ગૃહિણી કે વર્કિંગ વુમન વચ્ચે મહિલાઓનું ધર્મસંકટ
વિશેષ -કવિતા યાજ્ઞિક
તમે જો ઓફિસ અવર્સમાં નિયમિત મુંબઈ લોકલમાં ટ્રાવેલ કરતી મહિલાઓને જોઈ હશે તો કેટલાંક એવાં દ્રશ્યો જોયા હશે, જેને જોઈને તમને કદાચ હસવું આવી જતું હશે. જેમકે, લોકલમાં સીટ પકડવા સાડીનો કછેડો મારીને દોડીને અંદર જતી મહિલા હોય, કે સાંજે ઘરે જતી વખતે ટ્રેનમાં શાક સમારતી મહિલા હોય, અથવા લોકલમાં બેઠાબેઠા બાળકનું સ્વેટર બનાવતી મહિલા હોય.
ભારતમાં મહિલા એટલે પહેલા એક “ગૃહિણી અને તે પછી બીજું બધું, તેવી એક પ્રથા ચાલી આવી છે, જેને મહિલાઓએ પણ સહર્ષ સ્વીકારી છે. તેમના માટે તેમનું ઘર, પતિ, બાળકો અને પતિનો પરિવાર પહેલી પ્રાથમિકતા હોય છે. તે પછી પોતાની કેરિયર અને શોખની વાત આવે. પણ સાથે એ પણ નકારી ન શકાય તેવું સત્ય છે કે મધ્યમ અને નિમ્ન મધ્યમ વર્ગની લાખો મહિલાઓ માટે નોકરી કરવી એ માત્ર શોખ નહીં, પણ જરૂરિયાત સુધ્ધાં હોય છે. તેવા સમયે વર્ક-લાઈફ બેલેન્સ બનાવી રાખવું એ તંગ દોરડા પર કસરત કરવાથી કમ નથી હોતું. ભારતમાં નોકરી કરતી મહિલાઓ માટે તેમના પુરૂષ સમકક્ષોની સરખામણીમાં વર્ક-લાઇફ બેલેન્સ એ મોટી ચિંતા છે, તાજેતરમાં બહાર પાડવામાં આવેલા એક રિપોર્ટનાં તારણો પણ આ વાતની પુષ્ટિ કરે છે.
“વુમન ઇન ઇન્ડિયા ઇન્ક એચઆર મેનેજર્સ સર્વે રિપોર્ટ અનુસાર, ૩૪ ટકા મહિલાઓ વર્ક-લાઇફ બેલેન્સને કારણે નોકરી છોડી દે છે, પરંતુ પુરુષોના કિસ્સામાં માત્ર ૪ ટકા આ સમસ્યાનો સામનો કરે છે. ૨૦૦ વરિષ્ઠ હ્યુમન રિસોર્સ મેનેજર્સના સર્વેક્ષણના આધારે ગોદરેજ ડીઈઆઈ લેબ્સ, સેન્ટર ફોર ઇકોનોમિક ડેટા એન્ડ એનાલિસિસ, અશોકા યુનિવર્સિટી અને દસરાની ભાગીદારીમાં ધ ઉદૈતી ફાઉન્ડેશન દ્વારા આ અહેવાલ બહાર પાડવામાં આવ્યો હતો. રિપોર્ટ અનુસાર મહિલાઓ તેમની સંસ્થાઓ છોડવા માટેના ટોચનાં ત્રણ કારણો પગારની ચિંતા, કારકિર્દીની તકો અને કાર્ય-જીવન સંતુલન છે. અને જો ધ્યાનથી જોવામાં આવે તો પુરુષો કરતાં ઓછો પગાર, ઘણાં ક્ષેત્રોમાં કારકિર્દીમાં પુરુષોને વધુ તકો અને કાર્ય-જીવન સંતુલનમાં પુરુષો કરતાં અનેકગણો વધુ સંઘર્ષ મહિલાઓ માટે હોય છે. એવી કેટલીય મહિલાઓ છે જે સવારે નોકરી પર જતાં પહેલા ઘરેથી આખા પરિવારની રસોઈ કરીને નીકળે (ભલે તેને સવારનો નાશ્તો કરવાનો સમય પણ ન બચ્યો હોય!) અને નોકરી પરથી થાકીને ઘરે પાછા આવીને સીધા રસોડામાં રાત્રિભોજનની તૈયારી શરૂ કરી દે. જો તેને બાળક હોય તો બાળકની શાળાની તૈયારીઓ, તેના અભ્યાસની ચિંતા, પોતાની ગેરહાજરીમાં બાળકની સંભાળની ચિંતા, સાજે-માંદે પરિવારની સંભાળ લેવાની દરકાર પણ મહિલાઓના માથે હોય છે. તેવામાં તેનામાં પૂરતી પ્રતિભા અને હોશિયારી હોય તો પણ કારકિર્દીને તે આક્રમક રીતે લક્ષમાં લઇ શકતી નથી.
રિપોર્ટ એ વાત ઉપર પણ પ્રકાશ પાડે છે કે, નોકરી પર રાખનારા સંચાલકો નોકરી માટે વિચાર કરતી વખતે પુરુષો કરતાં, સ્ત્રી અરજદારની વૈવાહિક સ્થિતિ અને ઉંમર વિશે વિચારણા કરે તેવી શક્યતા વધુ હોય છે, જે વધુ મહિલાઓને નોકરીએ રાખવામાં અવરોધો ઊભી કરી શકે છે. સ્ત્રીઓમાં, મેનેજરો અનુક્રમે ૪૩ ટકા અને ૨૬ ટકા વય અને સ્થાનને ધ્યાનમાં લે તેવી શક્યતા છે, જેની સરખામણીમાં પુરુષો માટે આ ટકાવારી ૩૯ ટકા અને ૨૧ ટકા જેટલી જ નોંધાઈ હતી.
આવા જ એક અન્ય ‘વૂમન ઇન મોડર્ન વર્કપ્લેસિસ ઇન ઇન્ડિયા’ શીર્ષકવાળા તાજેતરના અહેવાલમાં મહિલાઓની કારકિર્દીની વૃદ્ધિ શા માટે અટકે છે તેના પર પ્રકાશ પાડવામાં આવ્યો છે. ૨ લાખ મહિલાઓના સર્વેક્ષણમાંથી મેળવેલ માહિતી પર આધારિત અહેવાલમાં જાણવા મળ્યું છે કે ૭૦% મહિલાઓ માટે, કારકિર્દીની પ્રગતિમાં મુખ્ય પડકાર સંતોષકારક કાર્ય-જીવન સંતુલન હાંસલ કરવાનો હતો. મહિલા પ્રગતિની વાતો કરતી વખતે સંસ્થાઓએ આ અહેવાલોને ધ્યાનમાં લઈને પ્રોફેશનલ જવાબદારી અને અંગત જવાબદારીઓ વચ્ચે સંતુલન બની રહે તેવું વાતાવરણ નિર્માણ કરવાની જરૂરિયાત હોવાનો અહેસાસ કરાવ્યો છે. આ અહેવાલમાં માત્ર ૫૯% ઉત્તરદાતાઓએ કહ્યું કે તેઓ માને છે કે આજના કાર્યબળમાં મહિલાઓને પુરૂષો જેટલી સમાન તકો છે. એટલે સમાનતાના ક્ષેત્રે હજી કેટલું કાર્ય કરવાનું બાકી છે તે પણ ધ્યાનમાં આવે છે. મહિલાઓને કારકિર્દીમાં આગળ વધવા પોતાના સ્કિલ્સ અપગ્રેડ કરવાનો સમય તેમની અંગત જવાબદારીઓને કારણે નથી મળતો અને તેઓ પાછળ રહી જાય છે. ૬૯% ઉત્તરદાતાઓએ ઉચ્ચ કૌશલ્યની તકોને પામવામાં પ્રાથમિક અવરોધ તરીકે સમયનો અભાવ દર્શાવ્યો છે.
ગર્ભાવસ્થા દરમિયાન કાર્યમાંથી બ્રેક લેનાર મહિલાઓને ફરીથી કામ શરૂ કરવામાં પણ મુશ્કેલીઓ ઓછી નથી હોતી. મુખ્ય અવરોધોમાં તકનીકી પ્રગતિથી ડિસ્કનેક્ટ થવાની લાગણી, કૌશલ્યના ઘટાડા અંગેની ચિંતા અને યોગ્ય નોકરીની તકો શોધવામાં મુશ્કેલીનો સમાવેશ થાય છે. તેમની કારકિર્દીમાં ફરી જોડાઈ જવાની અને આગળ વધવાની ઇચ્છા હોવા છતાં, આ પડકારો ઘણીવાર મહિલાઓને કાર્યસ્થળમાં તેમની સંભવિતતાનો સંપૂર્ણ લાભ લેવામાં અવરોધ ઊભો કરે છે.
પહેલા કરતાં મહિલાઓની સ્થિતિમાં, ખાસ કરીને શહેરોમાં બહેતર ચોક્કસ થઇ છે. તેમ છતાં સામાજિક કારણોસર રહેલા પડકારોમાં પરિવારનું પીઠબળ ન હોય તો ઊભી થતી સમસ્યાઓ, જેમની તેમ છે. આવા કિસ્સાઓમાં નિર્ણયો લેવાનું મહિલાઓ ઉપર ઢોળી દઈને તેમના માટે ધર્મસંકટ ઊભું કરી દેવામાં આવતું હોય છે. આ પરિસ્થિતિમાં પણ પરિવર્તનની અતિ આવશ્યકતા છે.