‘હિરો નંબર વન’ની રાજકારણમાં સેકન્ડ ઇનિંગ શરૂ, શિંદે સેનામાં એન્ટ્રી
મુંબઈ: 90ના દાયકાના સ્ટાર અભિનેતા ગોવિંદાએ રાજકારણમાં વિધિવત રીતે પોતાની બીજી ઇનિંગની શરૂઆત કરી છે અને એ પણ લોકસભાની ચૂંટણીમાં ઝંપલાવી પણ શકે છે. આશરે 14 વર્ષ બાદ રાજકારણમાં પાછા ફરી રહેલા ગોવિંદાએ મુખ્ય પ્રધાન એકનાથ શિંદે જૂથની શિવસેનામાં જોડાઇને રાજકારણના બીજા અધ્યાયની શરૂઆત કરી છે.
ગોવિંદા આ પૂર્વે કૉંગ્રેસ પક્ષ તરફથી સાંસદ રહી ચૂક્યા છે. ગોવિંદા ઉત્તર મુંબઈ બેઠક ઉપર ભાજપના દિગ્ગજ નેતા ગણાતા રામ નાઇકને હરાવ્યા હતા અને સાંસદ બન્યા હતા. પહેલી જ વખત રાજકારણમાં એન્ટ્રી કરીને ભાજપના દિગ્ગજ નેતા રામ નાઇકને હરાવીને ગોવિંદાએ મોટો અપસેટ સર્જ્યો હતો.
પોતે ફરી રાજકારણમાં પ્રવેશવાનું ક્યારેય વિચાર્યું ન હોવાનું કહેતા ગોવિંદાએ જણાવ્યું હતું કે હું 14 વર્ષના લાંબા વનવાસ બાદ ફરીથી રાજકારણમાં આવ્યો છું. આ દરમિયાન તેમણે એકનાથ શિંદેની પ્રશંસા કરતા જણાવ્યું હતું કે એકનાથ શિંદે મુખ્ય પ્રધાન બન્યા ત્યાર બાદ મુંબઈ વધુ સુંદર અને વિકસિત દેખાઇ રહ્યું છે.
આપણ વાંચો: ગોવિંદા સાથે આજે બોલીવૂડની બે બહેનો પણ કરશે CM Shindeની શિવસેનામાં પ્રવેશ?
જો મને તક મળશે તો હું આર્ટ્સ એન્ડ કલ્ચર ક્ષેત્રમાં કામ કરવા ઇચ્છુક છું. ગોવિંદાએ વડા પ્રધાન મોદીના પણ વખાણ કર્યા હતા અને કહ્યું હતું કે ભારતમાં વડા પ્રધાન મોદીના નેતૃત્વ હેઠળ ભારતનો થયેલો વિકાસ અવિશ્વસનીય છે.
મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ પણ ગોવિંદા વિશે વાત કરતા જણાવ્યું હતું કે ગોવિંદા વિકાસ માટે ઊભા રહ્યા છે. તે મોદીજીની વિકાસની નીતિઓથી પ્રભાવિત છે અને ફિલ્મ ઇન્ડસ્ટ્રીના વિકાસ તેમ જ કલ્યાણ માટે કંઇક કરવા માટે તત્પર છે. મને ખાતરી છે કે તે ફિલ્મ ઉદ્યોગ અને સરકાર વચ્ચે એક મહત્ત્વપૂર્ણ કડી બનશે. તે કોઇ પણ જાતની શરત વગર અમારી સાથે જોડાયા છે