પુરુષ

આપણું અપિરિયન્સ જ આપણી એસેટ છે…

…માટે આપણા બાહ્ય દેખાવમાં બેદરકાર રહેવું આપણને ન પાલવે !

મેલ મેટર્સ -અંકિત દેસાઈ

પુરુષને માટે એની પર્સનાલિટી મહત્ત્વનું અંગ છે. એ શું જાણે છે કે એને શું આવડે છે એની ચર્ચા કે પ્રદર્શન તો એણે બહુ પાછળથી કરવાના આવશે. સૌથી પહેલાં આવે છે એનું અપિરિયન્સ! વળી,આ અપિરિયન્સ એટલે કે બાહ્ય દેખાવ પણ બે વાત પર આધાર રાખે છે. એક : એનો દેખાવ અને સુઘડતા. તો બે : એની બોડી લેંગ્વેજ અને એની બોલચાલ! અપિરિયન્સનો જે પહેલો મુદ્દો છે એમાં ય પાછી દેખાવવાળી વાત કુદરત પર આધાર રાખતી હોય છે એટલે એ વિશે આપણે ઝાઝી ચર્ચા કરવાની હોતી નથી, પરંતુ એ મુદ્દાની બીજી વાત સુઘડતા આપણા પર આધાર રાખે છે, કારણ કે કુદરતે ચહેરો સારો આપ્યો હોય કે ખરાબ, પરંતુ સુઘડતાનો અભાવ હોય તો દેખાવડો પુરુષ પણ શોભતો નથી. આમ જો પુરુષે એનું અપિરિયન્સ સુધારવું હોય તો સુઘડ રહેવું એ એની પ્રાથમિક જરૂરિયાત છે. આને લઈને એણે જે પણ કંઈ કરવું પડે એ કરવું જોઈએ. પછી નિયમિત દાઢી કરવાની હોય કે વધારેલી દાઢીને નિયમિત ટ્રિમ કરવાની હોય કે પછી કપડાં અને ફેશન સ્ટેટમેન્ટ સંદર્ભની વાત હોય, કારણ કે જે સુઘડ નથી એની સ્વાભાવિક રીતે ઓછી કે મોડી નોંધ લેવાતી હોય છે. જો કે મોટાભાગના પુરુષ સુઘડતાને લઈને સજાગ તો હોય છે. ક્યારેક જ એવું બને કે કામને કારણે કે સતત રહેતી દોડધામને કારણે એણે બાંધછોડ કરવી પડે, જે એની વધેલી દાઢીમાં કે ચોળાયેલાં વસ્ત્રોમાં જોવા મળે…

આ પછી મુદ્દો આવે છે બોડી લેંગ્વેજ અને બોલવા વિશેનો. આ મુદ્દે મોટાભાગના પુરુષ અત્યંત બેદરકાર હોય છે. એ એમ માનતા હોય છે કે દેખાવમાં સરસ થઈ ગયા પછી આપણે બોડી લેંગ્વેજ-(શરીરના હલનચલનથી ઉદભવતી ભાષા) કે બોલવા વિશે શું ધ્યાન આપવું? આ કારણે જ્યારે પણ એ બીજા સમક્ષ રજૂ થાય ત્યારે સામેવાળો પોતાની નોંધ કઈ રીતે લઈ રહ્યો છે એનું ધ્યાન રાખ્યા વિના ગમે એમ વર્તતો હોય છે. ક્યાં તો એના સરખા ઊભા રહેવાનાં ઠેકાણાં નથી હોતા અથવા તો એ સામેના માણસ સાથે આંખ મિલાવ્યા વિના બોલ્યે જતો હોય અથવા તો પછી એ સામેવાળાની કદર-પરવા કર્યા વિના મોંમાં પાનની ફાંકી કે માવો ખાઈ રહ્યો હોય!

આવા પુરુષને એમ હોય છે કે સામેના માણસ સામે વાત કરતી વખતે વળી આ બધી બાબતનું શું ધ્યાન રાખવું? પરંતુ પ્રોફેશનલ ફ્રન્ટ હોય કે સામાજિક ફિલ્ડ, ત્યાં પુરુષનું અપિરિયન્સ અત્યંત મહત્ત્વ ધરાવે છે. આખરે પુરુષ એની બોડી લેંગ્વેજ-શરીરના હલનચલનને આધારે જ જજ થતો હોય છે અને તે જજમેન્ટને આધારે સામેના માણસ એના માટે એક ચોક્ક્સ મંતવ્ય બાંધતા હોય છે. આવું જ મંતવ્ય સામેનો માણસ ત્યારે પણ બાંધે છે જ્યારે પુરુષ એમની સાથે વાતચીત કરતો હોય છે. બોલતી વખતે પણ મોટાભાગના પુરુષ બેદરકાર હોય છે. એ એમ માનતો હોય છે કે કોઈની પણ સાથે ગાળ દઈને નથી બોલ્યા એટલે આપણે સારું જ બોલ્યા કહેવાય!

હકીકતમાં એવું નથી ભાઈ. ગાળો ન બોલવી કે અભદ્ર કહી શકાય એવા શબ્દપ્રયોગ ન કરવા એ તો ખરું જ, પરંતુ સાથોસાથ જે બોલીએ છીએ એમાં પણ આપણા શબ્દપ્રયોગ કેવા છે એના પર ઘણો આધાર રાખે છે. કેટલાક લોકો ગાળો ન બોલતા હોય તો ય જાણીજોઈને બિટવિન ધ લાઈન્સ ફાલતું વાતો કરતા હોય છે!

કેટલાકને તો એવીય આદત હોય છે કે એ ફાલતું વાતો ન કરતા હોય, પરંતુ શબ્દોની પસંદગી કે આરોહ – અવરોહ નકામા હોય છે. એ વાત કરવાને લઈને એટલા નિરસ હોય છે કે સામેનો માણસ એની જ વાતો પરથી એવું નક્કી કરી લે કે આ માણસ નકામો છે!

જો કે, એમ કંઈ માણસ નકામો નથી હોતો કે થઈ જતો.એ પોતાના અનુભવને લઈને બની શકે માણસ તરીકે પણ અત્યંત ઉત્તમ હોય, પરંતુ માણસનો સ્વભાવ છે કે સામેની વ્યક્તિને એના અપિરિયન્સ કે એની બોલચાલ પરથી પારખવાની આદત હોય છે, જેમાં એ થાપ ખાય છે કે નથી ખાતો એ આપણી ચિંતાનો વિષય નથી, પરંતુ સામેનો માણસ આપણને ઓળખવામાં થાપ ખાશે તો આપણા માટે નુકસાન છે એ વાત નક્કી! અને એટલે જ આપણે માટે આપણું અપિરિયન્સ- બાહ્ય દેખાવ અત્યંત મહત્ત્વનો છે તો એ પછી એને લઈને બેદરકાર રહેવાય ખરું?

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button