લાડકી

મારા માતા-પિતાએ ૧૯૪૦માં પ્રેમલગ્ન કરેલાં: સલમા-બચુભાઈ

કથા કોલાજ -કાજલ ઓઝા-વૈદ્ય

ભાગ: ૧
નામ: આશા પારેખ
સ્થળ: જુહુ, મુંબઈ
સમય: ૨૦૨૪
ઉંમર: ૮૧ વર્ષ
મારું નામ આશા પારેખ. જન્મે ગુજરાતી, ઉછેર પણ ગુજરાતી… પરંતુ, હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રી પર રાજ કરનાર હું એક માત્ર સફળ ગુજરાતી નાયિકા છું. મેં બોલીવુડમાં પહેલી ફિલ્મ કરી ત્યારે અને આજે પણ બોલીવુડ ઉપર પંજાબીઓ અને ખાન’સનું રાજ રહ્યું છે. કોઈ ગુજરાતી છોકરી વૈષ્ણવ વેજિટેરિયન પરિવારમાંથી બોલીવુડમાં આવે, અને એ પણ ૧૯૫૨માં… આ એક અશક્ય જેવી બાબત હતી!

ફિલ્મી દુનિયાનો એ એવો સમય હતો જ્યારે અભિનેત્રી તરીકે કામ કરવું એ બહુ ગૌરવ કે ગર્વની બાબત માનવામાં આવતી નહીં. ‘સારા ઘરની દીકરીઓ’ને સિનેમામાં કામ નહીં કરવાની સલાહ આપવામાં આવતી, પરંતુ મારે કહેવું જોઈએ કે મારી ૪૭ વર્ષની ફિલ્મી કારકિર્દી દરમિયાન મને ખૂબ સારા મિત્રો મળ્યા છે. આદર અને સન્માન મળ્યું છે-એથી આગળ વધીને કહું તો ખૂબ સારી ફિલ્મોની સાથે સાથે અનેક પુરસ્કાર મળ્યા છે. મને એકવાર પણ અફસોસ નથી થયો, કે હું ફિલ્મની હિરોઈન કેમ બની!

મારા જીવનની કથા-કોઈ ફિલ્મની કથાથી ઓછી રોમાંચક અને રસપ્રદ નથી! સાચું પૂછો તો મેં કોઈ દિવસ વિચાર્યું નહોતું કે, હું ફિલ્મોમાં કામ કરીશ. મારે તો ડોક્ટર બનવું હતું, પરંતુ એક દિવસ રેલવે સ્ટેશન ઉપર એક માણસનો અકસ્માત જોયો. એના શરીરને ટુકડાઓમાં કપાયેલું જોયા પછી ડોક્ટર બનવાનો વિચાર તો મારા મગજમાંથી નીકળી જ ગયો. હું સ્વભાવે સંવેદનશીલ છું, ઋજુ અને મૃદુભાષી. મારા પપ્પા જેવી. મારા પપ્પા ઓછું બોલતા, શાંત સ્વભાવના અને લાગણીશીલ વ્યક્તિ હતા, જ્યારે મારી મમ્મી એકદમ જુદી. વધુ બોલે, સ્પષ્ટ વક્તા અને પ્રમાણમાં કડક. હું મમ્મીથી ડરતી, જ્યારે પપ્પાનો રમૂજી સ્વભાવ મને ખૂબ ગમતો. હું શાળાએ જવાની આનાકાની કરું કે, મમ્મીના કંટ્રોલમાંથી જરાક છટકવાનો પ્રયત્ન કરું તો બરાબર વઢ પડતી, પણ પપ્પા મને ખૂબ લાડ કરતા. ચોકલેટ કે મેંગો બાર માગું (એ વખતે મેંગો બાર બધાં બાળકોનો પ્રિય હતો) તો બજારમાં જઈને લઈ આવતા. એ બપોરે ઊંઘી ગયા હોય તો હું એમને નાક પકડીને જગાડતી-ચીડાવાને બદલે એ હસી પડતા. મારો ઉછેર સ્વતંત્રતા અને શિસ્તના મિશ્ર વાતાવરણમાં થયો. કદાચ, એટલે જ… વસ્ત્રો અને વિચારોની બાબતોમાં હું સ્વતંત્ર રહી, પરંતુ સમય પાલન કે ચારિત્રની બાબતમાં શિસ્તબદ્ધ રહી શકી.

મારી મમ્મીનો જન્મ બોહરા મુસ્લિમ પરિવારમાં થયો. પિતા વૈષ્ણવ ગુજરાતી. મમ્મીનું નામ સલમા ઈબ્રાહીમ લાકડાવાલા અને પિતાનું નામ બચુભાઈ મોતીલાલ પારેખ. મારા પપ્પાએ મમ્મીને જોઈ ત્યારથી જ એના પ્રેમમાં પડી ગયેલા. મારી મમ્મીને બહેન-મારા માસી ફિઝા જોડે એ પત્રો મોકલતા. જોકે, મારા મમ્મી-પપ્પા એમના કોર્ટશિપના દિવસોની કે પ્રેમની વાતો ભાગ્યે જ મારી સામે કરતાં. એ રીતે બંને જણાં પ્રમાણમાં રૂઢિચુસ્ત ખરા! મુંબઈમાં બંને જણાં ક્યારેક મળતાં, મારી માસીની હાજરીમાં. એ પછી મારી મમ્મી-સલમા લાકડાવાલા ફર્ગ્યુસન કોલેજમાં ભણવા ગઈ, એ જમાનામાં લેન્ડલાઈનના ફોન પણ ભાગ્યે જ કોઈને ઘેર હોય-એસટીડીનો તો પ્રશ્ર્ન જ નથી, પરંતુ પપ્પા રોજ એને ફોન કરતા. લગભગ દરેક ઓલ્ટરનેટિવ વીક એન્ડ ડેક્કન એક્સપ્રેસ પકડીને મમ્મીને મળવા જતા. પપ્પા ૨૧ના અને મમ્મી ૨૦ વર્ષની. પપ્પાનો પરિવાર જુનવાણી અને રૂઢિચુસ્ત. મમ્મીનો પરિવાર પણ હિન્દુ છોકરાને સ્વીકારવા તૈયાર નહીં. મારા નાની આસ્મા અને દાદી ગોમતીબેન સારા મિત્રો હતાં, પરંતુ એમની વચ્ચે આ સમાચાર જાણ્યા પછી ગાંઠ પડી ગઈ. મમ્મીને ઘરમાં બંધ કરી દેવામાં આવી. પપ્પાને લાગ્યું કે, હવે લગ્ન કરી જ લેવા પડશે ત્યારે પહેલી ઓગસ્ટ, ૧૯૪૧ના દિવસે એમણે સિવિલ રજિસ્ટાર ઓફિસમાં લગ્ન કરી લીધાં. પપ્પા ત્યારે એક કેમિસ્ટની દુકાનમાં સેલ્સમેન તરીકે નોકરી કરતા હતા. પરેલમાં એક રૂમ ભાડે રાખવામાં આવી અને એમની પાસે જે હતું તેમાંથી નાનકડું ઘર વસાવ્યું.

થોડા વખતમાં ‘શિરીન વિલા’ – સાંતાક્રૂઝમાં આવેલા એક મકાનના પહેલા માળ પર એ લોકોએ ઘર ભાડે રાખ્યું. ગ્રાઉન્ડ ફ્લોર ઉપર એક કેરાલાનો પરિવાર રહેતો. મકાનના માલિક પારસી હતા, એટલે એક સરસ મજાના પરિવાર જેવું વાતાવરણ ‘શિરીન વિલા’માં રહેતું. ૧૯૪૧ના સમયમાં જ્યારે હિન્દ છોડો ચળવળની શરૂઆત નહોતી થઈ ત્યારે ક્વિટ ઈન્ડિયા મુવમેન્ટમાં મારી મમ્મી સક્રિય ભાગ લેતી. એકવાર એની ધરપકડ થઈ ત્યાં સુધી એણે મારા પિતાને એ વિશે કહ્યું નહોતું. એ પ્રેગ્નેન્ટ હતી. એ વાત જ્યારે મારા પિતાને ખબર પડી ત્યારથી એમણે મારી મમ્મીની વધુ કાળજી લેવા માંડી.
બીજી ઓક્ટોબર, ૧૯૪૨ સવારે સાડા અગિયાર વાગ્યે મારો જન્મ થયો. એક મજાની ગોળમટોળ દીકરી સ્વરૂપે. મારી માએ મને કહેલું, ‘તારો જન્મ બહુ મુશ્કેલીથી થયેલો. તારું વજન વધારે હતું ને મારી તબિયત એટલી સારી નહોતી, પણ જ્યારે તને હાથમાં ઊંચકી ત્યારે મારી બધી પીડા અને શારીરિક દુ:ખો હું ભૂલી ગયેલી.’ મમ્મીએ એ જ દિવસે હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ લીધો અને મને શિરીન વિલામાં લઈ આવ્યા. ખાસા વર્ષો સુધી અમે શિરીન વિલામાં જ રહ્યાં. એક રૂમ રસોડાનું એ નાનકડું ઘર. જેની બાલ્કની ખૂબ મોટી હતી, એમાં મારી મમ્મીએ નાનકડો પણ સુંદર બગીચો બનાવ્યો હતો. આછા આસમાની રંગની દીવાલો અને એક સોફા હતો. મર્ફી રેડિયો સેટ હતો જે મને ખૂબ ગમતો.

હજી સુધી મમ્મીને નાના-નાનીએ કે પપ્પાને દાદા-દાદીએ બોલાવ્યા નહોતા. સામાન્ય રીતે બાળક જન્મે પછી વડીલો મતભેદ ભૂલી જતા હોય છે, પરંતુ તરત એવું થયું નહીં. જોકે, આસ્માનાનીને મને જોવાની ખૂબ ઈચ્છા હતી. એમણે મેસેજ પણ મોકલ્યો કે, મારું નામ ઝુલેખા પાડશે તો એમને આનંદ થશે. ગોમતીદાદી મને જોયા વગર જ ગુજરી ગયાં. મારા દાદાજીનું હૃદય કદાચ, એને કારણે પીગળી ગયું. એમણે મને લઈને મમ્મી-પપ્પાને મળવા બોલાવ્યા. ક, છ, ઘ રાશિની આ દીકરીનું નામ કૃષ્ણા પાડવાનું નક્કી થયું, પરંતુ મારા માતા-પિતાએ મારું નામ ‘આશા’ પાડ્યું કારણ કે, હું એમના જીવનમાં હોપ-આશાનું કિરણ લઈને જન્મી હતી. હું મોટી થઈ ત્યારે મારા માતા-પિતા મજાક કરતા કે, ખરેખર તો મારું નામ ‘ગંગુબાઈ’ પાડવાનું હતું… હું ચીડાતી અને એ હસતા.

મમ્મીએ હિન્દુ ધર્મ અપનાવ્યો અને એનું નામ સલમાને બદલે સુધા પાડવામાં આવ્યું. જોકે, કોઈ ન જોતું હોય-ન સાંભળતું હોય ત્યારે મારા પિતા મારી મમ્મીને પ્રેમથી ‘સલ્લુ’ કહીને બોલાવતા. મારા માતા-પિતાનું દામ્પત્ય અત્યંત પ્રસન્ન અને પ્રેમાળ હતું. એ વખતે ઘરમાં બહુ પૈસા નહોતા, પણ અમે ખૂબ મજા કરતા. રવિવારે મારા પિતા અમને ચોપાટી લઈ જતા. જુહુના દરિયામાં પગ બોળતા અને ભેળ ખાતા. મારા નાનાનો કાચનાં વાસણોનો બહુ જ મોટો બિઝનેસ હતો અને દાદાજીનો પરિવાર પણ ખૂબ શ્રીમંત પરિવાર હતો. બંને જણાંએ મારા માતા-પિતાને અપનાવી લીધાં હતાં, પરંતુ આર્થિક મદદ બેમાંથી કોઈ પક્ષ તરફથી મળી નહીં, જ્યારે હું બે વર્ષની હતી ત્યારે પિતા જે કેમેસ્ટ સાથે કામ કરતા હતા એમણે મારા પપ્પાની બદલી દિલ્હી કરી નાખી. બે ઘરના ખર્ચાને લીધે એવી હાલત થઈ કે, એકવાર મમ્મી પાસે ઈલેક્ટ્રીકનું બિલ ભરવાના પણ પૈસા નહોતા. રાત્રે અમે કેન્ડલ લાઈટમાં જમી લેતા. દાદાજીને જ્યારે આ વાતની જાણ થઈ ત્યારે એમણે મારા કાકા સાથે દસ હજાર રૂપિયા મોકલેલા. જે એ સમયમાં બહુ મોટી રકમ કહેવાય.

મારા પિતાએ એમની દુકાનના માલિકને વિનંતી કરી કે, એમને મુંબઈ ટ્રાન્સફર કરવામાં આવે કારણ કે, પરિવાર વગર રહેવું શક્ય નહોતું. એમની ટ્રાન્સફર મુંબઈ કરી દેવામાં આવી. થોડો વખત એમણે નોકરી કરી, પછી મારા દાદાજીએ સી.પી. ટેન્ક પર આવેલી એમની પેઢીમાં પપ્પાને ભાગીદાર બનાવ્યા. હરજીવનદાસ મોહનદાસ એન્ડ કંપનીની ઓફિસ આજે પણ સી.પી. ટેન્ક પર છે. જોકે, મારી મમ્મી સ્વમાની હતી, મહેનતુ પણ ખૂબ. ઘરની આર્થિક હાલત સુધરી હોવા છતાં એ અંગ્રેજીના ટ્યુશન ભણાવતી. ઘરનું બધું કામ જાતે કરતી અને મારું પણ ખૂબ ધ્યાન રાખતી.

હું નાની હતી ત્યારે મને એક સપનું આવતું જેમાં હું મારી જાતને એક કઠિયારાની પત્ની તરીકે જોતી. ગરીબી અને ભૂખમરાને કારણે હું મરી ગઈ એવું સપનું મને વારેવારે આવતું એટલું જ નહીં, હું ક્યારેક મારી જાતને લાંબો એવો ઘૂંઘટો કાઢેલી, ઘાઘરા ચોળી પહેરેલી કઠિયારણ સ્વરૂપે જોતી. મારી મમ્મીને એ વાત બિલકુલ ગમતી નહીં. એ હંમેશાં મને કહેતી, ‘આવું બધું વિચારે છે? તું હજી કેટલી નાની છે…’

બાળપણ ખૂબ ઝડપથી વિતી ગયું, હું એ સપનું પણ ભૂલી ગઈ. મને જે.બી. પેટિટ હાઈસ્કૂલ ફોર ગર્લ્સમાં દાખલ કરવામાં આવી. હું ભલે ગર્લ સ્કૂલમાં ભણતી હોઉં, પણ એક નંબરની ટોમ્બોય હતી. આસપાસના છોકરાંઓ સાથે ગેંગ બનાવીને રખડ્યા કરતી… રસ્તા પર લખોટી રમતી, ક્રિકેટ રમતી, ઢીંગલી તો હું કદી રમી જ નથી અને સૌથી મજાની વાત એ કે મમ્મી ન જોતી હોય ત્યારે એ જમાનામાં મળતી કેન્ડી સિગરેટ મારા હોઠ વચ્ચે દબાવીને હું સિગરેટ પીવાનો અભિનય બહુ જબરજસ્ત કરતી.
(ક્રમશ:)

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button