હૈદરાબાદ: બુધવારનો દિવસ 17 વર્ષ જૂની આઇપીએલ માટે અભૂતપૂર્વ હતો, કારણકે એમાં ટીમ-સ્કોરનો નવો રેકૉર્ડ રચાયો હતો. આ વિક્રમ આ ટૂર્નામેન્ટની ભૂતપૂર્વ ટીમ અને 2009ની સીઝનની ચૅમ્પિયન ડેક્કન ચાર્જર્સ (ડીસી)ના નવા અવતારવાળી સનરાઇઝર્સ હૈદરાબાદ (એસઆરએચ)ની ટીમે નોંધાવ્યો હતો. બધાએ આ ટીમના બૅટર્સની જબરદસ્ત ફટકાબાજી જોઈ, પણ આ ખેલાડીઓને ખરીદનાર ટીમનાં માલિકો કોણ છે એ વિશે બહુ ઓછા લોકોને જાણ હશે.
‘એસઆરએચ ઑરેન્જ આર્મી’ અને ‘ઇગલ્સ’ તરીકે જાણીતી આ ટીમનો કૅપ્ટન આંતરરાષ્ટ્રીય ક્રિકેટનો છેલ્લા બે વર્ષનો સૌથી સફળ સુકાની પૅટ કમિન્સ છે, જ્યારે કોચ ડેનિયલ વેટોરી છે. હૈદરાબાદની ટીમના ફ્રૅન્ચાઇઝીની માલિકી સન ગ્રુપ પાસે છે. એના ચૅરમૅન અને સ્થાપક કલાનિધિ મારને 2012ની સાલમાં આ ટીમ ખરીદી હતી. કલાનિધિ મારન દેશના ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન મુરાસોલી મારનના પુત્ર છે. તેઓ તામિલનાડુના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન એમ. કરુણાનિધિના પણ નજીકના સંબંધી છે.
કલાનિધિ મારનના નાના ભાઈ દયાનિધિ મારન પણ પ્રધાન હતા. કલાનિધિ મારનની પત્નીનું નામ કાવેરી મારન છે અને તેમને એક પુત્રી છે જેનું નામ કાવ્યા મારન છે. 33 વર્ષની કાવ્યા મારન પિતાના બિઝનેસમાં ખાસ કરીને સ્પોર્ટ્સનો અખત્યાર સંભાળે છે. આઇપીએલના પ્લેયર્સ-ઑક્શન વખતે પણ કાવ્યા મારનની જ હાજરી હોય છે અને હૈદરાબાદની મૅચ વખતે પણ મોટા ભાગે કાવ્યા જ ટીમના માલિકો તરફથી પ્રતિનિધિત્વ કરે છે.
કાવ્યા મારને સાઉથ આફ્રિકાની ટી-20 લીગમાં સનરાઇઝર્સ ઈસ્ટર્ન કેપ નામની ટીમ ખરીદી છે અને એઇડન માર્કરમ એ ટીમનો કૅપ્ટન છે. તમને જાણીને નવાઈ લાગશે કે કાવ્યા મારનની આ સનરાઇઝર્સ ઈસ્ટર્ન કેપ ટીમ સાઉથ આફ્રિકાની ટી-20 લીગમાં પહેલા બન્ને વર્ષ (2023, 2024)થી ચૅમ્પિયન બને છે.
બુધવારે હૈદરાબાદમાં સનરાઇર્ઝ હૈદરાબાદની ટીમના બૅટર્સ મુંબઈના બોલર્સની ધુલાઈ કરી રહ્યા હતા ત્યારે વીઆઇપી સ્ટૅન્ડમાં કાવ્યા મારન બેહદ ખુશ નજરે પડી હતી. ખાસ કરીને તે અભિષેક શર્મા (63 રન, સાત સિક્સર, ત્રણ ફોર), ટ્રેવિસ હેડ (62 રન, ત્રણ સિક્સર, નવ ફોર), હિન્રિચ ક્લાસેન (અણનમ 80, સાત સિક્સર, ચાર ફોર) અને એઇડન માર્કરમ (અણનમ 42, એક સિક્સર, બે ફોર)ના છગ્ગા-ચોક્કા વખતે એકદમ રોમાંચિત થઈ જતી હતી. તે વારંવાર પોતાના બૅટર્સને અને પછી મુંબઈની બૅટિંગ દરમ્યાન પોતાના બોલર્સ અને ફીલ્ડર્સને ચિયર-અપ કરતી જોવા મળી હતી. ક્લાસેન 23મી માર્ચે કોલકાતામાં કેકેઆર સામે આઠ સિક્સર સાથેની 63 રનની તૂફાની ઇનિંગ્સ રમ્યો હતો છતાં જિતાડી નહોતો શક્યો અને કેકેઆરનો હૈદરાબાદ સામે છેલ્લા બૉલે ફક્ત ચાર રનથી વિજય થયો હતો.
બુધવારે હૈદરાબાદમાં ક્લાસેન ફરી ફુલ ફૉર્મમાં હતો અને તેની એક સિક્સર વખતે ટીમની માલિક કાવ્યા મારન બેહદ ખુશ થઈ ગઈ હતી. તે ઊભી થઈને તાળી પાડીને ખૂબ ખુશખુશાલ હતી અને એ મેગા સ્ક્રીન પર તો બતાવાયું જ હતું, એનો વીડિયો પણ વાયરલ થયો છે. ટ્વિટરના એક યુઝરે ટ્વીટમાં લખ્યું, ‘કાવ્યા મારન ઇઝ ધ હૅપીએસ્ટ પર્સન ઇન ધ વર્લ્ડ.’