એકસ્ટ્રા અફેર

ભારતને હુમલા વિના પીઓકે કઈ રીતે મળે?

એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ

ભારતમાં રાજકારણીઓ નબળાઈ કે કાયરતા છૂપાવવા માટે ક્યારેક એવી વાત કરી નાંખતા હોય છે કે જે સાંભળીને ગધેડાને પણ તાવ આવી જાય. આપણા સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે પાકિસ્તાને પચાવી પાડેલા કાશ્મીર (પીઓકે)ના ભારતમાં ભળવા અંગે આવી જ વાત કરી છે. રાજનાથે પીઓકેનું ભારતમાં વિલિનીકરણ થશે એવો વિશ્ર્વાસ વ્યક્ત કર્યો છે ને સાથે સાથે ડહાપણ ડહોળ્યું છે કે, આપણે પીઓકેમાં હુમલો કરીને તેને કબજે કરવાની જરૂર પડવાની નથી કેમ કે પીઓકે સામેથી ભારતમાં ભળી જશે.

રાજનાથે દાવો કર્યો કે, પીઓકેમાં એવી સ્થિતિ સર્જાઈ રહી છે કે પીઓકેના લોકો ખુદ ભારતમાં વિલિનીકરણની માગ કરી રહ્યા છે. ભારતે આજ સુધી દુનિયાના કોઈ દેશ પર હુમલો કર્યો નથી કે કોઈની એક ઈંચ જમીન પર કબજો કર્યો નથી કેમ કે આ આપણું ચરિત્ર છે. પીઓકે આપણું હતું અને આપણું છે અને હું માનું છું કે પીઓકે પોતાની મેળે ભારતમાં આવી જશે. રાજનાથસિંહ હોળી મનાવવા માટે સરહદે ગયેલા ને એ વખતે તેમણે મીડિયાને આપેલા ઈટરવ્યૂમાં આ વાત કરી છે.

પીઓકે ભારતનો હિસ્સો છે એ વાત સો ટકા સાચી છે પણ આપણે કશું નહીં એટલે કે આક્રમણ નહીં કરીએ ને પીઓકે આપણા હાથમાં આવી જશે તેનાથી મોટું દીવાસ્વપ્ન બીજું કોઈ નથી. રાજનાથની તો શેખચલ્લી જેવી છે કેમ કે પીઓકેમાં પરિસ્થિતિ ગમે તેવી હોય ને લોકોમાં પાકિસ્તાન સામે ગમે તેવો આક્રોશ હોય પણ એ લોકોમાં એટલી તાકાત જ નથી કે ભારત સાથે ભળવાનું એલાન કરી શકે ને પાકિસ્તાનના લશ્કરને ભગાડી શકે.

પાકિસ્તાને લશ્કરી આક્રમણ કરીને પીઓકે પચાવી પાડ્યું છે. આપણે વળતો હુમલો કરેલો પણ પીઓકે પાછું લીધા પછી જ વાતનો અંત લાવવાના બદલે આપણે યુનાઈટેડ નેશન્સમાં ગયા તેમાં પીઓકે સાવ આપણા હાથથી જતું રહ્યું. આ પ્રદેશ પાછો લેવા માટે આપણે વરસોથી ફાંફા મારીએ છીએ પાકિસ્તાન મચક આપતું નથી. ઉલટાનું ચોરી પર સિનાજોરી કરીને પાકિસ્તાન તો આખા જમ્મુ અને કાશ્મીર પર પોતાનો અધિકાર બતાવે છે.

પાકિસ્તાને પચાવી પાડેલા કાશ્મીર (પીઓકે)માં લોકોનો પાકિસ્તાન સામેનો વાંધો આજકાલનો નથી. પીઓકેમાં લોકો પાકિસ્તાન સામે છેલ્લા બે દાયરાથી દેખાવો કરે છે, આક્રોશ ઠાલવે છે પણ તેનાથી કોઈ ફરક પડતો નથી કેમ કે પાકિસ્તાને પોતાનું લશ્કર ખડકીને આ વિસ્તાર પર કબજો કરી રાખ્યો છે. આ લશ્કરને હંફાવીને ખદેડવાની પીઓકેનાં લોકોમાં તાકાત નથી. પીઓકેની વસતી અને ત્યાંની ભૌગૌલિક પરિસ્થિતિ પર નજર નાંખીશું તો આ વાત સમજાશે.

પાકિસ્તાને પચાવી પાડેલા કાશ્મીરનો કુલ વિસ્તાર ૧૩,૨૯૭ ચોરસ કિલોમીટર છે. આ આખા વિસ્તારની વસતી પૂરી ૫૦ લાખ પણ નથી બલ્કે માંડ ૪૬ લાખની આસપાસ વસતી છે.
પીઓકેનો મોટા ભાગનો વિસ્તાર પહાડી છે તેથી છૂટીછવાઈ વસતી છે. પાકિસ્તાને પીઓકેમાં લશ્કરના જોરે કબજો કરી રાખ્યો છે. પીઓકેમાં એક પણ ફેક્ટરી નથી ને ૯૦ ટકા ઘરોમાં વીજળી નથી. લોકો સાવ નર્ક કરતાં બદતર જીંદગી જીવે છે. ૨૦૦૫માં આવેલા ભૂકંપમાં એક લાખ લોકો મર્યા અને ૩૦ લાખ લોકો બેઘર થઈ ગયા ત્યારે પાકિસ્તાન સરકારે કશું ના કરતાં ભડકેલાં લોકો ૨૦૦૫થી પાકિસ્તાનના લશ્કર સામે આક્રોશ ઠાલવીને દેખાવો કરે છે. પાકિસ્તાની લશ્કર અત્યાચારો કરીને તેમને દબાવી દેવા મથે છે પણ આક્રોશ વધતો જ જાય છે.ે

આ આક્રોશને સોશિયલ મીડિયાના કારણે પબ્લિસિટી મળે છે પણ દુનિયામાંથી કોઈ પીઓકેનાં લોકોના સમર્થનમાં આગળ આવતું નથી તેથી આ આક્રોશ વાંઝિયો છે. પીઓકેમાં લોકો આક્રોશ બતાવે ને પીઓકેમાં જ આક્રોશ શમી જાય. તેનાથી પાકિસ્તાની લશ્કરને જરાય ફરક પડતો નથી કે પાકિસ્તાનની સરકારને કોઈ ફરક પડતો નથી. આ સંજોગોમાં પીઓકેનાં લોકો પાકિસ્તાની લશ્કરને ભગાડી મૂકે એવી શક્યતા જરાય નથી. રાજનાથને ભલે પીઓકે સામેથી ભારતમાં ભળી જશે એવાં સપનાં આવતાં હોય પણ એ વાત તુક્કાથી વિશેષ કંઈ નથી.

વાસ્તવમાં ભારતે પીઓકે લેવું હોય તો ઈન્દિરા ગાંધીએ બંગલાદેશમાં અપનાવેલી એ રણનીતિ અપનાવવી પડે. ઈન્દિરા ગાંધીએ બંગલાદેશની પાકિસ્તાનથી આલગ થવાની લડત લડી રહેલા શેખ મુજીબુર રહેમાનને એક તરફ અહિંસક લડતમાં મદદ કરેલી ને બીજી તરફ હથિયારો આપીને મુક્તિવાહિની બનાવડાવીને પાકિસ્તાની લશ્કર સામે સશસ્ત્ર જંગ શરૂ કરાવડાવી દીધેલો. બંને તરફના આક્રમણ સામે પાકિસ્તાન ટકી ના શક્યું ને તેણે બાંગ્લા પ્રજા પર અત્યાચારો વધાર્યા. મુક્તિવાહિનીને ભારત તરફથી મળતી મદદ બંધ કરવા ભારત પર આક્રમણઁ કર્યું ને ભારતને તક મળી ગઈ. પીઓકેમાં પણ ભારતે એ તક પેદા કરવી પડે, લોકો હથિયારો લઈને પાકિસ્તાની લશ્કર સામે ઉતરે એ સ્થિતિ પેદા કરવી પડે.

આ સ્થિતિ પેદા થાય તો ભારતીય લશ્કર તો તૈયાર જ બેઠું છે. સવાલ રાજકીય ઈચ્છાશક્તિનો છે. આપણા આર્મી ચીફ જનરલ મનોજ મુકુંદ નારવણેએ ૨૦૨૦માં પત્રકાર પરિષદમાં ડંકે કી ચોટ પર કહેલું કે, બહુ વર્ષો પહેલાં આપણી સંસદે ઠરાવ પસાર કરેલો કે, સમગ્ર કાશ્મીર ભારતનું છે તેથી પાકિસ્તાને પચાવી પાડેલું કાશ્મીર (પીઓકે) પણ ભારતનું જ છે. ભારતની સંસદ ઈચ્છતી હોય કે, પીઓકે પર પણ ભારતનો કબજો થાય તો એ માટે આદેશ આપે, અમે ચોક્કસ કાર્યવાહી કરીશું.

આપણી સંસદે ૨૦૧૬ના નવેમ્બરમાં ઠરાવ પસાર કરેલો કે, પાકિસ્તાને પચાવી પાડેલું કાશ્મીર (પીઓકે) ભારતનો જ હિસ્સો છે ને ભારત એ પાછો મેળવવા તમામ પ્રયત્નો કરશે. જનરલ નારવણેએ આડકતરી રીતે સરકારને પીએઓકે પર કબજો કરવા માટે આક્રમણ કરવા ગ્રીન સિગ્નલ આપવા જ કહેલું. મોદી સરકાર એ વખતે તો રાજકીય ઈચ્છાશક્તિ ના બતાવી શકી પણ કદાચ હજુ તેનામાં એ રાજકીય ઈચ્છાશક્તિ નથી આવી તેથી રાજનાથે પીઓકે સામેથી ભારતમાં ભળી જશે એવી વાતો કરવી પડે છે.

ભારતે આ વાતો છોડવી જોઈએ ને થોડીક મુત્સદીગીરી બતાવવી જોઈએ, થોડીક મર્દાનગી બતાવવી જોઈએ. બાકી પીઓકેનાં લોકો રસ્તા પર ઉતરી આવે ને પાકિસ્તાની લશ્કર કશું કર્યા વિના બેસી રહે, પીઓકે આપણા હાથમાં આવી જાય એ વાતમાં માલ નથી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button