લોકાયુક્તના કર્ણાટક સરકારના અધિકારીઓ પર દરોડા, સોનું અને હીરા મળી આવ્યા
બેંગલૂરુઃ કર્ણાટકમાં ભ્રષ્ટાચાર વિરોધી એજન્સી લોકાયુક્તે મોટી કાર્યવાહી કરી છે. લોકાયુક્તે કર્ણાટકમાં રાજ્ય સરકારના અધિકારીઓ સાથે જોડાયેલા 60 સ્થળો પર દરોડા પાડ્યા હતા. 100 થી વધુ લોકાયુક્ત અધિકારીઓ રાજ્યના 13 જિલ્લામાં 60 સ્થળોએ દરોડા પાડી રહ્યા છે. બેંગલુરુમાં પાંચ સ્થળોએ દરોડા પાડવામાં આવી રહ્યા છે. બેંગલુરુમાં BBMP ચીફ એન્જિનિયર રંગનાથના ઘર પર પણ દરોડા પાડવામાં આવ્યા છે, એવી સત્તાવાર સૂત્રોએ માહિતી આપી છે.
અત્યાર સુધીમાં દરોડામાં 6 લાખ રૂપિયાની રોકડ, 3 કિલો સોનું, 25 લાખ રૂપિયાના હીરા અને 5 લાખ રૂપિયાની પ્રાચીન વસ્તુઓ મળી આવી છે. આ સાથે મિલકતના દસ્તાવેજો પણ જપ્ત કરવામાં આવ્યા છે. 100 થી વધુ લોકાયુક્ત અધિકારીઓ બેંગલુરુ, બિદર, રામનગરા, ઉત્તરા કન્નડ, કોડાગુ, મૈસુર અને વિજયપુરા જિલ્લાઓ સહિત 60 સ્થળોએ એક સાથે દરોડા પાડી રહ્યા છે. લોકાયુક્ત અધિકારીઓમાં 13 પોલીસ અધિક્ષક (SP), 12 નાયબ પોલીસ અધિક્ષક (DYSP) અને 25 પોલીસ ઇન્સ્પેક્ટરનો પણ સમાવેશ થાય છે.
આ પહેલા જાન્યુઆરીમાં પણ ભ્રષ્ટાચારના મામલામાં કર્ણાટકમાં 10 જિલ્લાઓમાં 40 થી વધુ સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા હતા. તે સમયે તુમકુરુ, મંડ્યા, ચિક્કામગાલુરુ, મૈસુર, કોપ્પલ, વિજયનગર, બલ્લારી, હસન, ચામરાજનગર અને મેંગલુરુમાં સરકારી અધિકારીઓના આવાસ પર એક સાથે દરોડા પાડવામાં આવ્યા હતા.