Gujarat Weather: ગુજરાતમાં પડશે ધોમધખતો તાપ કે મળશે રાહત! જાણો હવામાન વિભાગની આગાહી
અમદાવાદ: માર્ચ મહિનો પૂરો થવા આવ્યો છે, ધીમે ધીમે ઉનાળાનો તાપ વર્તાવા લાગ્યો છે. ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ઊંચું તાપમાન નોંધાઈ રહ્યું છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ ગુજરાતમાં સૌથી વધુ મહત્તમ તાપમાન રાજકોટમાં 39.9 ડિગ્રી સે. નોંધાયુ હતું. અમદાવાદમાં મહત્તમ તાપમાન 38.6 ડિગ્રી સે. અને ગાંધીનગરમાં 38.5 ડિગ્રી સે. તાપમાન નોંધાયુ હતું. અગાઉ સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના કેટલાક વિસ્તારમાં હીટવેવની આગાહી કરવામાં આવી હતી. જોકે, હવામાન વિભાગે આજે કરેલી આગાહી મુજબ આજથી પાંચ દિવસ ગુજરાતમાં હીટવેવની કોઈ શક્યતા નથી. જોકે આગામી પાંચ દિવસમાં તાપમાન એકથી બે ડિગ્રી વધી શકે છે. હાલ ગુજરાતમા ઉત્તર પશ્ચિમી-ઉત્તર દિશાથી પવન ફૂંકાઈ રહ્યા છે. હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના અધિકારીએ આજે મંગળવારે બપોરે માહિતી આપતા જણવ્યું કે ગુજરાતમાં પાંચ દિવસ હવામાન સુકું રહેશે. લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં કોઇ મોટો ફેરફાર નહીં જોવા મળે. છેલ્લા 24 કલામાં રાજ્યમાં નોંધાયેલા તાપમાનની અંગે તેમણે જણાવ્યુ કે, ગુજરાતમાં સૌથી વધુ તાપમાન રાજકોટમાં 39.9 ડિગ્રી સે. નોંધાયુ હતું. અમદાવાદમાં મહત્તમ તાપમાન 38.6 ડિગ્રી સે. અને ગાંધીનગરમાં 38.5 ડિગ્રી સે. તાપમાન નોંધાયુ હતું. અમદાવાદમાં લઘુતમ તાપમાન 24. 2 ડિગ્રી સે., ગાંધીનગરમાં 23.5 ડિગ્રી સે. નોંધાયુ હતું. આ સાથે સૌથી ઓછું લઘુત્તમ તાપમાન વલસાડમાં 18.8 ડિગ્રી નોંધાયુ હતું.