ઈન્ટરવલ

જૂની રંગભૂમિનો સદાબહાર રોચક ઈતિહાસ

ઉત્કર્ષ મજુમદાર

બાઅદબ બામુલાઇજા હોંશિયાર… ગુજરાતી નાટક ‘રુસ્તમ સોહરાબ’ કી સવારી આ રહી હૈ…’

૨૯ ઓક્ટોબર ૧૮૫૩ના રોજ મુંબઈના જગન્નાથ શંકર શેટના (જેનુ નામ ‘મુંબઈ સેન્ટ્રલ’ સ્ટેશન ને આપવાનો પ્રસ્તાવ છે) અનુદાનથી ઊભા થયેલા રોયલ થિયેટર જે ‘ગ્રાન્ટ રોડ થિયેટર’ તરીકે વધુ ઓળખાયું, એના સભાગૃહમાં સાંજે આ નાટક ભજવાયું. ફરામજી ગુસ્તાદજી દલાલ નામના પારસી શખ્સ દ્વારા દિગ્દર્શિત ‘પારસી નાટક મંડળી’ સંસ્થાના આ નાટકથી ગુજરાતી અર્વાચીન રંગભૂમિના પગરણ થયા. કલાકારો બધા પારસી હતા તે પણ પુરુષો, કેમ કે સ્ત્રીઓને નાટકમાં ભાગ લેવાની સખત મનાઈ હતી. આથી સ્ત્રી પાત્રો પણ પુરુષો ભજવતા. આ પ્રથા વીસમી સદીના લગભગ બે દાયકા સુધી ચાલી. સુધરેલી અને પ્રગતિશીલ ગણાતી પારસી કોમમાં પણ આવું હતું. અરે, પુરુષો સાથે નાટક જોવા પણ સ્ત્રીઓ છૂટથી જઈ શકતી નહિ. આ મંડળીએ એક અગત્યનું પગલું ભર્યું. સ્ત્રીઓને પણ લાભ મળે એ હેતુસર માત્ર સ્ત્રીઓ માટેનો જનાના શો રાખ્યો, જેને ખુબ સારો આવકાર મળ્યો.

મુખ્ય નાટક પછી ‘ધનજી ગરક’ નામે એક પ્રહસન પણ રજૂ થયું. નાટક હંમેશાં પારસી ગુજરાતીમાં ને પ્રહસનો હિન્દુસ્તાની ભાષામાં રહેતા. મુખ્ય નાટક ને એના પછી પ્રહસન આ શિરસ્તો પડ્યો, કારણ કે ભજવાવાળાઓને ખબર હતી કે પ્રેક્ષકોને હાસ્ય પણ જોઈએ છે. કરુણ રસ ધરાવતા નાટકમાં હાસ્ય ઘુસાડે તો નાટકમાં રસક્ષતિ થાય આથી આ પ્રથા શરૂ કરી. આગળ જતા અલાયદું પ્રહસન રાખવાની પ્રથા જતી રહી અને આ પ્રહસન મુખ્ય નાટકની અંદર જ વણી લેવામાં આવ્યું પણ આગવી રીતે, મુખ્ય નાટકમાં નહિ, પણ અલાયદું. મુખ્ય નાટકમાં બે દૃશ્યની વચમાં આગળનો એક પડદો પડે (આથી નાટકના પડદાઓ કે ફર્નિચર ને કલાકારોને વસ્ત્ર પરિધાન બદલવાનો સમય મળે)અને એ પડદાની આગળ પ્રહસન વિભાગના કલાકારો આવી ખેલ ભજવે. આને ‘પડદાનો ખેલ’ કહેવાતો. મુખ્ય નાટક અને આ પ્રહસન/કોમિક સમાંતર ચાલે એટલે પ્રેક્ષકોને પૂર્ણ મનોરંજન મળી રહે.

શરૂઆતમાં સંગીત નાટકનો ભાગ નહોતું, પણ વચ્ચે અથવા અંતે યોજવામાં આવતું. આ નાટકથી પ્રસ્તુતિનું બંધારણ એવું વિકસ્યું કે મુખ્ય નાટક પછી મધ્યાન્તર હોય, જેમાં અમુક મંડળી લાઈવ બેન્ડ રાખતી, મધ્યાન્તર પછી પ્રહસન હોય ને એના પછી રમુજી ગીતો કે મહાનુભાવોની પ્રશસ્તિ કરતા ગીતો હોય. ઘણા વર્ષો સુધી આવું રહ્યું.

સન ૧૮૫૩થી લઈને ૧૮૫૩થી ૧૮૬૭ સુધી નાની -મોટી અગિયારેક પારસી નાટક મંડળીઓ અસ્તિત્વમાં આવી. ૧૮૫૭ પછી થોડાક અરસા સુધી ઝોક શેક્સપિયર તરફ વળ્યો. ટેમીંગ ઓફ ધ શ્રૃ,, મર્ચન્ટ ઓફ વેનિસ, કોમેડી ઓફ એરર્સ, વગેરે.

૧૮૬૧માં જ સુરત ખાતે આવેલી એન્ડ્રુસ લાઇબ્રેરીમા ટેમીંગ ઓફ ધ શ્રૃ ‘નઠારી ફિરંગણને ઠેકાણે આણી’ નામે દિનશાહ તાલ્યારખાનની આગેવાની હેઠળ રજૂ થયું. આ ઉપરાંત શેક્સપિયરના ભારતીય સંસ્કરણો પણ ભજવાયા. આનું એક ઉદાહરણ એટલે ‘ઓથેલો’ નાટકનું ગુજરાતી સંસ્કરણ યાને કે ‘સૌભાગ્યસુંદરી’ જેમાં જયશંકર ભોજકે હીરોઈન ડેસ્ડીમોના એટલે કે સુંદરીનું પાત્ર ભજવ્યું અને પ્રેક્ષકોને એટલું પસંદ આવી ગયું કે સુંદરી ઉપનામ એમના નામની પાછળ લાગી ગયું ને પછી આજીવન એ ‘જયશંકર સુંદરી’ તરીકે ઓળખાયા.

એ કાળે તખ્તા પર અંગ-કસરતના ખેલ, જાદુના ખેલ, ગીત-સંગીતના ખેલ,મૂક અભિનયના ખેલોનો પણ સમાવેશ થતો હતો. આથી નાટકને પણ ખેલ કહેવાતો. આથી વર્ષો સુધી નાટક મંડળીઓ એમનું નવું નાટક આવે ત્યારે કંપનીનો નવો ખેલ એમ કહેતી.

૧૮૬૨માં પ્રથમ ગુજરાતી નાટકના દિગ્દર્શક ફલુ ઘુસને નામે ઓળખાતા ફરામજી ગુસ્તાદજી દલાલે પ્રથમ વાર વિદેશી વાદ્ય હાર્મોનિયમનો ઉપયોગ કર્યો પછી તો આ ઓર્ગન જે પગપેટી નામે પણ ઓળખાતું વાદ્ય, ગુજરાતી રંગભૂમિનું અભિન્ન અંગ બની ગયું. આ મંડળીએ જ ગાયનોના છાપેલા કાગળો ઉપલા વર્ગના પ્રેક્ષકોને આપવા મંડ્યા જે પાછળથી પગપેટીની જેમ ગુજરાતી જૂની રંગભૂમિનું એક અંગ બની ગયું. ઓપેરાબુક તરીકે ઓળખાતા આ ચોપાનિયામાં ગીતો ઉપરાંત નાટક વિશેની બધી વિગતો રહેવા માંડી. અલબત્ત, આ મફત ન અપાતી, પ્રેક્ષકોએ આ અલગથી ખરીદવી પડતી. અમુક નાટ્યમંડળીના માલિકોએ આ ઓપેરા બુકમાંથી અઢળક નાણાં કમાઈને બંગલા બાંધ્યા હોય એવા કિસ્સાઓ પણ બન્યા છે.

૧૮૬૩માં સ્થાપાયેલી એલ્ફિન્સ્ટોનિયન ક્લબ/મંડળીએ ૭-૩-૬૪ના રોજ મોર્ટનનું ‘ગોઈંગ ટુ ધ ડર્બી’ રજૂ કર્યું જેમાં સાચુકલા ઘોડા અને ગાડી મંચ પર લાવવામાં આવેલા.

આમ આ બધી મંડળીઓએ ભેગા થઈને મનોરંજનનું એક અવનવું માધ્યમ ઊભું કર્યું ને તેને કારણે ગુજરાતી સમાજમાં એક નાટ્યશોખીન વર્ગ તૈયાર થયો. નાટ્યપ્રવૃત્તિને વધુ વ્યવસ્થિત અને વ્યવસાય સ્વરૂપ આપવાનો વિચાર પણ આ થકી જ ઉદ્ભવ્યો.

આ જ રીતે, ગુજરાતી પ્રથમ વ્યવસાયિક નાટ્યમંડળી પણ પારસીઓએ શરૂ કરી. કેખશરુ કાબરાજી નામે એક ગુજરાતી થિયેટરના અવ્વલ દરજ્જાના નાટ્યકર્મી હતા. કાબરાજીએ ફરામજી દલાલનો સહકાર મેળવ્યો. શેક્સપિયરનું ‘કોમેડી ઓફ એરર્સ’ ગુજરાતીમાં ભજવ્યું ‘ભૂલચૂકની હસાહસ’ના નામે.

કાબરાજીએ એક અગત્યનું સૂચન કર્યું કે મુંબઈમાં એક કાયમી સધ્ધર નાટ્યમંડળીની તાતી જરૂર છે. ત્રણ-ચાર આગેવાન કલાકારોએ ભાગીદારીમાં આવી મંડળી સ્થાપવી અને કલાકારોને પ્રયોગદીઠ અપાતા માનધનને બદલે મહિનાના પગાર પર રાખવા. આની અસર થઇ અને દાદાભાઈ ઠુંઠી, ફરામજી દલાલ, કાવસજી કોહીદરુ અને હોરમસજી મોદી એમ ચારેએ ભેગા મળીને ૧૮૬૮માં ‘વિક્ટોરિયા’ નાટક મંડળી સ્થાપી.

અત્યાર સુધી નાટકના પ્રયોગો વખતે ગીત -સંગીત અલગથી રજૂ થતા. કાબરાજીએ એક નાટક લખ્યું બેજન મનીજેહને એનું દિગ્દર્શન કર્યું. આ નાટકમાં પહેલી જ વાર સંગીતને મૂળ નાટક સાથે સાંકળી લેવામાં આવ્યું અને રંગમંચ પર આ અભિનવ પ્રયોગે સરસ આવકાર મેળવ્યો. આમ ગીતો ગુજરાતી નાટકના અભિન્ન અંગ બની ગયા ને નાટકો માટે ખાસ ગીતો લખાવવાની ને સંગીતબદ્ધ કરાવવાની પરંપરા શરૂ થઇ, જે આગળ જતાં નાટ્યસંગીત તરીકે ઓળખાઈ.

આ નાટકથી બીજી એક અગત્યની શરૂઆત થઇ. કલાકારો પાછળ એમણે ભજવેલા પાત્રોના નામ મૂકી એમને ઓળખવાની, જેમકે : ધનજી બેજન- જમસુ મનીજેહ…. આગળ જતા અન્ય કલાકારો પણ આ રીતે ઓળખાયા જેમ કે કેશવલાલ કપાતર- આણદજી કબૂતર, છગન રોમિયો ,વિગેરે. એક ત્રીજી સિદ્ધિ આ નાટકે મેળવી તે હતી-આ આખું નાટક એના ગીતો સહિત છાપવામાં આવ્યું ને આમ ભજવાયું હોય તેવું પહેલું મુદ્રિત થયેલું નાટક બન્યું.

આ નાટકની સફળતાથી પોરસાઈને મંડળીના ભાગીદારોએ નવું થિયેટર બાંધવાનું વિચાર્યું અને ગ્રાન્ટ રોડ થિયેટર નજીક હજાર પ્રેક્ષકો બેસી શકે એવું વિક્ટોરિયા થિયેટર બનાવ્યું. આમ ૨૪ વર્ષ પછી મુંબઈને બીજું નાટ્યગૃહ મળ્યું.

એદલજી ખોરીએ લખેલું ‘રુસ્તમ અને સોહરાબ’ નાટક આ કંપનીએ ભજવ્યું ને યુરોપિયન ચિત્રકાર પાસે નાટકનાં પડદા ચીતરાવવામાં આવ્યા ને વિશેષમાં એમાં નાટકમાંના ગીતો માટે ગુજરાતી સાહિત્યના લોકપ્રિય કવિ દલપતરામ ડાહ્યાભાઇ પાસે ગીતો લખાવ્યા ને તખ્તા પર પ્રથમ વાર ગુજરાતી સાહિત્યકાર અને કવિનો પ્રવેશ થયો.

આ અગાઉ અંગ્રેજી નાટક પરથી દલપતરામે તરજુમો કરેલું લક્ષ્મી નામનું નાટક પુસ્તક રૂપે છપાયું હતું ને લોકચાહના પામેલું.

મુંબઈનું એક કાળનું દોલત થિયેટર મૂળે હતું બાલીવાળા થિયેટર. ખુરશેતજી મેરવાનજી બાલીવાળા નામના થિયેટર કંપનીના માલિક જેઓ અચ્છા હાસ્ય કલાકાર પણ હતા તે એમની નાટક મંડળીને દરિયાપાર -બર્મા, શ્રી લંકા, થાઈલેન્ડ અને ઇંગ્લેન્ડ લઇ જનારા પ્રથમ ભારતીય હતા.

કેખશરુ કાબરાજીની વિશાલ દૃષ્ટિ હેઠળ જે નવી મંડળીનું ઘડતર થયું તે હતી ‘નાટક ઉત્તેજક મંડળી’. વિકટોરિયા નાટક મંડળીમાંથી છૂટા થયેલા ફરામજી દલાલ, કાવસજી કોહીદાર અને હોરમસજી મોદીએ કાબરાજીની સલાહ ને સહકારથી ૧૮૭૫ની શરૂઆતમાં આ મંડળી સ્થાપી. મંડળીએ કરેલું બીજું નાટક હતું દીવાન બહાદુર રણછોડભાઈ ઉદયરામ લિખિત ‘હરિશ્ર્ચંદ્ર’. અગાઉ આ નાટક સફળ નહોતું થયું, પરંતુ કાબરાજીને આમાં ઘણી સંભાવના દેખાઈ અને એમણે રણછોડભાઈની નાટકમાં ગીતો ઉમેરવાની, ફેરફાર કરવાની પરવાનગી માગી જે એમણે રાજીખુશીથી આપી. પારસી કલાકારોને શુદ્ધ ગુજરાતીમાં લખાયેલા સંવાદોની કડક ટ્રેનિંગ આપી તૈયાર કર્યાં. કાબરાજીની દીર્ઘદૃષ્ટીનું બીજું ઉદાહરણ હતું. ગ્રાન્ટરોડ થિયેટરને બદલે હાલ મેટ્રો થિયેટરની સામે આવેલ ફરામજી કાવસજી ઇન્સ્ટિટ્યૂટનો હોલ વાર્ષિક પટ્ટે લીધો. ૩૦- ૧૦-૧૮૭૫ના રોજ આ નાટકનો પ્રથમ પ્રયોગ થયો ને પ્રથમ જ પ્રયોગથી નાટક ઉપડ્યું. સફળ નીવડેલા આ નાટકને ગુજરાત અને સૌરાષ્ટ્રના રજવાડા તરફથી પણ સારું પ્રોત્સાહન મળ્યું. ધમધોકાર ચાલેલા નાટકે ગ્રાન્ટ રોડના થિયેટરોને મંદીની ઝપેટમાં લઇ લીધા એમ કહેવાય છે. લીઝની મુદત પુરી થતી હતી માલિકો મૂંઝાણા. કાબરાજીએ રસ્તો કાઢ્યો એમણે ક્રાફડ માર્કેટની પાસે આવેલી જગા (હાલનું પોલીસ સ્ટેશન)અમુક સમયના પટ્ટે ભાડે લીધી. અહિ લાકડાની ફરતી દીવાલવાળી કામચલાઉ નાટકશાળા સ્થાપીને નામ આપ્યું ‘એસ્પ્લેનેડ થિયેટર’. ત્રીજું નાટક પણ રણછોડભાઈનું જ લીધું ‘નળ- દમયંતી’. એમાં પણ રાબેતા મુજબના ફેરફાર કરી ૧૬-૧૨-૭૬ના રોજ પહેલો પ્રયોગ કર્યો. આ નાટકને પણ પ્રેક્ષકોનો અભૂતપૂર્વ પ્રતિસાદ મળ્યો. સંખ્યાબંધ હિન્દુ સ્ત્રીઓ એમના નાનાં બાળકોને લઈને નાટક જોવા આવતી. એમની સગવડતા ખાતર કાબરાજીએ એક નવતર પગલું ભર્યું. એમણે નાટકશાળાના કમ્પાઉન્ડમાં હિંચકા-ઝોળીઓની વ્યવસ્થા કરી અને તેને માટે ખાસ રક્ષકો રાખ્યા. આ વ્યવસ્થા ઉભયપક્ષને માટે ફાયદાકારક રહી.

ગુજરાતી સાક્ષરોને આ પ્રવૃત્તિમાં શામિલ કરવા માટે એમણે એક અગત્યનું પગલું ભર્યું. પ્રખ્યાત કવિ લેખક એવા નર્મદાશંકર દવે ઉર્ફે કવિ નર્મદનો સંપર્ક કરી એમના લખેલ નાટક ‘રામજાનકી દર્શન’માં ઘટતા ફેરફાર કરી-ગીતો ઉમેરી ‘સીતાહરણ’ને નામે રજૂ કર્યું.

નળ- દમયંતી નાટકની સફળતાએ મુંબઈની અમુક શાળાઓના ગુજરાતી શિક્ષકોમાં અનેરો ઉત્સાહ જગાડ્યો. આજની ભાષામાં કહીયે તો નાટકનો સોલ્ડ આઉટ શો પોતાની સંસ્થા માટે રાખવા એ લોકો ફરામજી દલાલ પાસે આવ્યા ને પૈસાની બાબતમાં કંઈ વાંધો પડ્યો એમાં બોલાચાલી થઈ ને પડકારરૂપે પોતાની નાટકમંડળી કાઢવાનું વિચાર્યું. આના માટે એ લોકો રણછોડભાઈને મળ્યા. એમણે પોતાનું નાટક ‘લલિતા દુ:ખદર્શક’ ભજવવાની પરવાનગી આપી. આમ શ્રી ‘ગુજરાતી નાટક મંડળી’, જે ‘મહેતાજી નાટક મંડળી’ તરીકે જાણીતી થઇ તે બની પારસી ગુજરાતી નાટક કંપનીઓ પછીની પહેલી હિંદુ ગુજરાતી નાટક મંડળી. એમનાં ‘લલિતા દુ:ખદર્શક’ ને અપ્રતિમ સફળતા મળી. આ જોઈને બીજી ઘણી હિન્દુ ગુજરાતી નાટ્ય કંપનીઓ મુંબઈ, ગુજરાત તેમજ સૌરાષ્ટ્ર ખાતે ઊભી થઇ, જેમ કે અમદાવાદમાં ડાહ્યાભાઈ ઝવેરીની દેશી નાટક સમાજ, મોરબીની વાઘજી આશારામ ઓઝા ને મુળજી આશારામ ઓઝાની શ્રી આર્ય સુબોધ નાટક મંડળી વગેરે અને પછી તો હિન્દુ નાટ્ય મંડળીઓ બધે છવાઈ ગઈ. અ પછી પારસી નાટ્ય મંડળીઓએ પોતાનું ધ્યાન પછી હિન્દુસ્તાની થિયેટર તરફ કરી દીધું ને એમણે સમગ્ર ભારતમાં હિન્દુસ્તાની થિયેટર જે ‘પારસી થિયેટર’ તરીકે ઓળખાતું તેનો ડંકો વગાડ્યો.

આમ ‘નાટક ઉત્તેજક મંડળી’ સુધી જૂની ગુજરાતી રંગભૂમિનો પૂર્વાર્ધ સાથે સમાપ્ત થયો. શ્રી ગુજરાતી નાટક મંડળીથી તે ભાંગવાડી દેશી નાટકના અંત સુધી જૂની રંગભૂમિનો ઉત્તરાર્ધ ચાલ્યો એની રસિક વાતો ફરી કયારેક…

‘વિશ્ર્વ રંગભૂમિ દિવસ’ના સહુને વધામણા ને આજની ગુજરાતી રંગભૂમિ ફરી પાછુ કાઠું કાઢે ને નામ ગજાવે એવી અભિલાષા સાથે આવજો…

(સંદર્ભ ગ્રંથ ગુજરાતી રંગભૂમિનું ઇતિહાસ દર્શન લેખક- જયંતીલાલ ત્રિવેદી અને મધુકર રાંદેરિયા.)

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button