ઈન્ટરવલ

રંગભૂમિ ત્યારે ને અત્યારે…

વિપુલ વિઠ્ઠલાણી

૧૯૭૧માં આવેલી રાજ કપૂરની ફિલ્મ ‘કલ, આજ ઔર કલ’નું ટાઇટલ એટલું સુંદર હતું કે આજની તારીખમાં પણ આપણા જીવનનાં દરેક ક્ષેત્રમાં એ સુસંગત છે. હું રંગભૂમિ સાથે સંકળાયેલો છું અને ખાસ કરીને ગુજરાતી રંગભૂમિ એટલે રંગભૂમિની ગઇ કાલ, આજ અને આવતી કાલ આપની સાથે શેર કરવી ગમશે.

આમ તો રંગભૂમિનો ઇતિહાસ વર્ષો જૂનો છે. એટલો જૂનો કે જો બહુ ખોદવા જાઓ તો એનાં મૂળિયાં કદાચ મહાભારતના સમય સુધી પણ પહોંચી જાય, પણ આપણે એટલા ભૂતકાળમાં ન જતા થોડીક નજીકની ગઈ કાલની રંગભૂમિ અને આજની રંગભૂમિમાં શું ફેરબદલાવ કે પરિવર્તન આવ્યા છે એ વિશે વાગોળીએ.

મને યાદ છે ૪૫ વર્ષ પહેલાં જ્યારથી હું બાળનાટકો થકી સવેતન રંગભૂમિમાં જોડાયો ત્યારથી જ મને નાટકો પ્રત્યે જબરું આકર્ષણ રહ્યું છે. એટલે આટલાં વર્ષોના શાહેદ-સાક્ષી રહીને તેમ જ વડીલ અને અનુભવી નાટ્યકર્મીઓ પાસેથી જે જાણવા કે સાંભળવા મળ્યું છે એ જણાવું.

દુનિયામાં કુદરત સિવાય કોઈ મફતમાં કશું જ કરતું નથી. એક હાથ દે, એક હાથ લે-વાળો ઘાટ પહેલેથી ચાલતો આવ્યો છે. પણ આનાથી વિપરીત એક જમાનો એવો હતો જ્યારે માત્ર અવેતન રંગભૂમિ ચાલતી. એમાં કલાકાર-કસબીઓએ કામ તો કરવાનું પણ કોઈપણ પ્રકારની અપેક્ષા વગર. રાજીખુશીથી કશુંક મળ્યું તો ઠીક, બાકી ઇલ્લે ઈલ્લે. જો કે, ધીમેધીમે સમય બદલાવા લાગ્યો અને ઉદય થયો સવેતન રંગભૂમિનો. કલાકાર-કસબીઓને એમની કળા બદલ મહેનતાણું મળવાનું ચાલું થયું. સાંભળવા મળ્યા મુજબ એક સમયે કલાકારો પગાર પર હતા. મહિનામાં કેટલા પણ પ્રયોગો થાય, એમની એક રકમ ફિક્સ. પણ પછી એમાં પણ બદલાવ આવ્યો અને કલાકાર- કસબીઓને પ્રયોગદીઠ મહેનતાણું મળવાનો શિરસ્તો ચાલુ થયો જે આજ સુધી ચાલતો આવ્યો છે.

આ મહેનતાણાંને નાટકની ભાષામાં ગુજરાતીઓ ‘કવર’ કહે છે તો મરાઠીઓ ‘પાકિટ’. એવું પણ સાંભળવામાં આવ્યું છે કે એક વખત એવો હતો જ્યારે એક જ દિવસે નાટકના બે પ્રયોગ હોય તો કલાકાર-કસબીઓને બેને બદલે માત્ર દોઢું જ કવર મળતું, પણ અમુક નાટ્યકર્મીઓના વિરોધને કારણે એ પ્રથા બંધ થઈ ગઈ.

પહેલાના વખતમાં રંગભૂમિ પર કળા દર્શાવાને મુખ્ય વ્યવસાય તરીકે ગણવામાં ન આવતો, કારણ કે ત્યારે એટલાં બધાં મંડળો કે સંસ્થાઓ નહોતાં કે ખૂબ બધા પ્રયોગો થાય. કલાકારે જીવનનિર્વાહ માટે પોતાનું ગાડું ચલાવવા બીજે ક્યાંકને ક્યાંક નોકરી કે નાનો-મોટો કામ-ધંધો કરવાં પડતાં. આવામાં મુખ્યત્વે કલાકારો બઁકમાં નોકરી કરવાનું પસંદ કરતા, જેથી મોટા ભાગે શનિ-રવિવારે ભજવાતા નાટકોના પ્રયોગો વખતે છુટ્ટી મળવવામાં આસાની રહે, પણ ૯૦ના દાયકા પછી કિસ્મત નાટ્યકર્મીઓની તરફેણમાં આવવા લાગી અને મંડળો તેમ જ સંસ્થાઓની વધતી જતી સંખ્યાને કારણે નાટકોના પ્રાયોજિત સહિત મહિને સરેરાશ ૨૦થી ૨૨ પ્રયોગો થવા લાગ્યા. પરિણામ સ્વરૂપ આજે મોટા ભાગના નાટ્યકર્મીઓ માત્ર રંગભૂમિ પર જ નભે છે અને એમનું ગાડું પૂરપાટ દોડે પણ છે. જો કે , ૨૦૨૦ના કોરોના કાળ પછી રંગભૂમિને જાણે કોઈકની નજર લાગી ગઈ હોય એમ પાછો બદલાવ આવ્યો. સંસ્થાઓની સંખ્યા મોટી માત્રામાં ઓછી જવાથી ટાંચા પ્રાયોજિત પ્રયોગો અને ટિકિટ ખર્ચીને નાટક જોવા આવનાર પ્રેક્ષકોની ઘટતી જતી સંખ્યાનાં કારણે સો કે દોઢસો શોનો આંકડો પાર કરવો મુશ્કેલ બની ગયો છે. ટિકિટ ખરીદવાની વાત નીકળી જ છે તો એ પણ જણાવી દઉં કે એક વખત એવો પણ હતો જ્યારે લોકોને નાટકના પ્રયોગની જાણકારી આપવા એક માણસ ભાડે રખાતો જે આખો દિવસ સાઈકલ કે ગાડામાં લાઉડ સ્પીકર લઈને જાહેરાત કરતો ફરતો. સમય જતા એ પ્રથા બંધ થઈ ગઈ અને અખબારોમાં જાહેરાતોની સાથે કલાકારો-કસબીઓ પણ પુશ સેલિંગ કરવાનું ચાલુ કર્યું. એટલે કે એ પોતાનાં સગાં-સંબંધીઓ કે મિત્ર વર્તુળમાં અથવા તો ઘરેઘરે જઈને ટિકિટોનું વેચાણ કરતા, પણ મધુકર રાંદેરિયા અને જયંતી પટેલ અભિનીત રંગીલો રાજા નામક નાટકથી ક્રાંતિ આવી અને લોકો ટિકિટ ખરીદવા થિયેટર તરફ આકર્ષાવા લાગ્યા. ત્યારબાદ રંગભૂમિએ તો એવો સમય જોવાનું શરૂ કર્યું જ્યારે કાંતિ મડિયા, ઉપેન્દ્ર ત્રિવેદી, અરવિંદ ઠક્કર, પ્રવીણ જોષી, અરવિંદ જોષી, સરિતા જોષી, શૈલેષ દવે ,જગદીશ શાહ, દીપક ઘીવાળા જેવાં અનેક દિગ્ગજોનાં નાટકો જોવા બુધવારે સવારે નવ વાગ્યે બૂકિંગ-બારી ખૂલે એ પહેલાં જ ઍડવાન્સમાં ટિકિટ બૂક કરાવવા દોઢસો-બસો જણાની લાંબી લાઇન લાગી જતી. અને આજે વધતી જતી ટેક્નોલોજી અને ઈન્ટરનેટના જમાનામાં મોટા ભાગની જનતા ઘેરબેઠાં ઑનલાઈન જ ટિકિટ બૂક કરાવી લે છે. આમ છતાં આજે પણ થિયેટર પર જઈને ટિકિટ ખરીદવાવાળાઓનો એકનાનકડો વર્ગ તો છે .

જે જમાનામાં જ્યારે જૂજ પ્રાયોજિત સાથે માત્ર જાહેરપ્રયોગો ભજવી ૫૦ કે ૧૦૦થી વધારે શોનો આંકડો પાર કરવાને અનોખી સિદ્ધિ ગણવામાં આવતી ત્યારે સંતુ રંગીલી, બાણશય્યા, અભિનય સમ્રાટ, એની સુગંધનો દરિયો, મહારથી, બા રીટાયર થાય છે કે આજે ધંધો બંધ છે જેવાં અનેકાનેક નાટકોએ એ શિખર સર કરી બતાવ્યું હતું. એક માહિતી મુજબ પ્રીત, પિયુ ને પાનેતર નાટકે તો દસ હજારની આસપાસ પ્રયોગો ભજવ્યા છે. અને એટલે જ આવાં નાટકો આજે પણ નાટ્યરસિકોની સ્મૃતિમાંથી ભૂંસાતા નથી.

છેલ્લાં વીસ વર્ષમાં તો રંગભૂમિએ એવો સમય પણ જોયો છે જેમાં માત્ર ૩થી ૯ મહિના દરમિયાન ૧૦૦થી ૩૦૦ પ્રયોગો ભજવાતા વાર નહોતી લાગતી.

પહેલાંના વખતમાં લેખકો અને દિગ્દર્શકો નવા-નવા વિષયો લાવતા અને નિર્માતાઓ નવતલ પ્રયોગ કરવાની હિંમત પણ કરતા. એ જ નક્કી કરતા કે એમણે પ્રેક્ષકોને શું દેખાડવું છે તો સામે પક્ષે પ્રેક્ષકો પણ એને હોશેહોશે સ્વીકારીને વધાવી લેતા. જ્યારે આજકાલનાં નાટકોના વિષયોની ચૂંટણી પ્રેક્ષકો અને મંડળોને ધ્યાનમાં રાખીને થાય છે. કારણ કે સમય જતા પ્રેક્ષકોનો ટેસ્ટ બદલાયો છે. ૨૪ કલાક સ્ટ્રેસમાં ફરતો માણસ નાટકમાં મનોરંજન રૂપે ભરપૂર પ્રમાણમાં કોમેડી જોવાનું પસંદ કરતો હોય છે. અને એટલે જ ટિકિટ ખરીદતાં પહેલા એ ખાતરી કરી લેતો હોય છે કે નાટકમાં હસવાનું તો છેને? અને આ કારણે લેખકે નાછૂટકે અને પરાણે નાટકમાં કોમેડી દૃશ્યો કે પાત્રો ઉમેરવા પડતાં હોય છે. જો કે કોડમંત્ર, અંતિમ અપરાધ, કેસ નંબર ૯૯કે હું માધુરી દીક્ષિત જેવાં ઘણાં નાટકો એમાં અપવાદ છે. એક જમાનો હતો જ્યારે લોકોને લાઈવ પરફોર્મન્સ પ્રત્યે ખૂબ આકર્ષણ હતું. દર ત્રીજો પરિવાર નાટકનો રસિયો હોય. અરે, ત્યાં સુધી કે જૂની રંગભૂમિના જમાનામાં ક્યારેક ક્યારેક તો નાટકો સવાર સુધી ચાલતાં. ત્યારે તો ખુલ્લા મેદાનમાં સ્ટેજ બાંધીને પણ નાટકો ભજવાતાં. દક્ષિણ મુંબઈનાં કાલબાદેવી ખાતે ભાંગવાડીમાં નાટકો જોયાનું ઘણાના અતીતરાગમાં હશે, પણ ત્યારબાદ આરંભ થયો પ્રોપર ઑડિટોરિયમમાં ત્રિઅંકી નાટકોની ભજવણીનો જેને લોકો નવી રંગભૂમિ તરીકે ઓળખવા લાગ્યા. અને આ રીતે રંગભૂમિ વહેંચાઈ ગઈ બે ભાગમાં, જૂની રંગભૂમિ અને નવી રંગભૂમિ. સમયાંતરે પ્રેક્ષકો નવી રંગભૂમિ પ્રત્યે આકર્ષાવા લાગ્યા અને જૂની રંગભૂમિ ધીરે ધીરે લુપ્ત થઈ ગઈ. આજે હયાત લીલી પટેલ, સરિતા જોષી, રજની શાંતારામ, રક્ષા દેસાઇ, મહેશ્ર્વરીબેન કે મહેશ ઉદેશી જેવાં અનેક નસીબવંત કલાકારો એવાં છે જેમને બન્ને રંગભૂમિ પર ભજવવાનો લ્હાવો મળ્યો છે.

નવી રંગભૂમિ પરનાં નાટકો બે મધ્યાંતર સાથે લગભગ ત્રણથી સાડાત્રણ કલાક ચાલતાં. છેલ્લે છેલ્લે ચિત્કાર કે રમત શૂન ચોકડીની જેવાં ત્રિઅંકી નાટકો ભજવાયાંનું વાંચકોના સ્મૃતિપટ પર તો હશે જ. પણ પાછલા ત્રીસેક વર્ષોથી નોકરી-ધંધામાં સ્પર્ધાત્મક જિંદગી જીવતો પ્રેક્ષક નાટક જોવા પહોંચે છે મોડો અને એને પાછા જવું હોય છે જલદી. એટલે ત્રિઅંકીને બદલે રવૈયો ચાલુ થયો દ્વિઅંકી નાટકોનો, જેમાં બે અંક વચ્ચે એક મધ્યાંતર સાથે લગભગ અઢી પોણાત્રણ કલાકનાં નાટકો બનવા લાગ્યાં. આ પણ આજકાલ તો સમયની મારામારીને કારણે એ અવધિ પણ ટૂંકી થવા લાગી છે.

હમણાં જ એક નાટક જોયું જેના બન્ને અંક માત્ર ૫૦-૫૦ મિનિટના જ હતા. આનાથી આગળ આજકાલ અનેક જગ્યાએ પોકેટ થિયેટર્સ ચાલુ થયા છે જેમાં ઇન્ટરવલ વગર માત્ર ૫૦થી ૭૫ મિનિટનાં નાટકોની ભજવણી થાય છે. જોકે એનું ચલણ હજુ ઓછું છે. એક જમાનો હતો જ્યારે મુંબઈમાં ભુલાભાઈ હોલ, પાટકર, હિન્દુજા, તેજપાલ, ભારતીય વિદ્યા ભવન, બિરલા ક્રીડા કેન્દ્ર, બિરલા માતુશ્રી, નહેરુ, ચૌહાણ, ભાઈદાસ, ઠાકરે, ઝવેરબેન જેવાં થિયેટર્સમાં, અરે ત્યાં સુધી કે કે.સી. અને જયહિંદ કોલેજના ઑડિટોરિયમમાં પણ નાટકો ભજવાતાં, પણ આજની તારીખમાં તેજપાલ, ભવન, નહેરુ, અસ્પી અને ઠાકરે જેવાં પાંચેક ઑડિટોરિયમ જ કાર્યરત છે. ઝવેરબેન અને ચૌહાણમાં જવલ્લે જ શો થાય છે તો ભુલાભાઈ, હિન્દુજા, બિરલા ક્રીડા અને ભાઈદાસ પોતાનું અસ્તિત્વ ગુમાવી બેઠાં છે અને બાકીનાં થિયેટરો નાટક સિવાયની ઈત્તર પ્રવૃત્તિઓ માટે કાર્યરત છે. કોરોનાકાળ પહેલા પ્રેક્ષકોને તેજપાલ, ભવન કે નહેરુમાં રવિવાર કે જાહેરરજાના દિવસે બપોર-સાંજ જાહેરપ્રયોગો જોયાનું યાદ હશે જ. પણ છેલ્લા ચાર વર્ષથી બપોરના શો લગભગ બંધ જ થઈ ગયા છે, જે ખરેખર દુ:ખની વાત છે.

મુંબઈનાં નાટકોની બોલબાલા દેશ વિદેશમાં વર્ષોથી રહી છે. એક જમાનામાં ભારતથી પરદેશ જઈને વસેલા નાટ્યરસિકોને આનો લાભ ના મળતો. એક જાણકારી મુજબ પ્રીત, પિયુ ને પાનેતર નાટકે અમેરિકા, લંડન કે આફ્રિકા જેવા દેશોમાં પ્રયોગો યોજાવાનો ચીલો ચાતર્યો જે આજ સુધી ચાલી રહ્યો છે. ત્યારે વિદેશમાં નાટકો ભજવાતાં તો ખરાં પણ માત્ર સપ્તાહના અંતે. એટલે કે શુક્ર, શનિ અને રવિવારે જ. નાટકોની લાંબી-લાંબી ટૂર તો થતી પણ પ્રયોગો ઓછા થતા. ૨૦૦૦ના દાયકા બાદ ચિત્ર બદલાવા લાગ્યું અને ત્યાંના નાટ્યરસિકો વધારેને વધારે થિયેટર તરફ ખેંચાવા લાગ્યા. ત્યાં હવે સપ્તાહના કોઈ પણ દિવસે સાંજના સમયે પ્રયોગો ભજવવાના ચાલુ થઈ ગયા છે. એટલે આજની તારીખમાં અમેરિકાની બે મહિનાની ટૂરમાં ૩૫થી ૫૦ અને લંડનની ૨૫ દિવસની ટૂરમાં ૧૫થી ૨૦ પ્રયોગો ભજવવાનું શક્ય બન્યું છે. જો કે આફ્રિકામાં રડ્યાંખડ્યાં ૨-૫ પ્રયોગો જ થાય છે.

આ વિષય પર બીજો એક મુદ્દો એ પણ છે કે વિદેશના આયોજકો અમુક જ ગ્રુપનાં નાટકોને ત્યાં આમંત્રણ આપવાનું પસંદ કરે છે. જેના લીધે ત્યાંની પ્રજા બીજા ગ્રુપ્સનાં સારાં સારાં નાટકો જોવાથી વંચિત રહી જાય છે.

આ બધાની વચ્ચે નવાઈ લાગે એવી માહિતીનુસાર વર્ષો પહેલાં એટલે કે જૂની રંગભૂમિના કાળમાં નાટ્યકર્મીઓ રંગૂન, ઍડન કે કરાચી જેવાં અનેક સ્થળોએ દિવસોના દિવસો સુધી આગબોટમાં પ્રવાસ ખેડી નાટકો ભજવવા જતા.
એક જમાનો હતો જ્યારે આંતર-કોલેજ તેમ જ બીજી ઘણી નાટ્યસ્પર્ધાઓ થતી જેમાં ભાગ લઈ મોટાભાગના કલાકારો વ્યાવસાયિક રંગભૂમિ પર પોતાની કીર્તિ ફેલાવતા કારકિર્દી બનાવતા. કાંતિ મડિયા, પ્રવીણ જોષી, સિદ્ધાર્થ રાંદેરિયા, ટીકુ તલસાણિયા, સુરેશ રાજડા, હોમી વાડિયા, નીકિતા શાહ, મીનળ કર્પે, સુજાતા મહેતા, મુકેશ રાવળ, દિલીપ જોષી, જેડી, આતિશ કાપડિયા, શરમન
જોષી, વિપુલ મહેતા, દિલીપ રાવળ, અલ્પના બુચ, દીપાલી ભૂતા અને આ લખનાર જેવાં તો ઘણાં.. સમજોને કે ૭૦%થી વધારે કલાકારો આ સ્પર્ધાઓની દેન છે. પણ આજકાલ આંગળીના વેઢે ગણી શકાય એટલી જ સ્પર્ધાઓ યોજાય છે, જેનાં કારણે સ્પર્ધાઓને બદલે જીમ અને બ્યુટી પાર્લરમાંથી બહાર આવી કલાકારો અભિનય ક્ષેત્રે જોડાય જતા હોય છે.

એ વખતે નાટકો કરતાં કરતાં ટીવી પર કોઈક સિરિયલ કરવાનો મોકો મળે તો ઓહોહોહો થઈ જતું. અને એમાંય જો કોઈ ફિલ્મમાં તક મળે તો તો જીવન સાર્થક થઈ ગયું હોય એવી લાગણી અનુભવાતી. પણ આજકાલ ગંગા ઊંધી વહેવા લાગી છે. હવે તો ફિલ્મ, ઓટીટી કે ટીવીક્ષેત્રે દાળ ન ગળે એટલે મોટા ભાગના જુવાનિયાઓ રંગભૂમિ તરફ વળે છે. અને એમાંય જો ભૂલેચૂકે એ દરમિયાન એમને કોઈ સિરિયલ કે ફિલ્મ મળે તો નાટક છોડી દેતા તેઓ બિલકુલ ખચકાતા નથી. રંગભૂમિ અને અભિનય પ્રત્યે નિષ્ઠા કે પ્રોફેશ્નાલિઝમ ત્યારે જે જોવાં મળતાં એ અત્યારે જવલ્લે જ જોવા મળે છે.

આ તો થયા અમુક જ મુદ્દાઓ. એટલે આમ તો ગઈકાલ અને આજની રંગભૂમિ વિશે ચર્ચા કરવા બેસીએ તો પાનાંઓનાં પાનાં ભરાય જાય. પણ તંત્રીશ્રીના આદેશ અને સ્થળસંકોચને કારણે આપણે આ બધા અને આવા તો બીજા ઘણા મુદ્દાઓ વિસ્તારપૂર્વક પછી ક્યારેક વાગોળશું.

હવે જો રંગભૂમિની આવતીકાલ વિશે વાત કરવા જઈએ તો અમુક લોકોને રંગભૂમિનું ભવિષ્ય ભલે ધૂંધળું દેખાતું હોય પણ મને તો બાલાશંકર કંથારિયાની કૃતિનું એક વાક્ય યાદ કરાવવું યોગ્ય લાગે છે કે ન જાણ્યું જાનકીનાથે સવારે શું
થવાનું છે!.. ભલભલા કપરા કાળમાં અડીખમ ઊભેલી આ જીવંત કળાનાં અસ્તિત્વના નામશેષ થવાનાં કોઈ એંધાણ નથી. મોટાભાગે અભદ્ર ભાષાપ્રયોગ સાથે ભજવાતા સ્ટેન્ડઅપ કોમેડી શો તરફ આકર્ષાયેલી યુવા પેઢી બહુ જલદી આ તરફ પાછી વળશે એ ચોક્કસ છે. ટીવીના વધતા જતા ઉન્માદ અને ઓટીટી પ્લેટફોર્મના વ્યાપથી કંટાળીને લોકો આ જીવંત કળા જોવાનું ફરી પસંદ કરશે જ એમાં શંકાને કોઈ સ્થાન નથી… પણ આ બધું ક્યારે થશે એ તો માત્ર આપણો નટરાજા જ જાણે.

છેલ્લે એટલું જ કહીશ કે જ્યાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત
અને જ્યાં જ્યાં વસે એક નાટ્યપ્રેમી ત્યાં ત્યાં સદાકાળ રંગભૂમિ. આજે વિશ્વ રંગભૂમિ દિવસ નિમિત્તે સર્વ નાટ્યપ્રેમીઓને ઢગલાબંધ શુભેચ્છાઓ.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button