ઉદ્ધવ ઠાકરેની શિવસેનાએ બહાર પાડી ઉમેદવારોની યાદીઃ જાણો મુંબઈથી કોણ લડશે
મુંબઈઃ લોકસભાની ચૂંટણી જાહેર થયાને અઠવાડિયું થયું છતાં પક્ષોને બધા ઉમેદવારોની યાદી બહાર પાડવામાં પરેશાની થઈ રહી છે, કારણ કે મોટાભાગના પક્ષો એકબીજા સાથે ગઠબંધનમાં છે અને તેથી કોણ ક્યાંથી લડે તે મામલે સંમતિ સધાતી નથી. આવી જ ખેંચતાણ ઈન્ડિયા ગઠબંધનમાં પણ છે, જેમાં મહારાષ્ટ્રમાં ત્રણ બળિયા કૉંગ્રેસ, શરદચંદ્ર પવારની એનસીપી અને ઉદ્ધવ ઠાકરેની શિવસેના વચ્ચે બેઠકોની વહેંચણી થવાની છે. આ ત્રણેય પક્ષો વચ્ચેના ચાલી રહેલા વાતચીતના દૌર વચ્ચે ઉદ્ધવની સેનાની પહેલી યાદી બહાર પડી છે, જેમાં મુંબઈ અને થાણેની ત્રણ બેઠક સહિત 16 બેઠકના ઉમેદવારોના નામ છે.
અગાઉ જાહેર કર્યા અનુસાર દક્ષિણ મુંબઈની બેઠક વર્તમાન સાંસદ અરવિંદ સાવંતને ફરી આપવામાં આવી છે. આ બેઠક મામલે અગાઉ કૉંગ્રેસના ભૂતપૂર્વ સાંસદ મિલિન્દ દેવરાએ દાવો કર્યો હતો અને આ શિવસેનાને મળવાની હોવાથી તેમણે એકનાથ શિંદેની શિવસેનામાં પ્રવેશ મેળવી રાજયસભાની બેઠક મેળવી લીધી હતી. હવે અહીં અરવિંદ સાવંત સામે ટક્કર લેવા મહાયુતી કયા ઉમેદવારને પસંદ કરે છે તે જોવાનું રહ્યું. મુંબઈના માલેતુજારોથી માંડી મોટો મરાઠી મતદાર વર્ગ ધરાવતી આ બેઠક ગુજરાતી-મારવાડી મતદારો પણ નોંધપાત્ર સંખ્યામાં ધરાવે છે. થોડા દિવસો પહેલા આ બેઠક મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાને ફાળે જાય તેવી પણ અટકળો હતી. જોકે જ્યાં સુધી ઉમેદવાર ઘોષિત થશે નહીં ત્યાં સુધી ચિત્ર સ્પષ્ટ થશે નહીં.
બીજી મુંબઈની બેઠક જે ઉદ્ધવની સેનાને ફાળે આવી છે તે છે ઈશાન મુંબઈ. અહીંથી શિવસેનાએ સંજય દિના પાટીલને ટિકિટ આપી છે. સંજય દિના પાટીલ એનસીપીના સાંસદ આ બેઠક પરથી રહી ચૂક્યા છે. ત્યારબાદ તેમણે શિવસેનામાં પ્રવેશ મેળવ્યો હતો. અહીં ભાજપ તરફથી ગુજરાતી ઉમેદવાર મિહીર કોટેચાને ભાજપે ટિકિટ આપી છે, જે મુલુન્ડના વિધાનસભ્ય રહી ચૂક્યા છે. આ બેઠક પર ગુજરાતી અને મરાઠી એમ બન્ને મતદારોનું વર્ચસ્વ છે. આ સાથેનો અહીંનો મુસ્લિમ સમાજ પણ નોંધપાત્ર મતદારવર્ગ ધરાવે છે. આ બધી સમીકરણો જોતા અહીં બરાબરની ટક્કર થશે.
ઉત્તર-પશ્ચિમ એટલે કે વાયવ્ય મુંબઈથી અમોલ કિર્તીકરને ટિકિટ આપવામાં આવી છે. અમોલ કિર્ચીકરના પિતા ગજાનન કિર્તીકર અહીંના સાંસદ છે, પરંતુ તેઓ એકનાથ શિંદે જૂથમાં છે. સેનાએ આ બેઠક પર દિકરાની ટિકિટ આપી છે. જોકે આ બેઠક શિવસેના અને કૉંગ્રેસ વચ્ચે ફાંટ પડવાનું કારણ બની શકે છે. અહીં પણ ગુજરાતી મરાઠી સાથે ઉત્તર ભારતીય મતોનું પ્રમાણ વિશેષ છે. ભાજપે હજુ અહીં ઉમેદવારનું નામ જાહેર કર્યું નથી.
થાણેમાં શિવસેનાએ વર્તમાન સાંસદ રાજન વિચારેને ફરી ટિકિટ આપી છે. આ ગઢ એકનાથ શિંદેનો હોવાથી શિવસેના માટે કપરા ચઢાણ સાબિત થશે.
આ ઉપરાંત બુલઢાણાથી નરેન્દ્ર ખેડેકર, યવતમાળ-વાશિમથી સંજય દેશમુખ, માવળથી સંજોગ વાઘેરે-પાટીલ, સાંગલી ચંદ્રાહાર પાટીલ, ઈંગોલીથી નાગેશ પાટીલ, સંભાજીનગર ચંદ્રકાંત ખેરે, ધારશિવમાં ઓમરાજે નિંબાળકર, શિરડીમાં ભાઉસાહેબ વાઘચોરે, નાશિકમાં રાજાભાઇ વાજે, રાયગઢ અનંત ગીતે, સિંધુદુર્ગ-રત્નાગિરી વિનાયક રાઉત, પરભણીમાં સંજય જાદવને ઉમેદવારી આપી છે.