રૂપિયો બાઉન્સબૅક થતાં સોનામાં રૂ. ૨૫નો અને ચાંદીમાં રૂ. ૧૪૯નો ઘસરકો
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: અમેરિકાના પર્સનલ ક્ધઝ્મ્પશન એક્સ્પેન્ડિચર ડેટાની જાહેરાત પૂર્વે રોકાણકારોના સાવચેતીના અભિગમ વચ્ચે આજે લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં સોનાના ભાવમાં સાંકડી વધઘટ અને વાયદામાં નરમાઈનું વલણ રહ્યું હોવાના નિર્દેશ હતા, જ્યારે ચાંદીમાં ઘટાડો આવ્યો હતો. આમ વૈશ્વિક બજારનાં નિરુત્સાહી અહેવાલ તેમ જ આજે આંતરરાષ્ટ્રીય વિનિમય બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં નરમાઈનું વલણ રહેતાં આ અહેવાલ લખાઈ રહ્યો છે ત્યારે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો ૨૯ પૈસાના બાઉન્સબૅક સાથે ક્વૉટ થઈ રહ્યો હોવાથી સ્થાનિક ઝવેરી બજારમાં મધ્યસત્ર દરમિયાન સોનાના ભાવમાં ૧૦ ગ્રામદીઠ રૂ. ૨૪થી ૨૫નો અને ચાંદીના ભાવમાં કિલોદીઠ રૂ. ૧૪૯નો ઘસરકો આવ્યો હતો.
બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે મધ્યસત્ર દરમિયાન .૯૯૯ ટચ ચાંદીમાં સ્ટોકિસ્ટોની છૂટીછવાઈ વેચવાલીના દબાણ સામે નવી લેવાલીનો અભાવ અને ઔદ્યોગિક વપરાશકારો તથા જ્વેલરી ઉત્પાદકોની માગ નિરસ રહેતાં ભાવ કિલોદીઠ રૂ. ૧૪૯ના ઘટાડા સાથે રૂ. ૭૩,૯૦૩ના મથાળે રહ્યા હતા. વધુમાં આજે વૈશ્વિક સોનામાં મક્કમ વલણ રહ્યું હોવાના નિર્દેશો છતાં સ્થાનિકમાં ઊંચા મથાળેથી સ્ટોકિસ્ટો અને રોકાણકારો સહિત જ્વેલરી ઉત્પાદકો અને રિટેલ સ્તરની માગ પણ નિરસ રહી હતી. તેમ છતાં રૂપિયામાં બાઉન્સબૅક થતાં સોનાની આયાત પડતરોમાં ઘટાડો થવાથી ૯૯.૫ ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૨૪ના અને ૯૯.૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ રૂ. ૨૫ના ઘસરકા સાથે અનુક્રમે રૂ. ૬૫,૯૭૯ અને રૂ. ૬૬,૨૪૩ના મથાળે રહ્યા હતા.
આ સપ્તાહના અંતે અમેરિકાનાં પર્સનલ ક્ધઝમ્પશન એક્સ્પેન્ડિચર (પીસીઈ) ડેટાની જાહેરાત પૂર્વે આજે લંડન ખાતે રોકાણકારોએ સાવચેતીનો અભિગમ અપનાવતા હાજરમાં સોનાના ભાવ સાંકડી વધઘટે અથડાઈને ગઈકાલના બંધ આસપાસ ઔંસદીઠ ૨૧૭૦.૬૮ ડૉલર આસપાસ અને વાયદામાં ભાવ સાધારણ ૦.૩ ટકાના ઘટાડા સાથે ૨૧૭૦.૭૦ આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે હાજરમાં ચાંદીના ભાવ ગઈકાલના બંધ સામે ૦.૬ ટકા ઘટીને ઔંસદીઠ ૨૪.૫૩ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યાના અહેવાલ હતા.
તાજેતરમાં વૈશ્વિક સોનાના ભાવ કોન્સોલિડેશનના તબક્કામાંથી પસાર થઈ રહ્યા હોવાનું કેપિટલ ડૉટ કૉમના ફાઈનાન્સિયલ માર્કેટ એનાલિસ્ટ ક્યેલ રોડ્ડાએ જણાવતાં ઉમેર્યું હતું કે ફેડરલના વ્યાજદર કપાતનો અણસાર પીસીઆઈ ડેટા પર અવલંબિત રહે તેમ હોવાથી રોકાણકારોએ સાવચેતી અપનાવી હોય તેમ જણાય છે. જોકે, ગઈકાલે ફેડર ગવર્નર લિસા કૂકે આ વર્ષમાં ૬ણ વખત વ્યાજ કપાત અંગે નીતિઘડવૈયાઓ સહમત થયા હોવાનું જણાવ્યું હતું.