ચેન્નાઈ: આઈપીએલની ૧૭મી સીઝનમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન ચેન્નઈ સુપર કિંગ્સે મંગળવારે ગુજરાત ટાઇટન્સને ૬૩ રનથી હરાવીને નવા કેપ્ટન ઋતુરાજ ગાયકવાડના નેતૃત્વમાં સતત બીજો વિજય માણ્યો હતો. ચેન્નઈએ ચાર પોઇન્ટ સાથે પોઈન્ટ્સ-ટેબલમાં મોખરાનું સ્થાન લીધું છે. રાજસ્થાન બીજા સ્થાને અને કોલકાતા ત્રીજા નંબરે છે.
રવિવારે હોમ ગ્રાઉન્ડ અમદાવાદમાં મુંબઈને આંચકો આપનાર ગુજરાતની ટીમે ચેન્નઇ સામે મંગળવારે ચેપૉકમાં ૬૩ રનના તોતિંગ માર્જિનથી હાર સ્વીકારવી પડી હતી. ચેન્નઇએ બૅટિંગ મળ્યા બાદ ૨૦ ઓવરમાં છ વિકેટે ૨૦૬ રન બનાવ્યા હતા. શિવમ દુબે (૫૧ રન, ૨૩ બૉલ, પાંચ સિક્સર, બે ફોર) અને રાચિન રવીન્દ્ર (૪૬ રન, ૨૦ બૉલ, ત્રણ સિક્સર, છ ફોર)ના સૌથી મોટા યોગદાન હતા. ખુદ કેપ્ટન ગાયક્વાડે પણ ૪૬ રન બનાવ્યા હતા.
ગુજરાતની ટીમ જવાબમાં ૨૦ ઓવરમાં આઠ વિકેટે ૧૪૩ રન બનાવી શકી હતી. ચેન્નઇની બોલિંગ ઉપરાંત ફિલ્ડીંગ પણ અસરદાર હતી. રહાણેએ મિલરનો અફલાતૂન કૅચ પકડ્યો હતો. રાચિન રવીન્દ્રએ ત્રણ કૅચ પકડ્યા હતા.
ગુજરાતનો એકેય બૅટર ૪૦ રન પણ નહોતો બનાવી શક્યો. રવિવારે મુંબઈ સામે ગુજરાત વતી સૌથી વધુ ૪૫ રન બનાવનાર ઇમ્પેક્ટ પ્લેયર સાંઈ સુદર્શન ફરી એક વખત ૩૭ રન સાથે ટીમનો ટૉપ સ્કોરર હતો અને કેપ્ટન ગિલ (૮), મિલર (૨૧) તથા તેવટિયા (૬) અને રાશીદ ખાન (૧) સહિત તમામ બૅટર્સ ફ્લૉપ રહ્યા હતા.
ત્રીજી જ ઓવરથી દીપક ચાહર ત્રાટક્યો હતો અને ગિલ તેમ જ સાહા (૨૧)ને પૅવિલિયન ભેગા કર્યા હતા. ચાહર ઉપરાંત બેન્ગલૂરુ સામેની પ્રથમ જીતના હીરો મુસ્તફિઝૂર અને તુષાર દેશપાંડેએ બે-બે વિકેટ લેવા ઉપરાંત ગુજરાતના બૅટર્સને કાબૂમાં પણ રાખ્યા હતા. ડેરિલ મિચલ અને પથિરાનાને એક-એક વિકેટ મળી હતી.
ચેન્નઈએ દુબેની જગ્યાએ પથિરાનાને અને ગુજરાતે મોહિત શર્માના સ્થાને સુદર્શનને ઇમ્પેક્ટ પ્લેયર તરીકે રમવા બોલાવ્યો હતો.
દુબેને મૅન ઑફ ધ મૅચનો અવૉર્ડ અપાયો હતો.
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને