પુરુષ પાત્રોની મનોરંજન એક્સપ્રેસ
ફોકસ -મનીષા પી. શાહ
બોલીવુડ માટે હળવી ગતિએ ચૂપચાપ કંઈક સારું થઈ રહ્યું છે. ‘ટ્વેલ્થ ફેઇલ’, ‘આર્ટિકલ ૩૭૦’, ‘લાપતા લેડિઝ’ બાદ ‘મડગાંવ એક્સપ્રેસ’ને મળેલો પ્રતિસાદ ક્ધટેન્ટની સર્વોપરીતા સાબિત કરે છે. સ્પષ્ટ અને ફેસવેલ્યુ વગરની સારી ફિલ્મો ચાલે છે એ આવકાર્ય સ્થિતિ ગણાય. ભલે મોટામાથા ૧૦૦-૨૦૦-૩૦૦ કરોડની બ્લાઈન્ડ ગેમ રમે, જીતે કે ઊંધા માથે પછડાય. ઉપર લખેલી ચાર ફિલ્મમાં કોઈ મોટા સ્ટાર નથી, પ્રમાણમાં નવા ચહેરા નથી અને ત્રણમાં તો નવા દિગ્દર્શક છે અચ્છે દિન આ રહે હૈ, સચમુચ?
‘મડગાંવ એક્સપ્રેસ’ને સ્લીપર હિટ કહી શકાય. આથી સૌથી સરપ્રાઈઝ ગિફ્ટ છે કુણાલ ખેમુ. આ ફિલ્મમાં તે લેખક, દિગ્દર્શક, ગીતકાર અને અભિનેતા (પણ મહેમાન કલાકાર) તરીકે હાજર છે. કહી શકાય કે એના વ્યક્તિત્વના નવા પાસા સફળતા પૂર્વક સામે આવ્યા છે.
વાર્તા નથી છતાં લખાણ-માવજતમાં તાજગી છે. બાળપણના ત્રણ ગોઠિયાની વરસોથી ઈચ્છા છે કે એકવાર ગોવા જવું અને ખૂબ ધમાલ મસ્તી કરવી. વરસો બાદ આ સપનું પૂરું થવામાં છે, ત્યાં એક પછી એક વિઘ્ન આવે છે. એ ટર્ન-ટ્વીલ્ટ્સમાં ખૂબ વધી મસ્તી-રમૂજ એટલે ‘મડગાંવ’ એક્સપ્રેસ. સિનેમાના અભ્યાસુઓને આમાં કુણાલની જ વેબ-ફિલ્મ ‘લૂંટકેસ’ અને અંગ્રેજી ફિલ્મ ‘પાઈનેપલ એક્સપ્રેસ’ની છાંટ દેખાઈ આવશે. આમ છતાં ‘મડગાંવ એક્સપ્રેસ’નું મનોરંજન હોવાનું મહત્ત્વ લેશમાત્ર ઘટી જતું નથી.
આ ફિલ્મમાં દર્શાવાયેલા મેલ બોન્ડિંગ આમે ય ભૂતકાળમાં પસંદ કરાયું છે. આના શ્રેષ્ઠ ઉદાહરણ એટલે ‘દિલ ચાહતા હૈ’, ‘અંદાજ અપના અપના’ અને ‘થ્રી ઈડિયટ્સ’. ત્રણ ભાઈલોગની કેમિસ્ટ્રી કેવી અફલાતૂન રીતે દર્શાવી આવી હતી કે પ્રેક્ષકો આજેય ભૂલી શક્યા નથી. કંઈ હદે ઑલ ટાઈમ ફિટ અને એવરગ્રીન ‘શોલ’ પણ એ શ્રેણીમાં મૂકી શકાય. વધુ વિચારીએ તો ‘કુછ કુછ હોતા હૈ’, ‘જિંદગી ના મિલેગી દોબારા’, ‘કલ હો ના હો’, ‘રંગ દે બસંતી’, ‘વેક અપ સિડ’, ‘રોક ઓન’, ‘ઝંંકાર બિટ્સ’, ‘મુન્નાભાઈ એમ.બી.બી.એસ.’ ‘દિલ્લી બેલી’ અને જહોન-અભિષેકની ‘દોસ્તાના’ યાદ આવે. કંઈક અંશે ‘ધૂમ’ સિરીઝની પહેલી બે ફિલ્મ પણ આ બધાની સાથે મૂકવી ગમે.
આ બધી ફિલ્મોની વિશષ્ટતા પાત્રો અને વાર્તામાં હતી. શું હતું વાર્તામાં? બાળપણથી યુવાનીની મુસાફરી, એમાં જોયેલાં સપનાં, જોયેલી ચાહત અને રાખેલી અપેક્ષા. આ બધી લાગણી-માગણીઓનું સાકર થતાં-થતાં તૂટવું. એક-એક માનવીના કોઈકને કોઇક સપના હોય, ઈચ્છા હોય, મહત્વાકાંક્ષા હોય ને હોય જ. એટલે નાયક સાથે પોતાને આઈડેન્ટીફાય કરે, એનામાં પોતાનું પ્રતિબિંબ જુએ. એકદમ ઊબડખાબડ રસ્તા પર થતી આ મુસાફરીમાં પકડાતી ગતિ, લાગતા આંચકા, અનુભવાતા આનંદ અને પછી આવતા આંસુ પ્રેક્ષકોને પોતીકા લાગે. ને એમાં જ ફિલ્મ લેખક દિગ્દર્શક અને આખી ટીમ બાજી જીતી જાય.
પહેલી નજરે મેલ બોન્ડિંગની ફિલ્મ બનાવવી સરળ લાગે, પણ એવું નથી. નહિતર તો બોલીવુડવાળા એની ફેક્ટરી શરૂ કરી દેતા અચકાયા નહોત. અહીં પણ પાત્રોની વિશિષ્ટતા, માનવ-સહજ નબળાઈ અને એના માટે પસંદ કરાતા કલાકારોનું ખૂબ મહત્ત્વ છે. આ બધુ એટલું ધીરજપૂર્વક કરવું પડે કે પ્રેક્ષકો એના પ્રેમમાં પડ્યા વગર ન રહે.
આમેય બદલા, જાસૂસી, પાકિસ્તાન-દ્વેષના બીબાઢાળ અને કાન ફાડી નાખતા ધૂમધડાકા વચ્ચે આવી નાની સારી ફિલ્મમાં બળબળતા રણમાં મળેલી વીરડી અને ઉપરથી થયેલા માવઠા જેવી હૈયાને ટાઢક આપે એ એની સૌથી મોટી અસર.