ઈન્ટરવલ

આવો, હવે પ્રાણ પૂરીએ આ પાષાણમાં!

ભવ્ય ભૂતકાળ અને ચિંતામગ્ન કરાવી દેતા વર્તમાન વચ્ચે ઝોલાં ખાઈ રહી છે ગુજરાતી રંગભૂમિ…
એ ઝંખે છે જાજરમાન ભવિષ્ય. એવું ભવિષ્ય ,જેનું ઘડામણ રંગકર્મીઓના બદલતા અભિગમ અને દર્શકોના નવેસરથી છલકનારાં રંગભૂમિ પ્રત્યેના પ્રેમથી શક્ય બની શકે છે. આ કાર્ય આપણે સહિયારા નિભાવીશું તો થશે માતૃભાષાની- રંગભૂમિની ઉચિત સેવા…

રાજેન્દ્ર બુટાલા

આજે વિશ્ર્વ રંગભૂમિ દિવસ. આપણે માટે એ આપણી રંગભૂમિની તવારીખનાં પાનાં ફેરવીને તેના પર એક દ્રષ્ટિપાત કરવાનો અનુપમ અવસર. ગુજરાતી રંગભૂમિના ઈતિહાસનાં પાનાં ફેરવતાં, ખરેખર કહું તો, ધબકારો ચૂકી જવાય છે. શાને? એ સમજવા વાત શરૂ કરીએ ગુજરાતી રંગભૂમિની ગઈકાલથી….

ગઈ કાલ ખરેખર અસાધારણ હતી. વિવિધ વિષયો પર, ચડિયાતી માવજત સાથે, એ જમાનામાં એકએકથી દમદાર નાટકો બનતાં. એ નાટકોનું સ્મરણ કરતાં આંખ ખુશીનાં આંસુથી ભીની અને માથું ગર્વથી ઊંચું થઈ જાય. વિષ્ણુકુમાર વ્યાસ-પ્રવીણ જોષી-કાંતિ મડિયા- શૈલેષ દવે જેવાં અન્ય અનેક દિગ્ગજ સર્જકોનાં નાટકોનો સૂર્ય મધ્યાહ્ને તપતો હતો.

મને બરાબર યાદ છે એ દિવસો. થોકબંધ નાટ્યગૃહો હતાં ત્યારે. પારસી મેનેજર્સ એમનું સચોટ સંચાલન કરતા હતા. બેશક, ભાઈદાસ અપવાદ હતું. એ દિવસો ઘણીવાર યાદ આવતા રહે છે. સાથે યાદ આવે પ્રથમ શો, શુભારંભ પ્રયોગ માટે ઓપન થતી બોક્સ ઓફિસની બારીઓ. બુકિંગ ખૂલતું અને વહેલી સવારે વીસ- પીચીસ જણની વ્યવસ્થિત કતાર લાગી જતી. નવા નાટકને પહેલવહેલા પ્રયોગમાં માણવા થનગનતા માનવંતા દર્શકો આવી જ પહોંચતા. આવી હતી દર્શકોની રંગભૂમિ પ્રત્યેની પ્રીતિ.

કલાકારોની નાટ્યભક્તિ પણ અનન્ય હતી. નાટક પ્રત્યે-અભિનય પ્રત્યે-પોતાના કામ અને જવાબદારી પ્રત્યે. મને અનેક ઘટનાઓ યાદ છે… બિરલા માતુશ્રીની કેન્ટીન અને બાબરી સાહેબની ઓફિસ પણ યાદ છે મને. એ ઓફિસમાં નાટકની મુક્તમને ચર્ચાઓ થતી. નાટક સારું કેવી રીતે બને, સારું હોય તો શ્રેષ્ઠતાને કેવી રીતે આંબી શકે એના પર વિચારવિનિમય થતો. ક્યાંય ટાંટિયાખેંચે નહોતી. ક્યાંય સ્વાર્થ કે પોતાના નાટકને જ સારું સાબિત કરવાનો દંભ નહોતો કે નહોતી એવી લાલસા. એ બધી રંગભૂમિની સુવર્ણકાળની સાંજ હતી. એના સકારાત્મક પડઘા રંગભૂમિ પર પડતા રહેતા. એવા કે કોઈ પણ નાટ્યગૃહ એક પણ રવિવારે ખાલી રહેતું નહીં, સાંજ તો ઠીક, બપોરની તારીખ પણ ક્યારેય ખાલી રહેતી નહોતી. દરેકેદરેક નાટ્યગૃહમાં રવિવારે બપોરે અને સાંજે અચૂકપણે નાટ્યપ્રયોગ થતાં …. એવી હતી જાહોજલાલી, ધમધમાટી અને ગૌરવશાળી વ્યસ્તતા.

એ દિવસોમાં નાટ્યપ્રવૃત્તિ માત્ર ગુજરાતી ભાષા પૂરતી સીમિત નહોતી. રંગભૂમિ પર ગુજરાતી સાથે પારસી નાટકોની ભરમાર હતી. બેઉ ભાષામાં અવિરત નાટ્યસર્જન થતું . બન્ને ભાષાનાં નાટક માણવા- ચાહવા દર્શકોનું પૂર ઊમટતું. આટલું ઓછું હોય એમ એમાં ઉમેરાઈ જતી નિયમિતપણે બનતી યોગેન્દ્ર દેસાઈ અને અવિનાશ વ્યાસના શાનદાર નૃત્યનાટિકા : ‘પ્રાણ પૂર્યા પાષાણ’ માં.
એ વખતનું વિષયવૈવિધ્ય નાટ્યવૈભવનો આયનો હતું સામાજિક નાટકો, કોમેડી નાટકો, ધાર્મિક પશ્ર્વાદભૂવાળાં નાટકો… એ અમિરાત આપણી રંગભૂમિને મળેલા અપૂર્વ આશીર્વાદ હતા.: એના જોરે રંગભૂમિએ એ દિવસોમાં એવી પ્રગતિ સાધી, એવો ઠસ્સો, દમામ અંકે કર્યો જે આવનારા થોડા દાયકાની પ્રગતિનું ઈંધણ બની ગયો. એની તાકાત પર રંગભૂમિએ એવા સેલિબ્રિટી નિર્માતાઓ, દિગ્દર્શકો, લેખકો, કલાકારો અને ટેક્નિશિયનોને જન્મ આપ્યો, જેમના નામે સિક્કા પડતા, જેમની એક ઝલકથી દર્શકો ઝૂમી ઊઠતી અને જેમની સર્જનાત્મકતાને રંગકર્મીઓ જ નહીં, ફિલ્મજગતના, અને ત્યારે પા પા પગલી ભરતી ટેલિવિઝનની દુનિયાના મોટાં માંથાં પણ સલામ કરતા.

હું આશાવાદી માણસ છું, છતાં, જ્યારે સાંપ્રત, વર્તમાન રંગભૂમિની વાત આવે ત્યારે થોડો હતોત્સાહ થઈ જાઉં છું. મને ચિંતા તો થાય છે જ પણ સાથે થોડો ભય-ફફડાટ પણ થવા માંડે છે. મનમાં દ્વિધાનાં ઘોડાપૂર આવે છે અને એક સવાલ કોરી ખાવા માંડે છે:
આ શું થવા બેઠું છે?

ભલે નિર્માતાઓ, કલાકાર- કસબીઓ ગમે તેવા દાવા કરતા હોય, કે મારે તો આજે પ્રયોગ બહુ સારો ગયો, બહુ તગડું કલેક્શન આવ્યું, સોએક પ્રેક્ષકો ટિકિટ નહીં મળવાથી પાછા ગયા… વાસ્તવિકતા એનાથી વિપરિત છે.

દક્ષિણ મુંબઈમાં ભૂતકાળની જાહોજલાલી ક્યારની પરવારી ગઈ છે. હવે આખા વિસ્તારમાં રહ્યા છે માત્ર ત્રણ કાર્યરત હતાં નાટ્યગૃહો. તેમ છતાં, અને સૌના આસમાની-સુલતાની દાવા છતાં , એ સત્ય કોઈ નકારી શકે એમ નથી કે એવો રવિવાર હવે દોહ્યલો છે જ્યારે ત્રણેય નાટ્યગૃહમાં થતા નાટ્ય સહિયારા હાઉસ ફુલ ગયા હોય અથવા,કમ સે કમ, ત્રણેયના નિર્માતાના એ પ્રયોગનાં નાણાં એ સાંજે જ ટિકિટબારીના કલેકશનથી પાછાં આવી ગયાં હોય.

હું એ પ્રયોગોની વાત નથી કરી રહ્યો જેમાં ગ્રુપ બકિંગથી અથવા આમંત્રિત મિત્રો અને સગાવહાલાંઓને બેસાડીને હાઉસ ફુલ શો કર્યાનો સંતોષ માણવામાં આવ્યો હોય. કોણ જાણે કેટલાં વરસો વીતી ગયાં એ વાતને જ્યારે કદરદાન પ્રેક્ષકોએ ટિકિટબારીએ તડાકો બોલાવ્યો હોય અને એવી પણ કોઈ ઘટના બની નથી કે
દક્ષિણ મુંબઈમાં રવિવારની એક સાંજે ત્રણેય નાટકોને હાઉસ ફુલ કરી દીધા હોય…!

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button