ઈન્ટરવલ

યુવાવર્ગને આકર્ષે એવા નાટક લખવા જોઈએ

રક્ષા દેસાઈ

આજે ‘વિશ્ર્વ રંગભૂમિ દિવસ’ નિમિત્તે રંગભૂમિને કેન્દ્રમાં રાખી ‘મુંબઈ સમાચાર’ ટીમે જે આવકારદાયક પ્રયાસ કર્યો છે એ માટે એને હાર્દિક અભિનંદન ….

આ અવસરે,રંગભૂમિ સાથે સંકળાયેલી સુમધુર અને સોનેરી સ્મૃતિઓ ઢંઢોળી પ્રિય વાચકો-દર્શકો સમક્ષ રજૂ કરવાની તક મળી એનો હરખ છે.

મેં નાટકમાં કામ કરવાનું શરૂ કર્યું જગદીશ શાહના ‘સોહાગણ’ (૧૯૬૨ – ૬૩) નાટકથી. હું ભૂલતી ન હોઉં તો વિશ્ર્વરંગભૂમિ દિવસની ઉજવણી પણ ૧૯૬૨થીજ શરૂ થઈ હતી. જો કે, પપ્પા (પ્રફુલ દેસાઈ, રંગભૂમિના સિદ્ધહસ્ત લેખક-ગીતકાર- દિગ્દર્શક)ને નાટ્ય પ્રવૃત્તિ સાથે ઘરોબો હોવાથી અમારા માટે તો જાણે દર રોજ રંગભૂમિ દિવસ હતો એમ કહી શકાય.

મારી શરૂઆત નવી રંગભૂમિથી થઈ. જૂની રંગભૂમિ માટે મેં પહેલું નાટક કર્યું શ્રી દેશી નાટક સમાજનું ‘સંપત્તિ’ માટે ૧૯૬૮માં રંગભૂમિનો એ સુવર્ણકાળ હતો. જાણતા નહીં હોય એ લોકો અચંબો પામી જશે કે આડા વારમાં જૂનાં નાટકો થાય અને શનિ – રવિ નવાં નાટકો ભજવાય. અને હા, એક પણ સંસ્થા માટે સોલ્ડ આઉટ શો નહીં. થિયેટર પરથી ટિકિટ વેચાણથી નાટકો હાઉસફુલ થતા. જૂની રંગભૂમિનાં નાટકોમાં અભિનય – સંગીતની જુગલબંધીને કારણે કલાકારની પ્રતિભા વિકસતી અને પ્રેક્ષકોને બહુવિધ લાભ થતો. એક નાટક (નામ યાદ નથી)માં ‘માનવીના મનસૂબાના મૂલ કોડી કોડી’ ગીત રડીને મારે ગાવાનું હતું, પણ એમાંય વન્સમોર મળતો. બીજા પણ કેટલાક ઉદાહરણ છે…

જૂની રંગભૂમિમાં મારા સહિત અનેક કલાકારોને ઘણું શીખવા મળ્યું. અવાજની ક્લેરિટી, માઈક વગર સંવાદ અને ગીત છેલ્લી હરોળમાં બેઠેલા પ્રેક્ષકને પણ બરાબર સંભળાય એ રીતે બોલવાની આવડત વગેરે તાલીમ મળી. એકંદરે કથા અને ગીત – સંગીતનું નાટ્ય બંધારણ પ્રેક્ષકોને બે વાત શીખવી આનંદ પણ કરાવતું. ‘પૈસો બોલે છે’માં છપ્પા (છ પદ – ચરણ કે પંક્તિઓની રચના) બોલવાની બધા કલાકારને બહુ મજા આવતી હતી. છપ્પા પ્રેક્ષકોને એ હદે પ્રિય હતા કે કલાકાર એના છેલ્લા શબ્દો બોલે જ નહીં, પ્રેક્ષકો કોરસમાં બોલે ને ગજબના હરખાય. આવું બોન્ડિંગ હતું નાટક અને પ્રેક્ષક વચ્ચે.

હવે એ પ્રેક્ષક નથી રહ્યા. જૂની રંગભૂમિનાં નાટકોમાં સમાજ કેવો હોવો જોઈએ એ દર્શાવવામાં આવતું જ્યારે નવી રંગભૂમિમાં સમાજ કેવો છે એની રજૂઆત રહેતી.

એવાં ઘણાં નાટક છે જે હું આજે પણ નથી ભૂલી. કેટલાંક એવાં છે જેમાં મેં કામ કર્યું હોય અને એવા પણ અમુક છે જેમાં મેં કામ ન કર્યું હોવા છતાં મને એ જોવા બહુ જ ગમ્યા છે. જૂની રંગભૂમિના બધાં જ નાટકો મને વહાલાં છે: ‘સંપત્તિ’, ‘પૈસો બોલે છે’, ‘વિમળ જ્યોતિ’, ‘ગર્ભશ્રીમંત’ જ્યારે નવી રંગભૂમિના ‘કુંવર વહેલા રે પધારો’ અને ‘ચૌરંગી’ યાદગાર નાટકો છે. ‘ચૌરંગી’માં ૧૫ મિનિટનોએક સીન હતો ,જેમાં હું ફક્ત ફોન પર બોલું છું પણ વિવિધ છટાઓ સાથે. એમાં હું હસબન્ડ જોડે ઝઘડું છું, થોડી રોમેન્ટિક આપ- લે પણ થાય છે. દીકરી જોડે પણ વાત કરું છું. અભિનેત્રી માટે, દિગ્દર્શક માટે અને લેખક માટે એક પડકાર હતો કે આવાં દ્રશ્ય પ્રેક્ષકને જકડી રાખે, એને કંટાળો ન આવવો જોઈએ. આ પ્રકારની ચીવટ અનેક નાટક બનાવતી વખતે રાખવામાં આવતી અને એટલે જ પ્રેક્ષકો એ જોવા હોશે હોશે આવતા હતા.

આજે ઓફબીટ સબ્જેક્ટ નાટકોમાં ઓછા નજરે પડે છે એવી એક ફરિયાદ છે.સાવ અલગ પ્રકારના વિષયો પર નાટક લખવાનાપ્રયત્નો ૫૫ વર્ષ પહેલાં પણ થતા હતા. આજે પણ લખાય છે. સુંદર રીતે ભજવાય છે. ‘કોડ મંત્ર,’ ‘સફરજન’ વગેરે એના લાક્ષણિક ઉદાહરણ છે. જો કે, આવી છૂટીછવાઇ થતી કોશિશનું પ્રમાણ વધવું જોઈએ. એવાં નાટકો લખવાની અને એનું નિર્માણ કરવાની હિંમત વધુ વ્યાપક બનવી જોઈએ.

અલબત્ત, આજે નાટક ભજવવું પહેલાં કરતાં ખર્ચાળ બની ગયું છે. ત્રિઅંકી નાટકો બંધ થઈ ગયા અને હવે દ્વિઅંકી થઈ ગયાં છે. આવતી કાલે રંગભૂમિ કઈ દિશામાં આગળ વધશે એનો કોઈ ચોક્કસ જવાબ આપવો શક્ય નથી.પ્રેક્ષકોને પાછા લાવવા નાટકનો વિષય એવો હોવો જોઈએ કે જે પ્રેક્ષકને છેલ્લે સુધી જકડી રાખે. જોક્સના ઢગલા કરી નાખે એવા કોમેડી નાટકો હવે ન થવા જોઈએ. એ ઢગલામાં પૂળો મુકવાની જરૂર છે એવું ઘણા લોકોનું માનવું છે. ૧૯૫૦ની આસપાસ પપ્પાએ ‘સ્વપ્નદ્રષ્ટા’ નાટકમાં હિરોશિમા પર બોમ્બાર્ડિંગ થયું હતું એ વિષય લીધો હતો. એમાં બોમ્બવર્ષાથી મકાનો પડે છે એ સ્ટેજ ઉપર બતાવ્યું હતું. પ્લોટમાં પણ નાવીન્ય હતું. દુર્ઘટનામાં બે વ્યક્તિ છૂટી પડી જાય છે અને પછી સર્જરી કરાવ્યા બાદ પાછા મળે છે, પણ એકબીજાને ઓળખી નથી શકતા અને પછી મૂંઝવણ અને ગેરસમજ ઊભી થાય છે અને નાટક આગળ વધે છે એવું કંઈક હતું. એક્ઝેક્ટ વાર્તા અત્યારે યાદ નથી. કહેવાનું તાત્પર્ય એ કે ૭૫ વર્ષ પહેલા ટાંચા સાધનમાં જો આવા અલાયદા વિષય પર નાટક લખીને ભજવી શકાતા હતા તો આજે તો ટેકનોલોજી એક માગો ત્યાં અગિયાર મદદ આપવા તૈયાર છે એ પરિસ્થિતિમાં અમાપ સંભાવનાઓ છે, પણ પ્રેક્ષકોને ફરી નાટક જોવા થિયેટર તરફ આકર્ષવા હોય તો યુવા પેઢીને પણ રસ પડે એવા વિષય નાટકમાં આવરી લેવા જોઈએ, જેમ કે છેલ્લા કેટલાક સમયથી લિવ ઈન રિલેશનશિપનો મુદ્દો ખાસ્સો ચર્ચામાં રહ્યો છે. મુદ્દો છે સંવેદનશીલ, પણ એ કેન્દ્રમાં રાખી અલાયદું નાટક તૈયાર થઈ શકે. અલબત્ત, લેખનમાં અને દિગ્દર્શનમાં ખૂબ સજાગતા હોવી જોઈએ. નહીં તો નાટકને અવળે રસ્તે ફંટાઈ જતા વાર ન લાગે.
ઘણાં વર્ષ પહેલાં ‘લાડકવાયો’ નામનું નાટક ભજવાયું હતું , જેમાં હિરોઈનને બાળક નથી થતું અને એટલે એને ત્યાં આવતા ડોક્ટર સાથે એ સંબંધ રાખે છે. ૧૯૪૫માં હિંમત કરી આવા પ્રયોગ થતા હતા. આજે તો સમાજ ઘણી મુક્ત વિચારસરણી ધરાવે છે તો આવા કે બીજા પ્રયોગો થવા જોઈએ.

આજકાલ ‘એઆઈ’ તરીકે ઓળખાતી આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ વિશ્ર્વ સમસ્તમાં ચર્ચાની એરણે છે. સોશિયલ થીમવાળા નાટકમાં જેમાં કોઈ એક પરિવાર હોય અને એને કોઈ અણધારી સમસ્યા આવી પડે. ઉકેલ ન મળવાથી બધા મૂંઝાઈ જાય અને ત્યારે પરિવારનો એક યંગસ્ટર ‘એઆઈ’ની મદદથી સમસ્યા ઉકેલી દે એ પ્રકારનું નાટક લખાય તો વડીલો અને યુવા વર્ગ બંનેને રસ પડી શકે.
બીજો એક વિચાર એમ પણ આવે છે કે થ્રિલર કે સસ્પેન્સ નાટકમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ રહસ્ય પરથી પડદો ઊંચકી નિર્દોષને ઉગારી લે અને અસલી ગુનેગાર સકંજામાં આવી જાય. આ દિશામાં નાટક લખવા વિચારી શકાય. આવા સાવ નવા અને હેરત પમાડે એવા વિષયનાં નાટકો આવશે અને જૂની પછી નવી અને આવતી કાલે અદ્યતન રંગભૂમિ આવશે એ સંભાવના હું નથી નકારતી.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
2024માં આ સેલિબ્રિટી કપલ છૂટા પડ્યા હાર્દિક જ નહીં આ Legends Cricketerની Married Lifeમાં ભંગાણ પડ્યા છે સાચી રીતે નહાવાની રીત જાણો છો? એક કિડની પર કેટલા સમય જીવી શકાય? જાણો Experts શું કહે છે…