સાયન રેલવે પુલનું ડિમોલીશ સતત ત્રીજી વખત મોકુફ
મોકુફ રાખવા બાબતે રેલવેનું મૌન:મુંબઈગરાને હાલપૂરતી રાહત
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: સાયન સ્ટેશન પાસેના રોડ ઓવર બ્રિજને તોડી પાડવાનું કામ ફરી એક વખત અનિશ્ર્ચિત મુદત માટે આગળ ઢકેલવામાં આવ્યું છે. તેથી ૨૮ માર્ચ, ૨૦૨૪થી બંધ કરવામાં આવનારો આ પુલ વાહનવ્યવહાર માટે ખુલ્લો રહેવાનો હોવાથી ફરી એક વખત મુંબઈગરાને રાહત મળવાની છે. રેલવે દ્વારા પુલને તોડી પાડવાનું કામ ત્રીજી વખત મોકુફ રાખવામાં આવ્યું છે, તે પાછળના કારણ બાબતે મધ્ય રેલવેએ મૌન રાખવાનું પસંદ કર્યું હતુંં. જોકે અંદરખાને ચાલી રહેલી ચર્ચા મુજબ આગામી દિવસમાં લોકસભાની ચૂંટણી હોવાથી મુંબઈગરાની નારાજગી પરવડે નહીં એ કારણથી પુલને તોડવાનું મોકુફ રાખવામાં આવ્યું છે. એક અંદાજ મુજબ જૂનમાં ચૂંટણીના રિઝલ્ટ આવશે આ દરમિયાન ચોમાસાનું આગમન થઈ જશે અને એ દરમિયાન કોઈ ડિમોલીશનનું કામ કરવામાં આવશે નહીં. એટલે હવે સાયન પુલનું કામ દિવાળી સુધી ખેંચાઈ જવાની શક્યતા છે.
મધ્ય રેલવેની પાંચમી અને છઠ્ઠી લાઈનનું કામ તેમ જ સાયન પુલ અત્યંત જૂનો હોવાથી તેને તોડી પાડીને નવો પુલ બાંધવામાં આવવાનો છે. મધ્ય રેલવે અને મુંબઈ મહાનગરપાલિકા સંયુક્ત રીતે આ કામ કરવાની છે. પુલને તોડી પાડવાનું કામ ગુરુવાર, ૨૮ માર્ચથી કરવામાં આવવાનું હતું, પરંતુ ફરી એક વખત તેને મોકુફ રાખવામાં આવ્યું છે. આ અગાઉ ૨૦ જાન્યુઆરી, ૨૦૨૪ના રોજ પુલને તોડી પાડવાનું કામ હાથમાં લેવામાં આવવાનું હતું. પરંતુ સ્થાનિક નાગરિકોને વિરોધને પગલે કામને આગળ ઢકેલવામાં આવ્યું હતું. ત્યારબાદ ૨૮ ફેબ્રુઆરી, ૨૦૨૪ના રોજ કામ ચાલુ કરવામાં આવશે એવું નક્કી કરવામાં આવ્યું હતું. પરંતુ બોર્ડની પરીક્ષા હોવાનું કારણ આગળ કરીને નવેસરથી ૨૮ માર્ચની તારીખ જાહેર કરવામાં આવી હતી. જોકે હવે ૨૮ માર્ચની તારીખ પણ આગળ ઢકેલવામાં આવી છે.
રેલવે દ્વારા પુલને તોડી પાડવાનું કામ અનિશ્ચિત સમય માટે આગળ ઢકેલવા પાછળ જોકે અંદરખાને એવું ચર્ચાઈ રહ્યું છે કે પુલ બંધ કરવાને કારણે સ્થાનિક નાગરિકોને ભારે હાલાકી વેઠવી પડવાની છે. ત્યારે આગામી દિવસમાં લોકસભાની ચૂંટણી હોવાથી પુલ બંધ કરવાને કારણે સ્થાનિક નાગરિકોની નારાજગીનો ભોગ લોકસભાની ચૂંટણીમાં સ્થાનિક ઉમેદવારને પડી શકે છે અને તેને કારણે જ રાજકીય સ્તરે આવેલા દબાણને કારણે રેલવેએ પુલને તોડી પાડવાનું હાલ પૂરતું મોકુફ રાખ્યું છે.
નવી તારીખ પછી જાહેર કરશું
સાયન પુલ જોખમી હાલતમાં હોઈ તેનું કામ જલદી ચાલુ કરવાનું આવશ્યક છે ત્યારે ફરી એક વખત પુલને તોડી પાડવાનું કામ આગળ ઢકેલવા બાબતે ચોક્કસ કારણ જણાવવાનો મધ્ય રેલવેના ચીફ પબ્લિક રીલેશન ઓફિસર ડૉ. સ્વપ્નિલ નિલાએ ઈનકાર કરતા ‘મુંબઈ સમાચાર’ને જણાવ્યું હતું કે પુલને તોડવાનું કામ ફરી એક વખત મોકુફ રાખવામાં આવ્યું છે. નવી તારીખ પછીથી જાહેર કરવામાં આવશે.
વાહનવ્યવહાર માટે ખુલ્લો રહેશે
માટુંગા ટ્રાફિક પોલીસના સિનિયર પોલીસ ઈન્સ્પેકટર આનંદરાવ હાકેએ ‘મુંબઈ સમાચાર’ને જણાવ્યું હતું કે સાયન પુલને તોડવાનું ફરી એક વખત મોકુફ રાખવામાં આવ્યું છે, તે પાછળનું કારણ રેલવેએ અમને જણાવ્યું નથી. અમારા તરફથી પુલને તોડી પાડવાને લગતી તમામ મંજૂરીઓ આપી દેવામાં આવી છે. પુલને તોડવાનું હાલ પૂરતું મોકુફ રાખવામાં આવ્યું છે, તેથી વાહનવ્યવહાર માટે પુલ ખુલ્લો જ રહેશે.
પાલિકાએ હાથ ઉપર કર્યા
પુલ જોખમી હોવા છતા તેને તોડી પાડવાનું ફરી એક વખત મોકુફ રાખવા બાબતે પાલિકાએ હાથ ઉપર કરી દીધા હતા. પાલિકાના ઉચ્ચ અધિકારીએ નામ નહીં આપવાની શરતે કહ્યું હતું કે સાયન પુલનું મોટાભાગનું કામ રેલવે દ્વારા કરવામાં આવવાનું છે. રસ્તાને લાગીને આવેલા ભાગનું કામ પાલિકા કરવાની છે. તેથી પુલને તોડી પાડવાનું કામ મોકુફ રાખવાનું કારણ રેલવે જ જણાવી શકે છે.