પનિક સુપરહીરો પાત્ર કે જે ગમે ત્યારે ગમે તે બની શકે. અને એક વાસ્તવિક અપરાધી કે જેના વિશે એક ગુના સિવાય દુનિયાને કોઈ જ નક્કર માહિતી નથી. અફકોર્સ, લોકી ડીબી કૂપર નથી, કેમ કે આપણને ખબર છે કે એક વાસ્તવિકતા છે ને બીજી કલ્પના એટલે કે ફિક્શન છે. આમ છતાં, સાથે એ પણ વિચારો કે જો બંને વાસ્તવિકતા કે બંને કલ્પના હોત તો?
ખેર, સિઝન એકમાં લોકી પણ ડીબી કૂપરની જેમ જ બોઇંગ ૭૨૭માં પેસેન્જર બને છે. ફ્લાઇટ અટેન્ડન્ટ ફ્લોરેન્સ સાથે
ચિઠ્ઠીથી વાતચીત કરે છે અને પ્લેન હાઇજેક કરે છે ને એ પણ ખંડણી પણ વસૂલે છે અને પેરાશૂટની મદદથી કૂદકો મારે છે…. અને અહીં છે આ નવતર સિનેમા પ્રયોગની મહત્વની કડી. ડીબી કૂપરના વાસ્તવિક રહસ્ય સાથે જોડાય છે લોકીની કલ્પના. લોકી પોતાના પ્રદેશ એસગાર્ડના બાઇફ્રોસ્ટ એટલે કે ગમે ત્યારે ગમે ત્યાંથી ગમે ત્યાં પહોંચી શકવાની તાકાતથી આકાશમાંથી જ ગાયબ થઈ જાય છે. છે ને આ જોડાણ એક નવો જ પ્રકાર?!
મનોરંજન દેવની કૃપાથી આ જ સિલસિલાને ચાલુ રાખતાં માર્વેલે’ હમણાં લોકી વેબ-શોની બીજી સિઝન રિલીઝ થઈ તેમાં પણ ડીબી કૂપર જેવી જ બીજી એક વાસ્તવિક ઘટનાને પણ ફિક્શન સાથે જોડીને દર્શકોને મજા કરાવી છે. સિઝન- ૨માં પણ પહેલી સિઝન જેમ જ એક રહસ્યમય ઘટનાનો સમાવેશ કરવામાં આવ્યો છે.
૧૧ જૂન ૧૯૬૨ની રાતે ફ્રેન્ક મોરિસ નામનો એક અપરાધી કેલિફોર્નિયા- અમેરિકાના અલ્કાટ્રાઝ ટાપુ પર આવેલી જેલમાંથી બે સાથીદાર સાથે બહુ જ ચતુરાઈપૂર્વક છટકી ગયો હતો. એણે અલગ-અલગ ચીજોની મદદથી અને કેટલાય દિવસોની મહેનતથી એમના જેવા જ ત્રણ ચહેરાઓ બનાવીને ચોકીદારોને ગફલત થાય એ માટે ત્રણેની પથારીમાં મૂક્યા હતા. હકીકતે જેલ વટાવ્યા પછી પણ એ ટાપુ પરથી ભાગવું અશક્ય છે કેમ કે ચારો તરફ ઊંડું અને ઠંડુ પાણી જ પાણી છે અને બહારની કોઈ જ મદદ વિના દૂર કિનારે પહોંચવું અશક્ય છે, છતાં ફ્રેન્ક અને એના સાથીદારો માત્ર ભાગી છૂટ્યા હતા એટલું જ નહીં, પણ ડીબી કૂપરની જેમ જ એમની પણ કદી કોઈ જ ભાળ મળી નથી. આ ઘટનામાં પણ ઇન્વેસ્ટિગેશન ટીમનું એ જ માનવું હતું કે એ ત્રણે ઠંડા પાણીમાં ડૂબી મર્યા હશે. જો કે એમની લાશ પણ આજ સુધી કોઈના હાથ આવી નથી. અને આ સિઝન- ૨માં આ જ વાસ્તવિક ઘટનામાં એન્ટ્રી થાય છે લોકીની. આ વખતે લોકી ફ્રેન્ક નહીં, પોતાના જ પાત્રમાં છે, પણ ફ્રેન્કને એ પોતાની સાથે ટીવીએ’ પાસેથી મળેલા પાવરની મદદથી લઇ જાય છે અને ફ્રેન્ક ત્યાંથી ગાયબ થઈ જાય છે….
આ પણ વાસ્તવિકતા અને કલ્પનાનું નવા જ પ્રકારનું રસપ્રદ કનેક્શન છે. સિનેમા છે ત્યાં સુધી કલામાં આવું નાવીન્યભર્યું સર્જન થતું જ રહેવાનું!
લાસ્ટ શોટ
ડીબી કૂપરનું પ્લેન ટિકિટમાં નામ ડેન કૂપર હતું, પણ અખબારમાં આ ઘટના વિશે લખતી વખતે એક પત્રકારે ભૂલમાં ડેનના બદલે ડીબી’ લખી નાખ્યું. બસ, ત્યારથી એના વિશે આ જ નામે લખાતું રહ્યું છે.