હવે પ્રવાસીઓ કરી શકશે રેલવે પોલીસને રેટિંગ, વિશ્વસનીયતા વધારવા અનોખો ઉપક્રમ…
મુંબઈઃ મુંબઈની લોકલ ટ્રેનમાં ચોરાયેલા મોબાઈલ ફોન, પર્સ વગેરેની ફરિયાદ નોંધાવવા જતા પ્રવાસીઓને ઘણી વખત કલાકોના કલાકો રાહ જોતા બેસી રહેવું પડે છે. પરંતુ હવે આ પરિસ્થિતિમાં બદલાવ આવે એ માટે રેલવે પોલીસ કમિશનર ઓફિસ દ્વારા કેટલાક મહત્ત્વના પગલાં લેવામાં આવી રહ્યા છે. પોલીસ સર્વિસને રેટિંગ કરવા માટે ક્યૂઆર કોડ આધારિત એક સિસ્ટમ ડેવલપ કરી છે અને એપમાં પ્રવાસીઓ મોબાઈલ પરથી જ ફરિયાદ નોંધાવી શકશે.
પ્રવાસીઓ ઓછા સમયમાં ફરિયાદ નોંધાવી શકે અને પ્રવાસીઓ અને પોલીસ વચ્ચે સુમેળ સધાય એ માટે રેલવે પોલીસ કમિશનર ઓફિસ દ્વારા મિશન ટ્રસ્ટિંગ પોલીસિંગ શરૂ કરવામાં આવ્યો છે.
મુંબઈની હદમાં આવતા તમામ રેલવે પોલીસ સ્ટેશનમાં ક્યુઆર કોડ સ્કેનર ઉપલબ્ધ કરાવી આપવામાં આવે છે. મોબાઈલની મદદથી કોડ સ્કેન કરતાં જ પ્રવાસીઓને મોબાઈલમાં એક ફોર્મ મળશે, જેમાં ફરિયાદ કરવા માટે કેટલો સમય લાગ્યો દાખલા તરીકે એક કલાકથી ઓછો સમય, એક કલાકથી બે કલાકની વચ્ચે કે પછી બે કલાક કરતાં વધુ સમય…
માહિતી ભરનારે પોતાનું નામ લખવું કે નહીં એ મરજિયાત હશે. આ સર્વેમાં ચારથી પાંચ સવાલો પૂછવામાં આવશે અને એની સાથે સાથે સંબંધિત પોલીસ સ્ટેશનને રેટિંગ આપવાની સત્તા પણ પ્રવાસીને આપવામાં આવી છે, એવી માહિતી મુંબઈ રેલવે પોલીસ કમિશનર ડો. રવીન્દ્ર શિસવેએ આપી હતી.
મોબાઈલ ના હોય એવા પ્રવાસીઓનું શું એવો સવાલ થાય એ સ્વાભાવિક છે. આના જવાબમાં કમિશનરે એવું જણાવ્યું હતું કે હાલમાં કેવળ મોબાઈલ હોય એવા જ પ્રવાસીઓને ધ્યાનમાં રાખવામાં આવ્યા છે. આ પ્રકારનો આ પહેલો જ પ્રયોગ છે. પ્રવાસીઓની પ્રતિક્રિયાને ધ્યાનમાં લઈને જ આગળના નિર્ણય લેવામાં આવશે.
ઘણી વખત સિટી પોલીસની હદમાં ઘટેલા ગુનાઓની ફરિયાદ રેલવે પોલીસની હદમાં દાખલ કરવામાં આવશે. આવા સમયે ફરિયાદ નોંધવામાં આવે છે. પરંતુ આને કારણે ખોટી ફરિયાદોની સંખ્યામાં પણ વધારો થાય એવી માહિતી રેલવે પોલીસ દ્વારા આપવામાં આવી હતી.