‘જો મોદી ફરી PM બનશે તો ભારતને બરબાદ કરી દેશે’, આ દિગ્ગજ નેતાએ આપી ચેતવણી
ચેન્નઈ: લોકસભા ચૂંટણી(Lok Sabha election)ની જાહેરાત થઇ ગઈ છે, એવામાં વિવિધ રાજકીય પક્ષો હરીફ પક્ષો પર શાબ્દિક પ્રહારો કરી રહ્યા છે. વિપક્ષી પક્ષો સામે હાલ સૌથો મોટો પડકાર વડા પ્રધાન નરેન્દ્ર મોદી(PM Narendra Modi)ની લોકપ્રિયતા છે, માટે તમામ વિપક્ષી પક્ષો વડા પ્રધાન અને ભાજપ(BJP) પર શાબ્દિક હુમલા કરી રહ્યા છે. એવામાં તમિલનાડુના મુખ્ય પ્રધાનને એમકે સ્ટાલિન(MK Stalin)ને એક જાહેરસભા દરમિયાન કહ્યું કે જો નરેન્દ્ર મોદી ફરી વડાપ્રધાન બનશે તો તેઓ નફરતના બીજ વાવીને ભારતને બરબાદ કરી દેશે.
મુખ્ય પ્રધાન એમ કે સ્ટાલિન સોમવારે તિરુનેલવેલીમાં જાહેર સભાને સંબોધિત કરી રહ્યા હતા. આ દરમિયાન તેમણે કહ્યું કે લોકોનો મત નક્કી કરશે કે તમિલનાડુ રાજ્યનું સન્માન કરનાર અને તમિલોને નફરત ન કરનાર વ્યક્તિ વડાપ્રધાન બનવા જોઈએ કે નહીં? તમારો મત “માનવીય વડાપ્રધાન” પસંદ કરવા માટે આપો. તમિલનાડુ અને તમિલોને સન્માન આપનાર વ્યક્તિને વડાપ્રધાન બનાવવાનું તમારા હાથમાં છે. જો મોદી ફરી વડાપ્રધાન બનશે તો તેઓ નફરતના બીજ વાવીને ભારતને બરબાદ કરી દેશે.
તેમણે કહ્યું કે, એક કેન્દ્રીય પ્રધાન તમિલોને ભિખારી કહે છે અને બીજા કેન્દ્રીય પ્રાધાન તમિલોને આતંકવાદી કહે છે. તમિલો પ્રત્યે આટલી બધી નફરત કેમ છે? તેઓ વિચારે છે કે તેઓ લોકોમાં નફરત અને વિભાજન કરીને રાજકારણ કરી શકે છે. પરંતુ આવું ક્યારેય શક્ય નહીં બને.
મુખ્ય પ્રધાન સ્ટાલિને તામિલનાડુના માછીમારો સામે શ્રીલંકાના નેવીની કાર્યવાહી માટે કોંગ્રેસ અને ડીએમકેને જવાબદાર ઠેરવવા બદલ વડા પ્રધાન મોદી પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે, ભારતના ઈતિહાસમાં આજ સુધી કોઈ એવો વડાપ્રધાન નથી કે જેણે તમિલનાડુની જનતાને આટલી નફરત કરી હોય જેટલી વડાપ્રધાન મોદી કરે છે.
પીએમ મોદીએ કહ્યું હતું કે શ્રીલંકાના નૌકાદળ દ્વારા તમિલનાડુના માછીમારો પર થયેલા હુમલા માટે કોંગ્રેસ અને ડીએમકે જવાબદાર છે. મારે એક વાત પૂછવી છે કે છેલ્લા એક દાયકાથી કોણ રાજ કરી રહ્યું છે? ત્રણ હજારથી વધુ માછીમારોની ધરપકડ કરવામાં આવી ત્યારે મોદી સરકાર ચૂપચાપ જોતી રહી.
તમિલનાડુના મુખ્ય પ્રધાને રાજ્યમાં પૂર પછી રાહત ભંડોળની ફાળવણી ન કરવા બદલ વડા પ્રધાન મોદીની ટીકા કરી હતી. તેમણે કહ્યું કે થોડા દિવસો પહેલા પીએમ મોદીએ તિરુનેલવેલી અને કન્યાકુમારી જિલ્લાની મુલાકાત લીધી હતી. પરંતુ જ્યારે અહીં પૂર આવ્યું ત્યારે તેઓ ક્યાં હતા? રાહત ફંડના નામે એક રૂપિયો પણ આપવામાં આવ્યો નથી.
મુખ્ય પ્રધાન સ્ટાલિને કેન્દ્ર સરકાર વિરુદ્ધ સુપ્રીમ કોર્ટનો સંપર્ક કરવાના રાજ્યના નિર્ણય વિશે પણ માહિતી આપી હતી. તેમણે કહ્યું કે અમે પૂરગ્રસ્ત વિસ્તારોમાં લોકોની મદદ અને વિકાસ માટે 37,000 કરોડ રૂપિયાનું ફંડ માંગ્યું હતું, પરંતુ કેન્દ્રએ તે આપ્યું ન હતું. અમે કેન્દ્ર સરકાર સામે સુપ્રીમ કોર્ટમાં જવાનું નક્કી કર્યું છે.