અમદાવાદની કાળઝાળ ગરમી સામે નાગરિકોને રક્ષણ આપશે પાલિકા અને ટ્રાફિક પોલીસ
અમદાવાદ: સમગ્ર ગુજરાતમાં હાલ તાપનો પારો વધી રહ્યો છે એવામાં લોકો આ ગરમીથી ત્રાહિમામ પોકારી રહ્યા છે અને ગરમીથી બચવા અનેક ઉપાયો કરી રહ્યા છે. બપોરના સમયે લોકો ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે,જો કોઈ કારણસર બહાર જવું પડે તેવામાં ભારે ગરમીથી રાહત આપવા AMC લોકોના વહારે આવ્યું છે
રાજ્યમાં પડી રહેલ કાળઝાળ ગરમીને ધ્યાનમાં લઈ આમદવાદનું વહીવટી તંત્ર નાગરિકોના વહારે આવ્યું છે. AMC દ્વારા હિટવેવ અને ગરમીના પ્રકોપને ધ્યાનમાં લઈ બપોરના સમયે બંધ પડી રહેતા તમામ બાગ-બગીચાઓને ખુલ્લા મૂકવામાં આવ્યા છે.
અમદાવાદની વધતી ગરમીને લઈને આગામી દિવસોમાં AMC ટ્રાફિક પોલીસ વિભાગ સાથે મળીને ટ્રાફિક સિગ્નલનો સમય ૧૨૦ સેકન્ડથી ઓછી રહે તેવી વ્યવસ્થા કરશે. ઉપરાંત અમદાવાદના અમુક વિસ્તારના ટ્રાફિક સિગ્નલને બપોરના ૧૨.૦૦ થી ૪.૦૦ વાગ્યા સુધી બંધ રાખવામાં આવશે. આ વિશેની જાહેરાત આગામી તારીખ ૧૦ એપ્રિલથી ટ્રાફિક પોલીસ દ્વારા કરવામાં આવે તેવી શક્યતા છે.
AMC દ્વારા ટ્રાફિક પોલીસને ૫૦,૦૦૦ ORSનાં પેકેટ વિતરણ કરાયા છે . અમદાવાદ કોર્પોરેશન સંચાલિત અર્બન હેલ્થ સેન્ટરોમાં જો કોઈ લૂ લાગવાના કેસો આવે તો તે દર્દીઓને તાત્કાલિક સારવાર મળે એ માટે આઈસપેક અને ગ્લૂકોઝની બોટલની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.
અમદાવાદનાં કોમ્યુનિટી હેલ્થ સેન્ટરોમાં હીટસ્ટ્રોકના દર્દીઓ માટે વધુ ૫ પથારીની વ્યવસ્થા પણ ઊભી કરાવવામાં આવશે. આમદવાદની સરકારી હોસ્પિટલોમાં ગરમીને લગતી બીમારી તેમજ હીટસ્ટ્રોકના કેસના દર્દીઓને સારવાર માટે પાંચથી છ પથારીની વ્યવસ્થા કરાઈ છે.
નાગરિકોને કાળઝાળ ગરમીમાં રાહત મળેતે માટે AMC દ્વારા તંત્રના કુલ ૨૮૩ જેટલા બાગ- બગીચા બપોરના સમયગાળા દરમિયાન શહેરીજનો માટે ખુલ્લા રહેશે. લોકો આકરી ગરમીથી બચવા માટે બગીચોનો આશ્રય લઈ શકશે. શહેરના બગીચાઓ રાતના ૧૧.૦૦ વાગ્યા સુધી ખુલ્લા રહેશે.
તેમજ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કાર્ય કરતાં સફાઈ કામદારોનો જેઓનો સમય બપોરે ૩:૦૦ વાગ્યાની જગ્યાએ સાંજના ૪:૩૦ વાગ્યાનો કરાશે.