જયપુર: દિલ્હી કૅપિટલ્સનો કૅપ્ટન રિષભ પંત સાડાચારસોથી પણ વધુ દિવસ બાદ પાછો રમવા આવ્યો છે, પણ ગયા અઠવાડિયે મુલ્લાનપુરમાં પંજાબ કિંગ્સ સામે સારી વિકેટકીપિંગ બાદ તે સારી બૅટિંગ નહોતો કરી શક્યો એટલે એ અધૂરી ઇચ્છા તે ગુરુવારે (સાંજે 7.30 વાગ્યાથી) રાજસ્થાન રૉયલ્સ સામે પૂરી કરવા જરૂર કોશિશ કરશે.
પંતે પોતે જ કહ્યું હતું કે દોઢ વર્ષે પાછો રમવા આવ્યો એટલે પંજાબ સામેની મૅચ વખતે થોડો નર્વસ હતો. તેણે રાજસ્થાનના બોલર્સમાં ખાસ કરીને ટ્રેન્ટ બૉલ્ટ, અશ્ર્વિન, ચહલના આક્રમણ સામે બચવું પડશે.
23મી માર્ચે મુલ્લાનપુરમાં દિલ્હીની ટીમના હેડ-કોચ રિકી પૉન્ટિંગે ઓપનિંગમાં ડેવિડ વૉર્નર અને મિચલ માર્શને મોકલવાનું પસંદ કર્યું હતું, પરંતુ તેઓ બન્ને મોટી ભાગીદારી કરવામાં નિષ્ફળ રહ્યા હતા. વૉર્નર 29 રન બનાવીને અને હર્ષલ પટેલનો અને માર્શ 20 રન બનાવીને અર્શદીપ સિંહનો શિકાર થયો હતો. વિકેટકીપર-બૅટર અભિષેક પોરેલના અણનમ 32 રન એ દિવસે દિલ્હીની ટીમના બૅટર્સમાં સર્વશ્રેષ્ઠ ઇનિંગ્સ હતી, કારણકે તેણે એ 32 રન ફક્ત 10 બૉલમાં ફટકાર્યા હતા. દિલ્હીએ રિકી ભુઇના સ્થાને પોરેલને લીધો હતો. બોલિંગમાં દિલ્હીની હાલત ત્યારે બગડી હતી જ્યારે ઇશાન્ત શર્મા પગ મચકોડાઈ જતાં બે જ ઓવર બોલિંગ કરી શક્યો હતો. પંજાબે એ રોમાંચક મૅચ ચાર બૉલ બાકી રાખીને ચાર વિકેટે જીતી લીધી હતી.
એક તરફ પંતે હજી ફૉર્મમાં આવવાનું છે, જ્યારે તેનો ગુરુવારનો હરીફ કૅપ્ટન સંજુ સૅમસન લખનઊ સામે અણનમ 82 રન ફટકારીને ફૉર્મમાં આવી ગયો છે. યશસ્વી જયસ્વાલની ફટકાબાજી પણ દિલ્હી માટે માથાનો દુખાવો બની શકે.