ચીન સામે ભારતે ઉગામ્યું Diplomatic War નું શસ્ત્ર, જાણો શું છે મામલો?
ભારતે પણ ચીન સામે હવે Diplomatic War શરૂ કરી છે અને જેવા સાથે તેવાની નીતિ અપનાવી છે, જેને કારણે ચીન હવે બેકફૂટ પર આવી ગયું છે.
ચીને છેલ્લા એક મહિનામાં ચાર વખત અરુણાચલ પ્રદેશને પોતાનો હોવાનો દાવો કર્યા પછી, ભારતના વિદેશ પ્રધાન જયશંકરે પણ ચીનની દુખતી રગ પર પ્રહાર કરવાનું શરૂ કર્યું છે. ભારતના વિદેશ પ્રધાન તાજેતરમાં ફિલિપાઇન્સના પ્રવાસે હતા. સંસાધન સમૃદ્ધ પ્રદેશ દક્ષિણ ચીન સાગર મુદ્દે ફિલિપાઈન્સ અને ચીન આમનેસામને છે. બંને દેશ આ પ્રદેશ પર પોતાનો દાવો કરે છે. તાજેતરમાં દક્ષિણ ચીન સાગરની આંતરરાષ્ટ્રીય જળસીમામાં ચીનના કોસ્ટ ગાર્ડ દ્વારા ફિલિપાઈન્સના જહાજોને રોકવામાં આવ્યા હતા અને તેમને વોટર કેનન (જળ તોપો) વડે નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું. ભારતે આ મુદ્દે ચીનનો વિરોધ કર્યો છે અને ફિલિપાઇન્સનું સમર્થન કર્યું છે અને “ચીન વિરોધી ક્લબ” માં જોડાઇ ગયું છે. અમેરિકા અને કેટલાક પશ્ચિમી દેશો પણ આ મુદ્દે ફિલિપાઇન્સનું સમર્થન કરે છે.
ભારતે ફિલિપાઈન્સના સાર્વભૌમત્વને સમર્થન આપ્યા બાદ ચીને ભારતના પગલાનો વિરોધ કરતા ભારતને વિવાદિત દક્ષિણ ચીન સાગર પર ચીનના સાર્વભૌમત્વના દાવાઓનું સન્માન કરવા વિનંતી કરી હતી. ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા લિન જિયાને કહ્યું, “સમુદ્રીય વિવાદો સંબંધિત દેશો વચ્ચેના મુદ્દો છે અને કોઇ પણ ત્રીજા પક્ષને આમાં દખલ કરવાનો કોઇ અધિકાર નથી. ચીને કહ્યું છે કે આ દરિયાઈ વિવાદ સંબંધિત દેશો વચ્ચેનો મુદ્દો છે અને તેમાં કોઈ ત્રીજા પક્ષે હસ્તક્ષેપ કરવો જોઈએ નહીં.
હંમેશા અરૂણાચલ પ્રદેશને પોતાનો ભાગ ગણાવતા ચીનની મથરાવટી મેલી છે. પાકિસ્તાનના કબજા હેઠળનું કાશ્મીર (પીઓકે)ભારતનું છે. એ વિવાદીત પ્રદેશ છે. ભારતે હંમેશા ચીનને જણાવ્યું છે કે પીઓકે ભારતનો ભાગ છે, પીઓકેમાં રોકાણ ન કરો, પણ ચીને ભારતની વાત માની નથી અને અહીં રોકાણ કર્યું છે. જ્યારે ચીન ભારતની વાત માનતું નથી તો તે ભારત પાસેથી સમાન વર્તનની અપેક્ષા કેવી રીતે રાખી શકે? ભારત પણ હવે ચીનને જડબાતોડ જવાબ આપવા સક્ષમ છે એનો પુરાવો જયશંકરે દક્ષિણ ચીન સાગર મુદ્દે ફિલિપાઈન્સનું સમર્થન કરીને આપી જ દીધો છે.