એકસ્ટ્રા અફેર

કેજરીવાલની ધરપકડ સાથે અમેરિકા-જર્મનીને શું લેવાદેવા?

એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ

દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલને લગતી બે મહત્ત્વની ઘટના ગુરુવારે બની. લિકર એક્સાઈઝ કેસમાં જેલભેગા કરી દેવાયા છે ત્યારે કેજરીવાલે મુખ્ય પ્રધાનપદેથી રાજીનામું ધરી દેવું જોઈએ એવી જાહેર હિતની અરજી થયેલી પણ હાઈ કોર્ટે એ અરજી ફગાવી દીધી. બીજી ઘટનામાં કેજરીવાલના ઈડીના રિમાન્ડ પૂરા થતાં બીજા ચાર દિવસના રિમાન્ડ આપી દેવાયા.

આ બંને ઘટના મહત્ત્વની છે પણ આજે વાત બીજી બે મહત્ત્વની ઘટનાની કરવાની છે કે જેની સાથે અમેરિકા સંકળાયેલું છે. પહેલી ઘટનામાં યુ.એસ. સ્ટેટ ડિપાર્ટમેન્ટ એટલે કે વિદેશ મંત્રાલયના પ્રવક્તા મેથ્યુ મિલરે નિવેદન આપ્યું કે, અમારી સરકાર કેજરીવાલની ધરપકડના મામલામાં નજર રાખીને બેઠી છે અને અમે આશા રાખીએ છીએ કે આ કેસમાં ન્યાયી અને પારદર્શક કાનૂની પ્રક્રિયા હાથ ધરાશે. કેજરીવાલના જેલવાસના સમયગાળા દરમિયાન કાયદા અને લોકશાહીનાં મૂલ્યોનું પાલન કરવામાં આવશે.

અમેરિકા કેજરીવાલની ધરપકડ અંગે નિવેદન આપનારો પશ્ર્ચિમનો બીજો દેશ છે. આ પહેલાં કેજરીવાલની ૨૧ માર્ચે લિકર સ્કેમ કેસમાં તેમના નિવાસસ્થાનેથી ધરપકડ કરવામાં આવી પછી ૨૩ માર્ચે જર્મનીના વિદેશ મંત્રાલયે પણ કેજરીવાલની ધરપકડના પગલે ડહાપણ ડહોળીને કહેલું કે, કેજરીવાલ સામેનો કેસ ન્યાયી અને યોગ્ય રીતે ચાલવો જોઈએ અને કેજરીવાલની ધરપકડ પર અમે નજર રાખીને બેઠા છીએ. ભારત લોકશાહી દેશ છે અને અમને આશા છે કે અહીંની કોર્ટ સ્વતંત્ર રીતે કામ કરશે. કેજરીવાલના કેસમાં લોકશાહીના સિદ્ધાંતોનું પાલન કરવામાં આવશે. કેજરીવાલને કોઈ પણ અવરોધ વિના કાયદાકીય મદદ મળશે અને કોઈ વ્યક્તિ જ્યાં સુધી દોષિત સાબિત ન થાય ત્યાં સુધી નિર્દોષ ગણવાના કાયદાકીય સિદ્ધાંતનું પાલન કરાશે.

બીજી ઘટનામાં અમેરિકામાં રહીને ભારત સામે આતંકવાદ ફેલાવી રહેલા આતંકવાદી સંગઠન શીખ ફોર જસ્ટિસ (જઋઉં) ના ચીફ ગુરપતવંત સિંહ પન્નુને કેજરીવાલ પર જેલમાં હુમલો કરવાની ધમકી આપી છે. સાથે સાથે પન્નુને દાવો કર્યો છે કે ખાલિસ્તાન સમર્થકોએ ૨૦૧૪માં અરવિંદ કેજરીવાલને ૧૩૪ કરોડ રૂપિયા આપ્યા હતા અને એ વખતે કેજરીવાલે ખાલિસ્તાનવાદી આતંકવાદીઓને મદદ કરવાની ખાતરી આપી હતી પણ હવે કેજરીવાલ ફરી ગયા છે.

પન્નુનો દાવો છે કે, કેજરીવાલ ૨૦૧૪માં ન્યૂયોર્કના રિચમંડ હિલ્સ ગુરુદ્વારામાં તેમને મળ્યા ત્યારે ૧૯૯૩ના દિલ્હી બોમ્બ બ્લાસ્ટ કેસમાં ફાંસીની સજા પામેલા ખાલિસ્તાનવાદી આતંકવાદી દેવિન્દર પાલ સિંહ ભુલ્લરને જેલમાંથી મુક્ત કરાવવાનું વચન આપ્યું હતું પણ કેજરીવાલ પોતાના વચનમાંથી ફરી ગયા છે. કેજરીવાલે અમને મદદ તો ના કરી પણ પંજાબમાં આમ આદમી પાર્ટીની સરકાર આવી પછી ઘણા ખાલિસ્તાનીઓને ગેંગસ્ટર ગણાવીને મારી નાખ્યા છે. પન્નુએ વીડિયો મેસેજમાં ધમકી આપી છે કે, કેજરીવાલને જેલમાં મોકલવામાં આવશે પછી જેલમાં ખાલિસ્તાની સમર્થક કેદીઓ તેમની બરાબર ખબર લેશે.

અમેરિકાએ કેજરીવાલ અંગે આપેલા નિવેદનથી છંછેડાયેલી મોદી સરકારના આદેશના પગલે વિદેશ મંત્રાલયે અમેરિકાના ડેપ્યુટી ચીફ ઓફ મિશનને બોલાવીને ખખડાવ્યા છે અને ભારતની આંતરિક બાબતોમાં દખલગીરી નહીં કરવાની ચેતવણી પણ આપી દીધી છે. વિદેશ મંત્રાલયે અમેરિકાને સાફ શબ્દોમાં કહી દીધું છે કે, ભારતમાં કાનૂની કાર્યવાહી અંગે અમેરિકાએ ડહાપણ ડહોળવાની જરૂર નથી. ભારતમાં કાનૂની પ્રક્રિયા સ્વતંત્ર છે અને તેની નિંદા કરવી કે તેની સામે સવાલો કરાય એ જરાય ચલાવી નહીં લેવાય.

ભારતે આ જ વાત જર્મનીને પણ સમજાવી હતી. ભારતે જર્મનીના દૂતાવાસના ડેપ્યુટી હેડને બોલાવીને સાફ શબ્દોમાં ચીમકી આપેલી કે, જર્મનીએ ભારતના આંતરિક મામલામાં દખલ કરવાની જરૂર નથી અને ભારત આવાં નિવેદનોને પોતાની ન્યાયિક પ્રક્રિયામાં હસ્તક્ષેપ માને છે. આ પ્રકારનાં નિવેદનો ભારતના ન્યાયતંત્રની નિષ્પક્ષતા અને સ્વતંત્રતા સામે સવાલો ઊભાં કરે છે તેથી આ બધું નહીં ચલાવી લેવાય. ભારત એક શક્તિશાળી લોકશાહી છે અને ભારતમાં ચુસ્ત રીતે કાયદાનું પાલન થાય છે. બીજા કેસોની જેમ કેજરીવાલના કેસમાં પણ કાયદા મુજબ કાર્યવાહી કરવામાં આવશે તેથી કોઈ પણ પ્રકારનાં મનઘડંત અનુમાન લગાવીને નિવેદનો કરવાની જરૂર નથી.

વિદેશ મંત્રાલયનું વલણ બિલકુલ યોગ્ય છે કેમ કે કેજરીવાલનું શું કરવું એ નક્કી કરવા આ દેશમાં અદાલત બેઠેલી જ છે. ભારતમાં રાજકારણીઓ સત્તાનો દુરુપયોગ કરે છે અને સત્તાનો ઉપયોગ પોતાના હરિફોને પરેશાન કરવા કરે છે તેમાં બેમત નથી. કેજરીવાલની ધરપકડ પણ આ માનસિકતાનો ભાગ હોઈ શકે છે. ભાજપ સરકારે કેજરીવાલને પોતાના રાજકીય ફાયદા માટે જેલભેગા કર્યા એવું માની શકાય પણ કેજરીવાલ ખરેખર દોષિત છે કે નહીં એ ભાજપ સરકાર નક્કી નથી કરવાની. એ કોર્ટ નક્કી કરવાની છે અને કોર્ટ કાયદા પ્રમાણે વર્તે છે.
અમેરિકા અને જર્મની સહિતના દેશો કેજરીવાલ મુદ્દે જે બકવાસ કરી રહ્યા છે એ ડાહી સાસરે જાય નહીં ને ગાંડીને શિખામણ આપે એવી છે. આ દેશો પોતાને ત્યાં ચાલતા લોલંલોલની વાત કરતા નથી ને બીજા દેશોને જ્ઞાન પિરસે છે. અમેરિકા સહિતના પશ્ર્ચિમના દેશોમાં બધું કાયદા પ્રમાણે જ નથી થતું ને તેની ચિંતા એ લોકોએ કરવાની જરૂર છે, ભારતની નહીં.

હવે વાત પન્નુને કરેલા લવારાની કરી લઈએ.

કેજરીવાલની ખાલિસ્તાનવાદીઓ સાથે સાંઠગાંઠની વાત નવી નથી. કેજરીવાલના એક સમયના સમર્થક કવિ કુમાર વિશ્ર્વાસે તો કેજરીવાલ ભારતથી અલગ ખાલિસ્તાન બનાવીને ખાલિસ્તાનના વડા પ્રધાન બનવાનાં સપનાં જોતા હતા એવો આક્ષેપ પણ કરેલો. કેજરીવાલની ખાલિસ્તાનવાદીઓ સાથે મિલિભગત છે એવા આક્ષેપો તો ભાજપવાળા લાંબા સમયથી કરે છે ને ગુરપતવંત સિંહ પન્નુને પણ એ જ વાત કરી છે પણ ખાલી આક્ષેપ કરવાથી કશું સાબિત થતું નથી. એ સાબિત કરવા માટે પુરાવા મૂકવા જોઈએ અને પન્નુને કોઈ પુરાવા મૂક્યા નથી. પન્નુન પોતે જ છાપેલું કાટલું છે ત્યારે પુરાવા વિનાની તેની વાત પર કેટલો ભરોસો કરી શકાય ?

પન્નુનની વાત સાચી હોવાનો દાવો કરનારાંનું કહેવું છે કે, ૨૦૧૪માં અરવિંદ કેજરીવાલે રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીને પત્ર લખીને દિલ્હી બોમ્બ બ્લાસ્ટના દોષિત દેવિંદર પાલ સિંહ ભુલ્લરને માફ કરીને છોડી મૂકવાની માગ કરી હતી. કેજરીવાલે ભુુલ્લરને છોડવાની માગ કરી એ યોગ્ય ના કહેવાય પણ એમ તો અકાલી દળના પ્રકાશસિંહ બાદલ અને સુખબીરસિંહ બાદલે પણ ભુલ્લરને છોડવાની માગ કરેલી તો બંને ખાલિસ્તાનવાદી અને દેશદ્રોહી થઈ ગયા? અકાલી દળ એ વખતે ભાજપની નરેન્દ્ર મોદી સરકારમાં ભાગીદાર હતો પણ ભાજપે આ મુદ્દે અકાલી દળ સાથેના સંબંધો તોડ્યા નહોતા તો ભાજપ પણ આ દેશદ્રોહના કામમાં ભાગીદાર થઈ ગયો?

પન્નુન પુરાવા આપે પછી કેજરીવાલ સામે ચોક્કસ કેસ કરી શકાય પણ ખાલી આક્ષેપોનો મતલબ નથી.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Kuno National Park Celebrates Mothers Among Magnificent Mammals રાહુનો મીન રાશિમાં પ્રવેશ કઈ રાશિને ફળશે Bollywood Beauties Captivate as Enchanting Tawaifs Unlock the Power of Tulsi on Akshay Tritiya: Simple Remedies for Abundance & Wellbeing