Sonam Wangchuk: સોનમ વાંગચુક લદ્દાખની વાસ્તવિકતા દેશ સમક્ષ લાવશે, ‘બોર્ડર માર્ચ’ ની જાહેરાત
લદ્દાખને રાજ્યનો દરજ્જો આપવા માટે આંદોલન ચલાવી રહેલા ક્લાઈમેટ એક્ટિવિસ્ટ સોનમ વાંગચુકે આંદોલનને ઉગ્ર બનાવવાની જાહેરાત કરી છે. બુધવારે તેમણે જાહેરાત કરી હતી કે, ચીન દ્વારા લદાખમાં કથિત અતિક્રમણ સહિત લદ્દાખની વાસ્તવિકતાને ઉજાગર કરવા 7 એપ્રિલે ‘બોર્ડર માર્ચ’ કાઢવામાં આવશે.
લેહ સ્થિત એપેકસ બોડીના સભ્ય સોનમ વાંગચુકે જણાવ્યું કે તેઓ આ ચળવળમાં ગાંધીવાદી અભિગમ અપનાવી રહ્યા છે, જે પ્રદેશના સંવેદનશીલ વાતાવરણ અને તેની વસ્તીના મૂળભૂત ચરિત્રને સુરક્ષિત રાખવા માટે મહત્વપૂર્ણ છે. આ સંસ્થામાં સામાજિક, ધાર્મિક અને રાજકીય સંગઠનોનો સમાવેશ થાય છે.
એક સભાને સંબોધતા, તેમણે કહ્યું, અમે મહાત્મા ગાંધીના સત્યાગ્રહના અનુયાયીઓ છીએ. અમે આ સરકાર દ્વારા તેના મેનીફેસ્ટોમાં કરવામાં આવેલા વચનોને પૂર્ણ કરવાની માંગ કરી રહ્યા છીએ, જેના કારણે ભાજપના ઉમેદવારો લોકસભા ચૂંટણી 2019 અને લેહમાં હિલ કાઉન્સિલની ચૂંટણી (2020) જીત્યા હતા.
સોનમ વાંગચુકે લદ્દાખને રાજ્યનો દરજ્જો આપવાની અને બંધારણની છઠ્ઠી સૂચિમાં પ્રદેશનો સમાવેશ કરવાની માંગ સાથે 21 દિવસના ઉપવાસ કર્યા હતા, મંગળવારે તેમણે ઉપવાસનો અંત લાવ્યો હતો.
સોનમ વાંગચુકે કહ્યું, હવે આદોલનના પ્રથમ તબક્કામાં મહિલાઓ, યુવાનો, ધાર્મિક નેતાઓ અને વડીલો દ્વારા પ્રતિક ભૂખ હડતાળ કરવામાં આવશે. 7 એપ્રિલના રોજ, મહાત્મા ગાંધી દ્વારા કાઢવામાં આવેલી દાંડી કૂચની જેમ અમે ચાંગથાંગ (લેહનો પૂર્વ ભાગ)સુધી કૂચ કરીશું.
તેમણે કહ્યું કે લેહ સ્થિત સંસ્થા લદ્દાખની જમીની વાસ્તવિકતાને ઉજાગર કરવા કૂચનું નેતૃત્વ કરશે. વાંગચુકે આક્ષેપ કર્યો હતો કે દક્ષિણમાં વિશાળ ઔદ્યોગિક પ્લાન્ટ્સ અને ઉત્તરમાં ચીનના અતિક્રમણને કારણે મુખ્ય ગોચર જમીન સંકોચાઈ રહી છે.
તેમણે દાવો કર્યો, પશ્મિના ઊનના ઉત્પાદન માટે પ્રખ્યાત ચાંગથાંગ પશુપાલકોને તેમના પશુઓ વેચવાની ફરજ પડી રહી છે કારણ કે ઉદ્યોગપતિઓએ તેમના પ્લાન્ટ્સ સ્થાપવા માટે 20,000 એકરથી વધુ ગોચર જમીન લીધી છે… અમે અમારા લોકોના કલ્યાણ માટે લડી રહ્યા છીએ. આજીવિકા અને વિસ્થાપનના ભોગે અમારે સૌર ઉર્જા નથી જોઈતી.