હોળીના દિવસે પશ્ચિમ રેલવે પર Motormanની સતર્કતાએ બચાવ્યો પ્રવાસીનો જીવ…
મુંબઈઃ મોટરમેનની સતર્કતાને કારણે પશ્ચિમ રેલવેમાં પ્રવાસીને જીવનદાન મળ્યું હોવાની માહિતી સામે આવી રહી છે. હોળીના દિવસે ચર્ચગેટથી બાંદ્રા જઈ રહેલી લોકલ ટ્રેનના મોટરમેને પોતાની સૂઝબૂઝથી પ્રવાસીને જીવનદાન આપ્યું હોવાની માહિતી સૂત્રો દ્વારા મળી રહી છે. આવો જોઈએ શું છે આખો ઘટનાક્રમ…
દિવસે દિવસે મુંબઈની લોકલ ટ્રેનમાં પ્રવાસીઓની ભીડ સતત વધતી જ જઈ રહી છે પરંતુ એની સાથે સાથે લોકલ ટ્રેનમાં ગુનાખોરીનું પ્રમાણ પણ એટલું જ વધી રહ્યું છે. રેલવે પ્રશાસન દ્વારા એક તરફ આ ગુનાખોરીનું પ્રમાણ ઘટાડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે ત્યારે બીજી બાજું ટ્રેનની સામે કૂદીને આત્મહત્યા કરનારાઓની સંખ્યામાં પણ વૃદ્ધિ થઈ રહી છે. આવી જ એક ઘટના રવિવારે હોળીના દિવસે બની હતી.
બાંદ્રા ખાતે ચર્ચગેટ-વિરાર ફાસ્ટ લોકલ ટ્રેન સામે કૂદીને એક અજ્ઞાત વ્યક્તિએ આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ મોટરમેનની સતર્કતાને કારણે પ્રવાસીને જીવતદામ આપવામાં સફળતા મળી છે.
સામે આવેલી માહિતી અનુસાર 9.22 ચર્ચગેટ-વિરાર લોકલ ટ્રેનના મોટરમેન હરીશ ઠાકુરે રાતે 9.44 કલાકની આસપાસ એક વ્યક્તિને રેલવે ટ્રેક પર જોઈ હતી. બાંદ્રા સ્ટેશનના પ્લેટફોર્મ નંબર ચાર પરથી જેવી ગાડી છૂટી કે મોટરમેનને ટ્રેક પર કોઈ ઊભેલું દેખાયું અને એ સમયે ટ્રેનની સ્પીડ 30 કિલોમીટરની આસપાસ હતી.
મોટરમેન હરીશે જોર જોરથી હોર્ન વગાડ્યો પણ તેમ છતાં વ્યક્તિ ટ્રેક પરથી ન ખસતાં આખરે મોટરમેને ટ્રેનની સ્પીડ સ્લો કરવાનો પ્રયાસ કર્યો. આખરે મહામહેનતે તેમને ટ્રેનની સ્પીડ ઓછી કરવામાં સફળતા મળી અને ટ્રેની રોકી દીધી. ટ્રેન રોકીને મોટરમેને કન્ટ્રોલ રૂમને કોલ કર્યો. ત્યાર બાદ બાંદ્રાથી રેલવે કર્મચારીએ આવીને ટ્રેક પરની વ્યક્તિને દૂર કરી હતી અને લોકલ ટ્રેન આગળ વધી હતી.
મળી રહેલી માહિતી પ્રમાણે મુંબઈ રેલવે નેટવર્ક પર આત્મહત્યાની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. 2023ના આંકડાઓ પર નજર કરીએ તો આત્મહત્યાની ઘટનમાં 21 ટકાનો વધારો જોવા મળ્યો છે. 2022માં આ સંખ્યા 100 જેટલી હતી. એક વર્ષમાં કુલ 121 જણે આત્મહત્યા કરીને પોતાનો જીવ આપ્યો હતો, જેમાં 100 પુરુષ અને 21 મહિલાઓનો સમાવેશ થાય છે. જેમાંથી 82 આત્મહત્યા એકલા મધ્ય રેલવે પર અને 39 આત્મહત્યાની ઘટના પશ્ચિમ રેલવે પર બની હતી.