ત્રણ સત્રની આગેકૂચને બ્રેક: વિદેશી ફંડોના આઉટફ્લો અને અમેરિકન બજારોના નબળા સંકેત વચ્ચે સેન્સેક્સ, નિફ્ટીમાં પીછેહઠ
મુંબઈ: સતત વિદેશી ભંડોળના પ્રવાહ અને મિશ્ર વૈશ્વિક વલણો વચ્ચે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ અને એચડીએફસી બેન્ક જેવી ઈન્ડેક્સની અગ્રણી હેવીવેઇટ સ્ક્રીપ્સમાં થયેલા નુકસાનને કારણે મંગળવારે બેન્ચમાર્ક ઈક્વિટી ઈન્ડેક્સ સેન્સેક્સ અને નિફ્ટીમાં પીછેહઠ જોવા મળી હતી. સેન્સેક્સ ૭૨,૫૦૦ની નીચે ધસી ગયો હતો, જ્યારે નિફ્ટી ૨૨,૦૦૦ની નીચે જઇને માંડ પાછો ફરી શક્યો હતો.
બીએસઈનો ૩૦ શેરવાળો મુખ્ય બેન્ચમાર્ક ઈન્ડેક્સ સેન્સેક્સ ૩૬૧.૬૪ પોઈન્ટ અથવા ૦.૫૦ ટકા ઘટીને ૭૨,૪૭૦.૩૦ પોઇન્ટ પર સેટલ થયો છે. દિવસ દરમિયાન તે ૪૬૮.૯૧ પોઈન્ટ અથવા ૦.૬૪ ટકા ઘટીને ૭૨,૩૬૩.૦૩ પોઇન્ટની નીચી સપાટીને અથડાયો હતો. જ્યારે એનએસઇનો બેન્ચમાર્ક ઇન્ડેક્સ નિફ્ટી ૯૨.૦૫ પોઈન્ટ અથવા ૦.૪૨ ટકા ઘટીને ૨૨,૦૦૪.૭૦ પોઇન્ટ પર સેટલ થયો છે. સેન્સેક્સ બાસ્કેટમાંથી પાવરગ્રીડ, ભારતી એરટેલ, વિપ્રો, એચડીએફસી બેંક, કોટક મહિન્દ્રા બેંક, અલ્ટ્રાટેક સિમેન્ટ, એશિયન પેઈન્ટ્સ, ઈન્ફોસિસ અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ ટોપ લૂઝર્સ શેરોની યાદીમાં હતા, જ્યારે બજાજ ફાઇનાન્સ, એનટીપીસી, લાર્સન એન્ડ ટુબ્રો, એક્સિસ બેન્ક, ટાટા મોટર્સ, ઇન્ડસઇન્ડ બેન્ક અને બજાજ ફિનસર્વ ટોપ ગેઇનર્સ શેરોની યાદીમાં સમાવેશ હતો.
પ્રાઇમરી માર્કેટમાં આ સપ્તાહે ૧૪ જેટલા આઇપીઓ આવી રહ્યાં છે. મેઇન બોર્ડમાં ભારતી એરટેલની કંરની ભારતી હેક્સાકોમ રૂ. ૪૨૭૫ કરોડના આઇપીઓ સાથે ત્રીજી એપ્રિલે મૂડીબજારમાં પ્રવેશ કરશે. ભરણું પાંચમી એપ્રિલે બંદ થશે. પ્રાઇસ બેન્ડ રૂ. ૫૪૨થી રૂ. ૫૭૦ નક્કી થઇ છે. આ ભરણું ૭.૫ કરોડ ઇક્વિટી શેર અથવા ટેલિકોમ્યુનિકેશન ક્ધસ્ટન્ટ ઇન્ડિયાના ૧૫ ટકા હિસ્સાની ઓફર ફોર સેલ છે. એન્કર ઇન્વેસ્ટર માટે ભરણું બીજી એપ્રિલે ખુલશે. શેર બીએસઇ અને એનએસઇ પર લિસ્ટેડ થશે. એસએમઇ સેગમેન્ટમાં અલુવિન્ડ આર્કિટેક્ચરલ લિમિટેડ રૂ. ૨૯.૭૦ કરોડના આઇપીઓ સાથે ૨૮મી માર્ચે મૂડીબજારમાં પ્રવેશ કરી રહી છે. ઈશ્યૂનો ભાવ ઈક્વિટી શેર દીઠ રૂ. ૪૫ નક્કી કરવામાં આવ્યો છે. આ શેર એનએસઇ ઇમર્જ પ્લેટફોર્મ પર સૂચિબદ્ધ થશે. લઘુત્તમ લોટ સાઈઝ ૩,૦૦૦ ઈક્વિટી શેરની છે. ભરણું ચોથી એપ્રિલે બંધ થશે. લીડ મેનેજર કોર્પવિસ એડવાઈઝર્સ અને ઇશ્યૂ રજિસ્ટ્રાર સ્કાયલાઇન ફાઇનાન્શિયલ છે. અમેરિકાની ફેડરલ રિઝર્વ દ્વારા ડોવિશ સ્ટાન્સના સંકેત બાદ શેરબજારમાં પાછલા સપ્તાહના અંતિમ સતત ત્રણ સત્રમાં તેજીવાળાઓ હાવી રહ્યાં હતા, જોકે આ માત્ર ત્રણ સત્રના સપ્તાહમાં માસિક એક્સપાઇરી પણ આવતી હોવાથી અફડાતફડી અને ઊથલપાથલ જારી રહેવાની સંભાવના છે. આ જ સાથે બજારની નજર ખાસ કરીને વિદેશી ફંડો પર રહેશે. પીઢ અભ્યાસુઓ માને છે કે ફેડરલના બદલાયેલા વલણ સાથે એફઆઇઆઇનું વલણ પણ બદલાયું છે અને જો આ વર્ગની લેવાલી ચાલુ રહેશે તો નિફ્ટીને આગેકૂચ કરવામાં સરળતા રહેશે.
તાજું ફ્લેશબેક જોઇએ તો ફેડરલ રિઝર્વે આ વર્ષે ત્રણ દરમાં કાપના સંકેત આપ્યા બાદ યુએસ બજારોમાં રેકોર્ડ રેલીને પગલે ઇન્ડેક્સની મુખ્ય હેવીવેઇટ કંપનીઓમાં આવેલા ઉછાળાને કારણે બેન્ચમાર્ક પોઝિટીવ ઝોનમાં આગળ વધવામાં સફળ રહ્યાં હતા. જોકે, એ પણ નોંધવું રહ્યું કે, બેન્ચમાર્ક સેન્સેક્સ ૭૩,૦૦૦ની સપાટી પાર કરવામાં સફળ રહ્યો નહોતો. અમેરિકાની કેન્દ્રીય બેન્ક, ફેડરલ રિઝર્વના વ્યાજદરમાં કપાતને લગતા વલણના અકંબધ રાખવાના સંકેત સાથે ઇક્વિટી માર્કેટના સેન્ટિમેન્ટને મળેલા અમેરિકન કરંટને કારણે વૈશ્ર્વિક ઇક્વિટી બજારમાં સુધારાનો સળવળાટ શરૂ થયો છે. વૈશ્ર્વિક શેરબજારોમાં મજબૂત તેજીનો પવન ફૂંકાવાથી પણ સ્થાનિક બજારના સેન્ટિમેન્ટને ટેકો મળી રહ્યો છે.
એક તરફ સેબીની ચેતવણી અને ફંડોની સ્ટ્રેસ ટેસ્ટ બાદ રિડેમ્પશનના દબાણને કારણે નાના શેરોમાં વેચવાલી વધતી રહેવાની શક્યતા વચ્ચે મિડ અને સ્મોલકેપ શેરઆંકો પર દબાણ રહેવાની સંભાવનાની ચર્ચા વચ્ચે પાછલા સપ્તાહ દરમિયાન કેટલાક સત્રમાં મિડકેપ અને સ્મોલકેપ બેન્ચમાર્ક ઇન્ડેક્સમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો હતો. આજના મંગળવારના સત્રમાં મિડકેપ ઇન્ડેક્સમાં સાધારમ સુધારો અને સ્મોલ કેપ ઇન્ડેક્સમાં મામૂલી ઘસરકો જોવા મળ્યો હતો. આ સપ્તાહે સ્થાનિક બજારની ચાલનો આધાર વૈશ્ર્વિક ઇક્વિટી માર્કેટના વલણો અને ટૂંકા સપ્તાહ દરમિયાન વિદેશી રોકાણકારોની ટ્રેડિંગ પ્રવૃત્તિ પર રહેશે. ઉપરાંત ગુરુવારે ચાલુ મહિનાના ડેરિવેટિવ્ઝ સેગમેન્ટના માસિક વલણની સમાપ્તિ વચ્ચે મુખ્ય ઇક્વિટી બેન્ચમાર્કમાં અસ્થિરતા રહેવાની સંભાવના છે. આ સપ્તાહે બજારોમાં માત્ર ત્રણ ટ્રેડિંગ સેશન હશે. સોમવારે હોળી અને શુક્રવારે ગુડ ફ્રાઈડે નિમિત્તેે ઈક્વિટી બજારો બંધ રહેશે.
આંતરરાષ્ટ્રીય સ્તરે એશિયન બજારોમાં ટોક્યો નેગેટીવ ઝોનમાં ગબડ્યું હતું, જ્યારે સિઓલ, શાંઘાઈ અને હોંગકોંગ હકારાત્મક ક્ષેત્રમાં બંધ થયા હતા. યુરોપિયન બજારો ખૂલતા સત્રમાં મોટાભાગે ગ્રીન ઝોનમાં ટ્રેડ થઇ રહ્યાં હતાં. વોલ સ્ટ્રીટ સોમવારે નેગેટીવ ઝોનમાં સરક્યું હતું.
એક્સચેન્જના ડેટા અનુસાર વિદેશી સંસ્થાકીય રોકાણકારો (એફઆઇઆઇ)એ શુક્રવારે રૂ. ૩,૩૦૯.૭૬ કરોડની ઇક્વિટીનું વેચાણ કર્યું હતું. વૈશ્ર્વિક ઓઇલ બેન્ચમાર્ક બ્રેન્ટ ક્રૂડ ૦.૧૭ ટકા ઘટીને ૮૬.૬૦ ડોલર પ્રતિ બેરલ બોલાયું છે. શુક્રવારે ૩૦ શેરો ધરાવતો બીએસઇ સેન્સેક્સ ૧૯૦.૭૫ પોઈન્ટ અથવા ૦.૨૬ ટકા વધીને ૭૨,૮૩૧.૯૪ પર સેટલ થયો હતો. એનએસઇનો નિફ્ટી ૮૪.૮૦ પોઈન્ટ અથવા ૦.૩૯ ટકા વધીને ૨૨,૦૯૬.૭૫ પર પહોંચ્યો હતો. સોમવારે હોળી નિમિત્તે સ્થાનિક ઈક્વિટી બજારો બંધ રહ્યા હતા.